વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ પદભાર સંભાળ્યો
ચેમ્બરના નવા ઇનીશિએટીવ ‘જોબ પોર્ટલ’તથા વેબસાઇટનું લોન્ચીંગ કરાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮ર મો પદગ્રહણ સમારોહ શનિવાર, તા. ૧૬ જુલાઇ ર૦રર ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટીનમ હોલમાં યોજાયો હતો. જેમાં વર્ષ ર૦રર–ર૩ના ચેમ્બરના પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ તરીકે રમેશ વઘાસિયાએ પદભાર સંભાળ્યો હતો.
આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડના નોન–ઓફિશિયલ ડાયરેકટર પંકજ પટેલ ઉપસ્થિત રહયા હતા. મુંબઇ સ્થિત યુએસ કોન્સ્યુલેટના કોમર્શિયલ ઓફિસર હેરોલ્ડ (લી) બ્રેયમેન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારી અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બરના વર્ષ ર૦ર૧–રર ના પ્રમુખ આશીષ ગુજરાતીએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચેમ્બર દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો ટૂંકમાં અહેવાલ રજૂ કરી વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રાજેન્દ્ર ચોખાવાલાએ, પ્રમુખ તરીકે આશીષ ગુજરાતીએ તેમના કાર્યકાળ દરમિયાન વેપાર – ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે જે અસરકારક રજૂઆતો તથા અન્ય કામગીરી કરી હતી તે અંગે તેમને પ્રશસ્તિ પત્ર અર્પણ કર્યો હતો.
ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ જયવદન બોડાવાલાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પત્રનું વાંચન ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ તરીકે રમેશ વઘાસિયાએ પદભાર સંભાળ્યો હતો. મંચ પર ઉપસ્થિત આમંત્રિત મહેમાનો સહિત સર્વેએ હિમાંશુ બોડાવાલા અને રમેશ વઘાસિયાને અભિનંદન આપ્યા હતા.
પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેમ્બરના નવા ઇનીશિએટીવ ‘જોબ પોર્ટલ’નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. નવિનીકરણ સાથે ચેમ્બરની વેબસાઇટનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ચેમ્બરના જોબ પોર્ટલના માધ્યમથી યુવાઓને લાયકાત મુજબ નોકરી શોધવામાં સરળતા થશે. જ્યારે ઔદ્યોગિક એકમોને પણ જરૂરિયાત મુજબના કર્મચારીઓ મળી રહેશે. આવી રીતે રોજગારી અપાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા હવે મહત્વની ભૂમિકા અદા કરવામાં આવશે.
સમારોહના મુખ્ય મહેમાન પંકજ પટેલે જણાવ્યું હતું કે, વેપાર – ઉદ્યોગના વિકાસ માટે એકઝીબીશન પાયામાં છે અને તે સારા પરિણામો આપે છે. સરકારની વિવિધ નીતિઓનો લાભ લઈને દેશ – વિદેશના બાયર્સને લાવીશું તો ઘણો વિકાસ શકય છે. તેમણે કહયું કે, કોવિડ– ૧૯ને કારણે આવેલી ક્રાઇસીસે સમસ્યાઓની સાથે ઘણી નવી તકો ઊભી કરી છે. આથી ગ્રાહકની જરૂરિયાતને સમજીને મેન્ટલ મોડયુલ બદલીને તેમાં આગળ આવવું પડશે. ટેકનોલોજીને આધારે ઇનોવેશન કરવા પડશે અને રિસર્ચ કરવા પડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપન ટેલેન્ટનો જમાનો આવવાનો છે અને બિઝનેસમાં નવા ટેલેન્ટની જરૂર પડશે. નવા વિઝનથી બિઝનેસ કરવાનો સમય આવી ગયો છે. હવે પોતાના રિસોર્સ ઉભા કરીને આગળ વધવું પડશે. ઓનલાઇન ડિજીટલને આગળ લઈ જવું પડશે. ઇનોવેશન માટે એકસપેરીમેન્ટ કર્યા જ કરો, એક દિવસ સફળ થઈશું તેમ જણાવી તેમણે ઉદ્યોગકારોને નાના નાના ઇનોવેશન કરવા માટે અપીલ કરી હતી.
હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર વ્યકત કરી ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ વર્ષે વિવનીટ, યાર્ન એકસપો, સ્પાર્કલ, ઓટો એકસપો, સીટેક્ષ એકસપો, ફૂડ એન્ડ એગ્રી અને વી એકઝીબીશનનું આયોજન કરવામાં આવશે. અમેરિકા અને દુબઈમાં પણ એકઝીબીશન યોજાશે. અમેરિકામાં માત્ર ટેકસટાઈલ જ નહીં પણ જેમ એન્ડ જ્વેલરીનું સંમિશ્રણ કરીને એકઝીબીશન યોજાશે. આ ઉપરાંત બાંગ્લાદેશ અને દુબઈમાં ફેબ્રિકને લગતું એકઝીબીશન કરીને દક્ષિણ ગુજરાતના ટેકસટાઈલ ઉદ્યોગને વધુ વેગવંતો બનાવવાનો આયામ હાથ ધરવામાં આવશે.
પીએમ મિત્રા પાર્ક કેટલો ઝડપથી વિકાસની રાહ પકડશે તે મારું મુખ્ય લક્ષ્ય રહેશે. સુરત, ભારતના ગારમેન્ટ હબ તરીકે પણ ઉભરી આવે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. સુરતની ટેકસટાઈલ ઇન્ડસ્ટ્રીમાં વધુ ને વધુ આર એન્ડ ડી થઈ શકે તે માટે કોમન ફેસીલીટી સેન્ટર શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરુ પાડવા માટે વિવિધ દેશોના કોન્સ્યુલ ઓફિસની સાથે મળીને કાર્યક્રમો કરવામાં આવશે. તેમણે તમામ એસોસિએશનના પ્રતિનિધિઓને વેપાર – ઉદ્યોગ સંબંધિત જે કંઇપણ સમસ્યા નડતી હોય તેના વિષે ચેમ્બરને રજુઆત કરવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બરની નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગને ‘એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવશે. જ્યાં ટેકસટાઇલ, માર્કેટીંગ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર, સાયબર સિકયોરિટી, બ્રાન્ડ મેનેજમેન્ટ, ન્યુ લાઇફ સ્ટાઇલ, યોગા, ફૂડ ડાયેટ તથા અન્ય અભ્યાસક્રમો ઉપરાંત ગારમેન્ટીંગ સહિતના ટેકનીકલ સ્કીલ ડેવલપમેન્ટ તાલીમના વર્ગો શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. વર્ષ દરમ્યાન વિવિધ સેમિનારો, વર્કશોપ તથા નેશનલ એચ.આર. કોન્કલેવ, નેશનલ ટેકસટાઇલ કોન્કલેવ, બેન્કીંગ કોન્કલેવ, નેશનલ યુથ કોન્કલેવ, નેશનલ વિમેન કોન્કલેવ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ કોન્કલેવ અને સ્ટાર્ટ–અપ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે.
સુરત તથા આજુબાજુના ગામડાઓમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને મજબુત ટેકો મળી રહે તે માટે ૧૦ જેટલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ દરેક સેન્ટરમાં ઓછામાં ઓછા ૧૦ મશીનો હોય અને દરેક સેન્ટરમાં વર્ષ દરમ્યાન ર૦૦ થી વધુ લોકોને તાલીમ મળે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. આવી રીતે ઓછામાં ઓછા ર૦૦૦ નવા સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરી સુરત, ભારતના ગારમેન્ટ હબ તરીકે ઉભરી આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમ તેમજ ફૂડ એન્ડ એગ્રી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ તેને આનુષાંગિક ઉદ્યોગો પણ વિકસિત થશે. આથી આ ઉદ્યોગોના વિકાસ માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ સુરત, ગ્લોબલ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે ઉભરી આવે તે માટે પ્રયાસ કરાશે. આ ઉપરાંત ચાઇનાથી ઇમ્પોર્ટ થતા કેમિકલ્સ અને ફાર્મા ઇન્ટરમિડીએટ્સ વિષે અભ્યાસ કરીને તેનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે કરી શકાય તે માટે પ્રયાસ કરી કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે કોસ્ટલ ટુરીઝમ વિકસાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.
તેમણે ચેમ્બરના વર્ષ ર૦રર–ર૩ ના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાનો પરિચય આપી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તદુપરાંત વર્ષ ર૦રર–ર૩ ના ઓફિસ બેરર્સમાં ચેમ્બરના માનદ્ મંત્રી તરીકે ભાવેશ ટેલર, માનદ્ ખજાનચી તરીકે ભાવેશ ગઢીયા અને લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે જ્યોત્સના ગુજરાતીની જાહેરાત કરી હતી.
હેરોલ્ડ (લી) બ્રેયમેને જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યુએસએ ખાતે યોજાયેલા એકઝીબીશનને પગલે હવે ભારત અને યુએસ વચ્ચે દ્વિપક્ષીય વેપારની ગતિ તેજ થશે. એકસપોર્ટ માટે પણ સોર્સિસ ઓફ સપ્લાયર્સ શોધવામાં સરળતા થઇ છે. યુએસ કંપનીઓ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા માટે આતુર છે ત્યારે આ દિશામાં પણ પ્રયાસ કરાશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, યુથ વીંગ મજબુત થશે તો તેનો સીધો લાભ વેપાર – ઉદ્યોગને મળશે. તેમણે યુવા સ્ટાર્ટ – અપને મેન્ટર કરવા ચેમ્બરને અપીલ કરી હતી.
સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુરતના વિકાસ હેતુ હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. તેમણે વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉદ્યોગકારો તથા લોકોને સહયોગ આપવા અપીલ કરી હતી.
ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાતના રાજ્ય મંત્રી કિશોર કાનાણી, સાંસદ ગણપત વસાવા તથા ધારાસભ્યો વી.ડી. ઝાલાવડીયા અને અરવિંદ રાણા તેમજ પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત થયેલા પ્રમુખ આશીષ ગુજરાતીની કામગીરીની નોંધ લઇ નવ નિયુકત પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
પદગ્રહણ સમારોહમાં માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલા અને એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટના કો–ચેરપર્સન સ્નેહા જરીવાલાએ કરી હતી.
પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦રર–ર૩ ના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળનાર રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.