સુરત

રૂ.૯૦.૩૫ લાખના રોડ, પાણી, ડ્રેનેજ અને વીજળીના કામોનું ગૃહરાજયમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત: જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

પ્રજાએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરી તેમના સુખ દુઃખમાં સરકાર હંમેશા સાથે છે: ગૃહરાજ્યમંત્રી

સુરત: છેલ્લા બે દાયકાની રાજ્ય સરકારની વિકાસગાથા ગામેગામ પહોંચે એ હેતુથી આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવી પહોંચતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને કોર્પોરેટરો, સ્થાનિક શહેરીજનોએ વિકાસ રથનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨૨ ખાતે રસ્તા, ગટર, લાઈટ, પાણી અને વીજળી સહિતના વિકાસકામો માટે રૂ.૯૦.૩૫ લાખના ખર્ચે ૭ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ મંત્રી અને કોર્પોરેટરોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ‘વંદે ગુજરાત યાત્રા’ છેલ્લા બે દાયકામાં ગુજરાતને દેશના તમામ રાજ્યોમાં સર્વોચ્ય સ્થાન પ્રાપ્ત કરાવવા માટે કરાયેલા અથાગ પરિશ્રમને વંદન કરવાનો અવસર છે. જ્યાં ૨૦ વર્ષ પહેલાં ૨૪ કલાક વીજળી અને નળ ખોલતા જ મળતા પાણીની ઈચ્છા સ્વપ્ન બરાબર હતી, ત્યાં આજે ઘરે ઘરે જળસુવિધા સહિત તમામ પ્રાથમિક  સુવિધાઓ ઉપલબ્ધ છે. ૨૦૦૨ થી ૨૦૨૨ સુધીમાં થયેલા વિકાસની વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, આઝાદીના ૬૫-૬૫ વર્ષ પછી પોતાના પાકા મકાનમાં તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે રહેવાનું સપનું  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ જ શક્ય બન્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ વિસ્તાર, ગામ, શહેરનો વિકાસ થાય ત્યારે ત્યાંની પ્રજાનો વિકાસ આપોઆપ થાય છે. પ્રજામાં વિકાસની ઝંખના જાગે છે, નાગરિકોના સાથ અને સહકાર સાથે આવનારા ૨૦ વર્ષોમાં પણ આ જ ઝડપે વિકાસ જોવા મળશે એવું સ્પષ્ટપણે  સંઘવીએ જણાવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું તુલસીના ક્યારા અર્પણ કરી સ્વાગત કરાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button