ગુજરાતનેશનલ

૨૬- વલસાડ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, ૨૧૦૭૦૪ મતથી ધવલ પટેલનો ભવ્ય વિજય

ભાજપના ધવલ પટેલને ૭૬૪૨૨૬ મત જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૫૫૩૫૨૨ મત મળ્યા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૬- વલસાડ બેઠક પર આજે મંગળવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી હાથ ધરાતા ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને ૭૬૪૨૨૬ મત જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલને ૫૫૩૫૨૨ મત મળતા ભાજપના ધવલ પટેલ ૨૧૦૭૦૪ મતથી વિજેતા થયા છે.

કુલ ૨૧ રાઉન્ડ સુધીમાં ભાજપને ૭૪૨૭૫૭ જયારે કોંગ્રેસને ૫૨૭૭૩૩ મત મળતા ભાજપના ધવલ પટેલે ૨૧૫૦૨૪ મતની સરસાઈ મેળવી લીધી હતી. ૨૨માં રાઉન્ડમાં ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામની મત ગણતરી પૂર્ણ થયા બાદ ડાંગ, વાંસદા અને કપરાડા બેઠકના મતોની ગણતરી ચાલુ રહી હતી. આ રાઉન્ડમાં પણ કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. ભાજપના ધવલ પટેલને ૮૪૭૦ જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૧૦૪૬૮ મત મળ્યા હતા. ડાંગ અને વાંસદાના ૨૩માં રાઉન્ડમાં પણ કોંગ્રેસના અનંત પટેલને ભાજપના ધવલ પટેલની સરખામણીએ ૮૦૮ મત વધુ મળ્યા હતા. અનંત પટેલને ૮૨૧૮ અને ધવલ પટેલને ૭૪૧૦ મત મળ્યા હતા.

અંતે ૨૪માં રાઉન્ડમાં માત્ર ડાંગ બેઠકના મતોની ગણતરી ચાલુ રહેતા ભાજપને ૧૪૧૦ મત વધુ મળ્યા હતા. અનંત પટેલને ૮૮૮ અને ભાજપના ધવલ પટેલને ૨૨૯૮ મત મળ્યા હતા. આમ, કુલ ૨૪ રાઉન્ડમાં ૨૬- વલસાડ બેઠકની મત ગણતરી પૂર્ણ થતા કોંગ્રેસના અનંત પટેલને ૫૪૬૪૧૯ જ્યારે ભાજપના ધવલ પટેલને ૭૬૦૯૩૫ મત મળતા બંને વચ્ચે ૨૧૩૬૨૮ મતનું અંતર જોવા મળ્યું હતું. પરંતુ પોસ્ટલ બેલેટના ૧૦૫૭૭ મતની ગણતરી થતા ભાજપના વિજેતા ઉમેદવારની લીડ ઘટી હતી. કારણ કે, પોસ્ટલ બેલેટમાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ મત મળ્યા હતા.

અનંત પટેલને ૬૨૧૫ જ્યારે ધવલ પટેલને ૩૨૯૧ ટપાલ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવારનું જીતનું અંતર ઘટતા અંતે ૨૧૦૭૦૪ મતથી ધવલ પટેલનો વિજય થયો હતો. કુલ ૧ થી ૨૪ રાઉન્ડમાં ચાલેલી મત ગણતરી દરમિયાન જેમ જેમ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠકના મતોની ગણતરી થતા કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી હતી.

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ભાજપના ધવલ પટેલને વિજેતા ઉમેદવાર જાહેર કરી પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, રાજકોટ ટીઆરપી મોલમાં આગની કરૂણ દુર્ઘટનાને પગલે ભાજપ દ્વારા સંવેદનશીલતા દાખવી વિજય સરઘસ કાઢવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button