સુરત

ચેમ્બર દ્વારા ન્યુ જર્સી ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાઇ, એકઝીબીટર્સને આશરે ૧ લાખ યુએસ ડોલરનો બિઝનેસ મળ્યો

મેયર સેમ જોશી સુરતનું ફેબ્રિક જોઇને પ્રભાવિત થયા, પોતાના લગ્ન માટે કુર્તી, શેરવાની અને કોટી તથા જ્યુટ બેગનો ઓર્ડર આપ્યો

સુરત.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ યુએસએના ન્યુ જર્સી ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્‌ઘાટન ન્યુ જર્સીના મેયર સેમ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું.

મેયરે દરેક સ્ટોલની વિઝીટ લીધી હતી અને સુરતના ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવેલા ફેબ્રિકને જોઇ અને તેના વિશે જાણીને પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં પણ તેમણે પોતાના લગ્ન માટે સુરતના ઉદ્યોગકારને કુર્તી, શેરવાની અને કોટીનો ઓર્ડર પણ આપી દીધો હતો. તદુપરાંત એક એકઝીબીટર્સને પોતાના લગ્નમાં ગીફટ આપવા માટે જ્યુટ બેગનો ઓર્ડર આપ્યો હતો.

મેયર સેમ જોશીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યુએસએ ખાતે યોજાયેલા ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર એકઝીબીશનનો લાભ યુએસએમાં વર્ષોથી સ્થાયી થયેલા ટેકસટાઇલ ઉદ્યોગકારોને પોતાનો બિઝનેસ ડેવલપ કરવા માટે ચોકકસપણે થશે. જો કે, ભવિષ્યમાં પણ ફેબ્રિક સંબંધિત કોઇપણ પ્રકારનું કામ હશે તો સુરતના ઉદ્યોગકારોને તેમની મેયર ઓફિસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દરમ્યાન ન્યુ જર્સી ખાતે યોજાયેલી બાયર – સેલર મીટમાં પણ સુરતના ઉદ્યોગકારોને સ્થાનિક બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ મીટમાં સ્થાનિક ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવ્યા હતા. દિવસ દરમ્યાન પ૪૭ જેટલા વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને એકઝીબીટર્સને આશરે ૧ લાખ યુએસ ડોલરનો બિઝનેસ મળ્યો હતો. સાથે જ અન્ય ઓર્ડર્સ તથા ઘણી ઇન્કવાયરી પણ જનરેટ થઇ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુએસએ સમગ્ર વિશ્વમાં કાપડનો સૌથી મોટો ઉપભોક્તા છે. સાથે જ વિશ્વમાં ટેકસટાઇલ આર્ટિકલનો સૌથી મોટો આયાતકાર પણ છે. આથી ભારતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને યુએસએમાં એકસપોર્ટ કરવા માટે વિશાળ તક મળી છે. હવે આગામી તા. ૧૯ જૂન, ર૦રર ના રોજ કેલીફોર્નિયા ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં પણ સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને કાપડના વૈશ્વિક ખરીદદારો સાથે સીધો સંપર્ક થશે.

ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, ચેમ્બરને એકઝીબીશન માટે સ્થાનિક ઉદ્યોગકારો નટવર ઠકકર, કુણાલ જોશી, આલ્બર્ટ જસાણી, કીંગ પટેલ, ગાયત્રીબેન જોશી અને પોલ પટેલે સહકાર આપ્યો હતો. સાથે જ એકઝીબીશનમાં બાયર્સ લાવવા માટે પણ તેઓ મદદરૂપ થયા હતા. કુણાલ જોશીએ તો સુરતના ઉદ્યોગકારોને માલ સ્ટોક કરવા માટે પોતાના વેર હાઉસ વિનામૂલ્યે આપવાની તૈયારી બતાવી હતી.

ન્યુ જર્સી ખાતે યોજાયેલી બાયર – સેલર મીટમાં ભાગ લેનારા નિકુંજ ખાંગાણીએ જણાવ્યું હતું કે, આ મીટમાં લોકલ બાયર્સે મુલાકાત લીધી હતી અને તેઓની સાથે અમારો સીધો સંપર્ક થઇ શકયો હતો. આ મીટમાં બાયર્સ તરફથી ઘણા ઓર્ડર્સ મળ્યા હતા અને ઇન્કવાયરી પણ જનરેટ થઇ હતી.

એક મહિલા એકઝીબીટર્સે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તેઓ સુરત તથા ગુજરાત રાજ્યમાં બિઝનેસ કરતા હતા પણ ચેમ્બરને કારણે આંતર રાષ્ટ્રીય કક્ષાએ બિઝનેસ કરવાની સુવર્ણ તક મળી છે. ન્યુ જર્સીમાં સ્થાનિક બાયર્સ સાથે સીધી મુલાકાત થવાને કારણે ભવિષ્યમાં પણ ઘણો બિઝનેસ ડેવલપ થશે. આજની બાયર – સેલર મીટમાં સમય પહેલાં જ તેમનો સ્ટોક પૂર્ણ થઇ ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button