એજ્યુકેશનગુજરાતસુરત

યુવાનોએ યુવા પ્રવૃત્તિમાં ભાગ લઈ રાષ્ટ્રભાવના સાથે દેશની વિકાસયાત્રામાં સહભાગી થવું જોઈએ: પોલીસ કમિશનર અજય તોમર

ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ' યોજાયો

સુરત:શનિવાર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા દેશના ૧૫૦ જિલ્લાઓમાં ‘યુવા ઉત્સવ-૨૦૨૩’ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાટપોર, હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટીમાં જિલ્લા કક્ષાનો ‘યુવા ઉત્સવ’ યોજાયો હતો. વડાપ્રધાનશ્રીના ‘પાંચ પ્રણ’ ની થીમ પર નેહરૂ યુવા કેન્દ્ર,સુરતના નેતૃત્વમાં આયોજિત યુવા ઉત્સવમાં યુવાઓમાં રહેલી સુષુપ્ત સર્જન શક્તિને ઉજાગર કરવાના આશયથી કાવ્યલેખન, ચિત્રકામ, વકતૃત્વ, મોબાઈલ ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા(ગ્રુપ ડાન્સ) યોજાઈ હતી. જેમાં ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા સહિતના મહાનુભાવોએ તમામ સ્પર્ધાઓના પ્રથમ ત્રણ વિજેતાઓને સ્મૃતિચિહ્ન તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

યુવા ઉત્સવ દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરત દ્વારા G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે ‘૮ વર્ષ: સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના’ વિષય પર એક દિવસીય પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રોજગાર કચેરી, સુરત,  નશાબંધી અને આબકારી વિભાગ, પ્રવાસન વિભાગ, નશામુક્તિ સમિતિ જેવા સુરતના વિવિધ વિભાગોની કામગીરી અને સિદ્ધિઓનું નિદર્શન કરાયું હતું. જેને અતિથિઓ અને યુવાનોએ નિહાળ્યું હતું. યુવાનોએ કેન્દ્રીય સંચાર બ્યૂરો, મુખ્યાલય દ્વારા પ્રકાશિત થતા ‘ન્યૂ ઇન્ડિયા’ મેગેઝીનની પ્રત અને તેના વિશે જાણકારી મેળવી હતી.

પોલીસ કમિશનરશ્રી અજય તોમરે કહ્યું કે, યુવાનોએ યુવા પ્રવૃત્તિમાં ભાગ લઈ રાષ્ટ્રભાવના સાથે દેશની વિકાસયાત્રામાં સહભાગી થવું જોઈએ. યુવાનોએ શિક્ષણની સાથે રોજગારની તકો ઝડપવા અને કૌશલ્ય વર્ધન થકી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું આવશ્યક છે. યુવા ઉત્સવ યુવાધનને ઉડવા અને વિકસવા માટે દિશાદર્શન કરશે.

પ્રતિભાશાળી યુવાનોની આંતરિક શક્તિને ઉજાગર કરવા ‘યુવા ઉત્સવ’ ઉપયોગી પ્લેટફોર્મ છે: જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા

નેહરૂ યુવા કેન્દ્ર,સુરતના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, ઉપસ્થિત યુવાનોને પાંચ પ્રણનું મહત્વ સમજાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉદ્દબોધનમાં ‘પાંચ પ્રણ′ –(વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામી અથવા સંસ્થાનવાદી માનસિકતાના કોઇપણ નિશાનને દૂર કરવા, આપણા વારસા ગર્વ, એકતા અને અખંડિતતા અને નાગરિકોમાં ફરજની ભાવના) દ્વારા દેશની ઉન્નતિમાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે એમ જણાવી યુવાનોને દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા  શર્માએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલભાઈ શિરોયા, ઓરો યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો.અમરીશ મિશ્રા સહિત યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button