તમે જે જુઓ છો, અનુભવો છો અને વિચારો છો તે એકલાઇનમાં નહીં આવશે ત્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લઇ શકશો : નિષ્ણાંત
ચેમ્બર દ્વારા ‘ઇમ્પેકટફુલ ડિસીઝન મેકીંગ’વિષે ઇન્ટરેકટીવ સેશન યોજાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧ર ઓકટોબર ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ઇમ્પેકટફુલ ડિસીઝન મેકીંગ’વિષય પર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે વડોદરાના કોર્પોરેટ ટ્રેનર આસ્માની સુર્વેએ કયારે અને કેવી રીતે અસરકારક નિર્ણય લેવા જોઇએ ? તેના વિષે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
આસ્માની સુર્વેએ જણાવ્યું હતું કે, આજે જે નિર્ણય લીધો તે આજના માટે બરાબર છે પણ આવતીકાલ માટે તે સારો હોય તે જરૂરી નથી. આથી નિર્ણય લેવા માટે વિચારવું પડે છે. લોકોના આધાર પર કયારેય નિર્ણય લેવા જોઇએ નહીં. જે વ્યકિત પોતાનો નિર્ણય લે છે તે જીવનમાં આગળ વધે છે.
આપણે જોઇએ, અનુભવીએ અને વિચારીએ આ ત્રણેય બાબતો જુદી–જુદી છે, પરંતુ આપણે જે જોઈએ છે તેને જ માણીએ છે. હકીકતમાં તેમાં ઘણો ફરક હોય છે. તેમણે કહયું હતું કે તમે જે જુઓ છો, અનુભવો છો અને વિચારો છો તે એકલાઇનમાં નહીં આવશે ત્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લઇ શકશો.
તમે જ્યારે નિર્ણય લો છો ત્યારે તમારા નિર્ણયથી જે લોકોને અસર થશે તેઓનું ઇન્વોલ્વમેન્ટ તેમાં જરૂરી છે. એના માટે કોમ્યુનિકેશન જરૂરી છે અને ઇન્ફોર્મેશન અનુસાર નિર્ણય લેવા જોઇએ. પોતાના નોલેજ કરતા ડેટાના આધારે નિર્ણય લેવા જોઇએ. નિર્ણયની સાથે મોનીટરીંગ પણ જરૂરી છે.
નિર્ણય લીધા બાદ જે બાબત જોઇતી હતી તે મળી રહી છે કે નહીં ? તેનું મોનીટરીંગ જરૂરી છે. ઓબ્જેકટીવ શોધ્યો છે કે કેમ?, પૂરતી જાણકારી છે કે નહીં? અને બધા વિકલ્પો તપાસ્યા છે કે કેમ? નિર્ણય લેતા પહેલા આ ત્રણેય બાબતો હંમેશા તપાસી લેવી જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નિર્ણય લેવાના નથી હોતા પણ તેને બનાવવાના હોય છે. જીવનમાં તમે કઇ બનવાનો નિર્ણય લીધો એટલે તમે બની નહીં જતા પણ એ બનવા માટે તમારે સંપૂર્ણ તાકાત લગાવી દેવી પડે છે. એકશન વગર લીધેલા નિર્ણયનો કોઇ અર્થ થતો નથી. તેમણે નિર્ણયો કેમ ખોટા લેવાઇ જાય છે તેના વિષે જાણકારી આપી યોગ્ય નિર્ણય કેવી રીતે લેવા તેની સમજણ આપી હતી.
ચેમ્બરની સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું અને વકતાનો પરિચય આપી સમગ્ર સેશનનું સંચાલન પણ કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સેશનમાં વકતાએ જુદા–જુદા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા. અંતે ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.