સ્પ્રિંગ વેલી સોસાયટી વેસુ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

વેસુ સ્થિત સ્પ્રિંગ વેલી સોસાયટી ના સભ્યો દ્વારા ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્પ્રિંગ વેલી સોસાયટીના 100 જેટલા સદસ્યોએ ભાગ લીધો હતો. પ્રોટોકોલ પ્રમાણે યોગ સાધના કરાવી જીવનમાં યોગનું મહત્વ તેમજ યોગના ફાયદાઓ અંગે તમામને જાગૃત કર્યા હતા. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો પર્યાય એટલે ‘યોગ’.
યોગના ફાયદા વિશે વાત કરતાં સ્પ્રિંગ વેલી ના સદસ્ય એ કહ્યું કે, યોગાસનોનો સહુથી મોટો ગુણ એ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે, કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની. આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, ચહેરાની સાચી સુંદરતા અને દીર્ઘાયુ માટે સૌથી સસ્તી અને અસરકારક દવા યોગ છે.યોગથી નર્વસ સિસ્ટમ શાંત થાય, બ્લડ-સર્ક્યુલેશન સુધરે, હૉમોર્નલ સંતુલન આવે જેને કારણે ઈમ્યુનિટીમાં પણ વધારો થાય છે.