સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શુક્રવાર, તા. ૯ જૂન ર૦ર૩ ના રોજ સુરત જિલ્લામાં તડકેશ્વર ખાતે આવેલી સોલેક્ષ એનર્જી લિમિટેડની ફેકટરી વિઝીટ કરવામાં આવી હતી. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા અને કો–ચેરપર્સન કૃતિકા શાહ, સભ્ય રોશની પટેલ તથા અન્ય સભ્યો મળી કુલ ૩૦ મહિલા સાહસિકોએ ફેકટરીની મુલાકાત લીધી હતી. કંપનીના સંચાલક ચેતન શાહે મહિલા સાહસિકોને આવકારી કંપનીમાં બનતા સોલાર પીવી મોડયુલ, સોલાર પેનલ્સ, સોલાર વોટર પમ્પ્સ, સોલાર કાર પોર્ટ, સોલાર રૂફ ટોપ તથા હાય એફિશીયન્સી મોડયુલ્સ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
પર્યાવરણની જાળવણી માટે સોલાર પેનલ મહત્વનો ભાગ ભજવે છે, આથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્લેટનું મેન્યુફેકચરીંગ, ગ્લાસનું લેમિનેશન અને ફ્રેમિંગ તથા હાફ કટ સેલ એન ટ્રાય કટ સેલ દ્વારા હાઇ કવોલિટી પ્રોડકટની ચકાસણીનો મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો. આ કંપનીમાં રોબોટ દ્વારા સંચાલિત કામગીરી અને પ્રોડકશનથી લઇને વેર હાઉસ સુધીની મહિલા સાહસિકોએ વિઝીટ કરી હતી. રોબોટ દ્વારા સંચાલિત સોલેક્ષ એનર્જી લિમિટેડમાં ઝીરો પર્સેન્ટ વેસ્ટેજ ટેકનીકથી કામ થાય છે. કંપનીના વિઝીટ માટે વિમેન આંત્રપ્રિન્યોર સેલના મહિલા સભ્ય નિમિષા પારેખે સર્વેનો આભાર માન્યો હતો.
વધુમાં, આ ફેકટરીમાં રેસિડેન્સીયલ રૂફ ટોપ અને ઇન્ડસ્ટ્રીયલ રૂફ ટોપ બનાવવામાં આવે છે. આ ઉપરાંત બધી જ વેધર કન્ડીશનમાં સોલાર પેનલનું ઉત્પાદન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીન્ડ લોડ અને સ્નો લોડ દ્વારા સોલાર પેનલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે.