તાપી માંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું મશીન ભંગાર હાલતમાં
આ જ હાલત રહી તો કોઈ ભંગાર નાં ભાવે પણ નહીં લેશે : દિનેશ કાછડીયા
સુરતઃ પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા દિનેશભાઈ કાછડીયા એ આજે એક વિડિઓ મારફતે જણાવ્યું હતું કે, કતારગામ ઝોન માં આવેલ લંકા વિજય હનુમાન મંદિર પાસે કતારગામ જળ વિતરણ કેન્દ્ર પાસે તાપી માંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું મશીન તદ્દન દયનીય હાલત માં ભંગાર પડેલું નજરે ચઢે છે. લાખો રૂપિયા નાં ખર્ચે પાલિકા એ વસાવેલું આ મશીન જાણે ધૂળ ખાતુ હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દર વર્ષે લાખો રૂપિયા નું આંધણ કરીને તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવા કોન્ટ્રાકટ અપાય છે, પણ તેના મશીન ની આજે જે દયનીય હાલત છે તે જોતા એમ લાગે છે કે પાલિકાને કંઈ પડી નથી, અને જાણે ભંગાર નાં ભાવે વેચવા કાઢ્યું હોય તેમ વર્તાય છે.
દિનેશભાઇ કાછડીયા એ વધુમાં જણાવ્યું હતું કે, કાયમ જ પાલિકા નવી નવી સાધન સમગ્રીઓ વસાવે છે પણ તેની જાળવણી કરવામાં આવતી નથી. શરૂમાં ઉપયોગ કરીને પાછળ થી એને હાંસિયા માં ધકેલી ને પૈસાનું પાણી કરવામાં પાલિકા ને જાણે ફાવટ આવી ગઈ છે. પ્રજા નાં પૈસા નું આ રીતે પાણી ક્યાં સુધી ચલાવી લેવાય? પાલિકા ઘર નાં ખર્ચે નથી ખરીદતી. લોકોના ટેક્ષ નાં પૈસે ખરીદે છે. આવી હાલત માટે જે તે અધિકારી જવાબદાર છે. એમનો લેખિત માં ખુલાસો માંગવો જોઈએ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દિનેશભાઇ કાછડીયા એ કરી હતી.