વેસુ ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ વિજળી મહોત્સવ યોજાયો
એક યુનિટ વીજળી બચાવવી એ એક યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા બરાબર છેઃ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે વિદ્યુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીના વિઝન અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય:પાવર@૨૦૪૭’ વિજળી મહોત્સવ યોજાયો હતો.
જેમાં રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ઉર્જા ક્ષેત્રની ભૂમિકાની શોર્ટફિલ્મ અને નુક્કડ નાટક તેમજ નૃત્ય રજૂ કરી મનોરંજન સાથે વિજ ક્ષેત્રે થયેલી પ્રગતિથી શહેરીજનોને માહિતગાર કરાયા હતા. તેમજ મંત્રીના હસ્તે વિજ વિભાગની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વીજળીના ઉત્પાદનમાં ભારતે છેલ્લા આઠ વર્ષમાં અનન્ય સિદ્ધિ મેળવી છે અને છેવાડાના ગામડાઓ સુધી વીજળી પહોંચાડી છે. એક સમયે રાત્રે વીજળીના સ્ત્રોત તરીકે કેરોસીનના દિવા, ફાનસ કે મીણબત્તીનો ઉપયોગ થતો હતો, જ્યારે આજે ૨૪ કલાક વીજળી ગામે ગામ મળી રહી છે. દેશને ઝળહળતો રાખવા માટે ઉર્જા કર્મીઓનું યોગદાન પણ અનેરું છે.
સ્કુલ, કોલેજ, સંસ્થાઓ સહિત તમામ સ્થળોએ વીજ બચતની માહિતી પૂરી પાડી લોકો વીજળીનું મહત્વ સમજે તે માટે વધુ પ્રયત્નશીલ રહેવું જોઈએ. એક યુનિટ વીજળી બચાવવીએ એક યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા બરાબર છે. મંત્રીએ વરસાદી સિઝનમાં પણ સતત ફરજ બજાવતા વીજકર્મીઓની સેવાઓને બિરદાવી હતી.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્યનો ખેડૂત સિંચાઈ માટે વીજળીથી વંચિત ન રહે તેમજ તેમને પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ અને યોજનાઓ સાથે સાંકળીને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે. સોલાર રૂફ ટોપ યોજના સહિતની યોજનાનો લાભ મેળવી ઈકો ફ્રેન્ડલી અને પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહભાગી બનીએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સરકારની વિવિધ ઉર્જા ક્ષેત્રની યોજનાઓ, સૂર્ય ગુજરાત સોલર રરૂફટોપ યોજના, સરદાર કૃષિ જ્યોતિ યોજના, હિત ઉર્જા શક્તિ યોજના, કૃષિ ગ્રામ્ય યોજનાનો લાભ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી જણાવ્યું કે, ગુજરાત છેલ્લા ૨૫ વર્ષમાં વીજ ઉત્પાદનમાં અગ્રેસર રહ્યું છે. થોડા દિવસો પહેલા ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યું હતું, એવા સમયે પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની સુવિધા માટે વીજકર્મીઓ વરસાદમાં ખડેપગે કામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા પરિશ્રમ કરી રહ્યા હતા.
એમની મહેનતના કારણે વરસાદી મહોલમાં કોઈ પણ ગામોમાંથી વિજ પ્રવાહ બંધ થયાની ફરિયાદ આવી ન હતી. પીએમ આવાસ અને હળપતિ આવાસનું બાંધકામ પુર્ણ થતાની સાથે લાભાર્થીઓને ૨૪ કલાકમાં વીજ પુરવઠો મળી જતો હોવાથી તરત જ તેઓ પોતાના પાકા મકાનમાં રહેવા જઈ શકે છે તેમ ગઢવીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યઓ સંગીતાબેન પાટીલ અને વિવેકભાઈ પટેલ, કલેક્ટર આયુષ ઓક, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર સ્નેહલ ભાપકર,પ્રાંત અધિકારીશ્રી જી.વી.મીયાણી, એડિશન ચીફ એન્જિનિયર અને અધિક્ષક ઈજનેરશ્રી પી.જી.પટેલ સહિત વિજ વિભાગના અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.