ભારતમાં માથાદીઠ આવક વધારવા ડોમેસ્ટીક કન્ઝમ્પશન અને એકસપોર્ટમાં વધારો તથા ઇમ્પોર્ટમાં ઘટાડો ‘આત્મનિર્ભર ભારત’થકી અનિવાર્ય છે : આશીષ ગુજરાતી
ચેમ્બરના પ્રમુખએ જીએસટી અધિકારીઓ સમક્ષ ‘આત્મનિર્ભર ભારત’વિશે ઉદ્યોગોના વિચારો રજૂ કર્યા
સુરત. સુરત જીએસટી કચેરી ખાતે યોજાયેલી મિટીંગમાં હાજર રહેલા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ ‘આત્મનિર્ભર ભારત’વિશે ઉદ્યોગોના વિચારો રજૂ કર્યા હતા. આ મિટીંગમાં સીજીએસટી ચીફ કમિશનર ડો. ડી.કે. શ્રીનિવાસ અને નિવૃત્ત ચીફ કમિશનર રાજપાલ શર્મા ઉપસ્થિત રહયા હતા અને તેઓએ પણ મિટીંગમાં વિશેષ સંબોધન કર્યું હતું.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારત આર્થિક વિકાસની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે તથા નોમિનલ જીડીપી પ્રમાણે વિશ્વના છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે, પરંતુ માથાદીઠ આવક પ્રમાણે ભારત વિશ્વના ૧૮૯ દેશોમાંથી ૧૪પ માં ક્રમાંકે આવે છે તથા પીપીપી બેઇઝ ઉપર ૧ર૬ મો ક્રમાંક ધરાવે છે. ભારત, વિશ્વમાં ત્રીજા નંબરની (પીપીપી બેઇઝ ઉપર) સૌથી મોટી અર્થ વ્યવસ્થા હોવા છતાં પણ ભારતના નાગરિકો વિશ્વના ૧૪પ દેશોના નાગરિકો કરતા ગરીબ છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આથી દેશના આર્થિક વિકાસનો લાભ દેશની જનતાને જેટલો મળવો જોઇએ તેટલો મળી રહયો નથી એવું કહી શકાય.
વિશ્વ બેંક દ્વારા સ્થપાયેલા માપદંડ પ્રમાણે જે દેશની માથાદીઠ આવક એક હજાર યુએસ ડોલરથી નીચે છે એ દેશ ગરીબ, એક હજારથી ચાર હજાર યુએસ ડોલર છે તે દેશ લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રી, ચાર હજારથી બાર હજાર યુએસ ડોલર સુધી હોય તે દેશ મિડલ ઇન્કમ કન્ટ્રી તથા બાર હજાર યુએસ ડોલરથી ઉપર હોય તે દેશને સમૃદ્ધ કહેવાય છે. વર્ષ ર૦ર૦–ર૧ માં ભારતની માથાદીઠ આવક ર૧૯૧ યુએસ ડોલર જેટલી છે. ભારતમાં જનતાની આવક ઓછી હોવાથી તેઓને ખરીદ શકિત પણ ઓછી છે. એના કારણે દેશનો આર્થિક વિકાસ ક્ષમતા કરતા ઓછો થઇ રહયો છે.
ભારત દરવર્ષે રૂપિયા ૧.૭પ લાખ કરોડ રૂરલ જોબ ગેરંટી માટે ખર્ચે છે. ફાર્મ સબસિડી પેટે રૂપિયા ર.૩૪ લાખ કરોડ ખર્ચે છે અને એમએસપી સપોર્ટ પેટે રૂપિયા ર.૩૭ લાખ કરોડ વાર્ષિક ખર્ચે છે. ફૂડ અને ગેસ સબસિડી ઉપરાંત ઘણી ગરીબ કલ્યાણ યોજનાઓમાં ભારતને આવકનું ખાસ્સું પ્રમાણ ખર્ચવું પડે છે. આથી ડિફેન્સ, એજ્યુકેશન અને હેલ્થકેરમાં જરૂરિયાત મુજબ ખર્ચ કરી શકાતો નથી. જો ભારતની વાર્ષિક આવક રૂપિયા ર૧ લાખ કરોડની છે અને તેમાંથી રૂપિયા ૮ થી ૧૦ લાખ કરોડ વિવિધ પ્રકારની ગરીબ કલ્યાણ યોજનાઓમાં ખર્ચાઇ જાય છે. એના કારણે દરવર્ષે ભારત સરકાર દ્વારા ડેફિશિએટ બજેટ આપવામાં આવે છે.
હાલમાં ભારત વાર્ષિક ૩૦૦ બિલિયન યુએસ ડોલરનું એકસપોર્ટ કરે છે. એની સામે ૪૦પ બિલિયન યુએસ ડોલરનું ઇમ્પોર્ટ પણ કરે છે. જ્યારે ચાઇનાનો એકસપોર્ટનો આંકડો ૩૦૦૦ બિલિયન યુએસ ડોલર છે. એકસપોર્ટ દેશના આર્થિક વિકાસને વેગ આપે છે. જ્યારે ઇમ્પોર્ટ તેમાં ઘટાડો કરે છે. એટલે ભારતમાં માથાદીઠ આવક વધારવી હોય તો દેશ પાસે ત્રણ જ વિકલ્પ છે. જેમાં ડોમેસ્ટીક કન્ઝમ્પશનમાં વધારો કરવો, એકસપોર્ટમાં વધારવો અને ઇમ્પોર્ટમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.
ડોમેસ્ટીક કન્ઝમ્પશન વધારવા માટે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટના ભાગરૂપે ભારત સરકાર વિવિધ પોલિસી લાવી રહી છે. ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે નવા પ્રોજેકટ લાવી રહી છે. એકસપોર્ટ વધારવા માટે વૈશ્વિક કક્ષાની કવોલિટી પ્રમાણે ઉત્પાદનને વધારવા માટે તથા આયાત થતા માલ–સામાન ભારતમાં જ બની રહે તે માટે ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત સ્કીમ લઇને આવી છે. ભારતમાં આઝાદીના ૭પ વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે ભારતવાસીઓની શકિતઓનો વધુમાં વધુ ઉપયોગ કઇ રીતે કરવો તે દિશામાં પ્રયાસ થઇ રહયો છે.
– ભારત હવે મોબાઇલના ઉત્પાદનમાં આત્મનિર્ભર અને નેટ એકસપોર્ટર્સ થઇ ગયું છે.
– ભારતમાં આરોગ્ય ક્ષેત્રે દવાઓ અને એપીઆઇ ખૂબ મોટી માત્રામાં આયાત થતું હોવાથી ફાર્મા પીએલઆઇ સ્કીમ લાવવામાં આવી છે. જેમાં એપીઆઇ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ફાર્માસ્યુટીકલ પાર્કની પણ નીતિ બનાવવામાં આવી છે. જે અંતર્ગત પણ એપીઆઇ અને બલ્ક ડ્રગ ભારતમાં જ બને તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
– ભારતનો કાપડ ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબર પર આવે છે, પરંતુ પહેલા અને બીજાની વચ્ચેનો તફાવત ખૂબ જ મોટો છે. વૈશ્વિક સ્તરે ભારત ટેકસટાઇલ ટ્રેડમાં સાત ટકાનો માર્કેટ શેર ધરાવે છે. જ્યારે ચાઇના ૩પ ટકા શેર ધરાવે છે. એમાં મોટાભાગનો શેર ટેકનીકલ ટેકસટાઇલ અને મેન મેઇડ ફાયબર ટેકસટાઇલનો છે. ભારત વિશ્વનું નંબર વન પોલીએસ્ટર ફાયબરનું ઉત્પાદન ધરાવે છે. જેનો ઉપયોગ ટેકનીકલ ટેકસટાઇલ અને મેન મેઇડ ફાયબરમાં ઘણા મોટા પ્રમાણમાં થાય છે.
આ ક્ષેત્રે એકસપોર્ટ વધારવા માટે ભારત સરકાર દ્વારા હાલમાં જ તા. ૧૮ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ યુ.એ.ઇ. સાથે કોમ્પ્રેહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. જેનાથી ભારતથી થતા મેન મેઇડ ફાયબર ટેકસટાઇલના એકસપોર્ટ માટે ઘણું મોટું માર્કેટ મળી રહેવાની સંભાવના છે. સરકાર દ્વારા આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પીએલઆઇ અને નેશનલ ટેકનીકલ ટેકસટાઇલ મીશનમાં અનુક્રમે રૂપિયા ૧૦૬૮૦ કરોડ અને રૂપિયા ૧૪૮૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આવા પગલાઓ થકી ભારત વૈશ્વિક સ્તરે જે પ્રકારના કાપડની માંગ હોય એ પ્રકારનું કાપડ બનાવવા સક્ષમ થશે. તથા જે પ્રકારના ગારમેન્ટ્સ અને એપેરલની જરૂર હશે તે ફેશન પ્રમાણે બનાવી એકસપોર્ટ કરી શકાશે.
ભારતની પ૦ ટકા કરતા વધારે આબાદી ખેતી ઉપર આધાર રાખે છે. યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ ર૦ર૩ ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવા જઇ રહયું છે અને તેના થકી ભારતમાં બાજરી, જુઆર અને રાગીના થતા ઉત્પાદનને એકસપોર્ટ માટે પ્રોત્સાહન મળી રહેશે.
ભારત, હાલમાં વિશ્વમાં બીજા નંબરનું એનર્જી ઇમ્પોર્ટીંગ કન્ટ્રી છે. ભારત વાર્ષિક ૮૦ બિલિયન ડોલર જેટલું પેટ્રોલિયમ પેદાશોનું આયાત કરે છે. હવે એને ઘટાડવા માટે સરકારે નીતિ બનાવી છે અને ઇથેનોલ બ્લેન્ડીંગ કરવાની પોલિસી લાવી છે. બાયો ગેસ, બાયો સીએનજી બનાવી નેચરલ ગેસના ઇમ્પોર્ટને ઘટાડવાની દિશામાં નેશનલ બાયોફીલ પોલિસીની અમલવારી કરી છે. તથા ફોઝીલ ફયુલનો ઉપયોગ ઘટે તે માટે ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી લાવવામાં આવી છે. જેમાં ફેમ એક અને ફેમ બેમાં ભારતમાં ઇલેકટ્રીક વ્હીકલનું વેચાણ વધે તેવી જોગવાઇ કરી છે.
ભારતને વિશ્વની સિસ્ટમ સાથે જોડવા માટે જીએસટી કાયદો લાવવામાં આવ્યો છે. કારણ કે, વિશ્વના તમામ વિકસિત દેશોમાં જીએસટી કાયદો અમલમાં છે. આ કાયદા આવવાથી ભારતમાં ઇનડાયરેકટ ટેકસ કલેકશનમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. જેથી દેશ વિવિધ સ્કીમની અમલવારી કરવા માટે સક્ષમ બન્યો છે. આ તમામ મુદ્દાઓ જીએસટીના અધિકારીઓ સમક્ષ ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી દ્વારા રજૂ કરાયા હતા.