બિઝનેસસુરત

સુરતમાં ૧૪મી ડિસે.થી ત્રણ દિવસીય રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો-૨૦૨૪ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂટ્ઝ એક્ઝિબીશનને ખૂલ્લું મૂકાશે

સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA) અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા તા.૧૪થી ૧૬ ડિસેમ્બર દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર-સરસાણા ખાતે રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો-૨૦૨૪ યોજાશે, જેને તા.૧૪મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખૂલ્લો મૂકાશે. સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા ઉપસ્થિત રહેશે.

આ વર્ષે ચોથું રૂટ્ઝ B2B જવેલરી પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે, જેમાં સુરતના ૧૫૦ અને અન્ય શહેરોના મેન્યુફેક્ચરર્સ પોતાની ૫ હજારથી વધુ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટસ ડિસ્પ્લે કરશે.

પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા SJMA ના પ્રમુખ વિજયભાઈ સાવલિયાએ જણાવ્યું કે, રૂટ્ઝ એક્ઝિબિશનમાં નેશનલ અને ઇન્ટરનેશનલ B2B ખરીદદારો ભાગ લેશે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાનો છે. ઉપરાંત, હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી અને અન્ય ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વ્યાપાર માટે કડીરૂપ બનશે.

સુરત ડાયમંડ કટિંગ, પોલિશિંગના ઉદ્યોગનું હબ છે, સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ અગ્રેસર બની રહ્યું છે. અહીં જ્વેલરીમાં જડતર માટે હીરા પણ આસાનીથી ઉપલબ્ધ છે, ત્યારે આ પ્રદર્શન જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો ઉપલબ્ધ કરાવશે એમ શ્રી સાવલિયાએ ઉમેર્યું હતું.

SJMA ના ઉપપ્રમુખ અમિત કોરાટે જણાવ્યું કે, SJMA એક બિનનફાકારક સંગઠન છે, જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનો અંતર્ગત સરકાર સાથે સંકલન કરીને જવેલરી ઉદ્યોગના વિકાસ માટે કાર્યરત છે. તે ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે. હીરા અને જવેલરી ઉદ્યોગમાં વૈશ્વિક પ્રવાહોથી વાકેફ રાખે છે. રૂટ્ઝ એક્ઝિબિશન બીટુબી અને બીટુસી નેટવર્કિંગ, નવા વ્યાપારિક સંબંધો માટે મંચ અને નવી જ્વેલરી ટેકનિક્સ અને મશીનરીની શોધ માટે એક આગવું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે.

આ પ્રસંગે SJMAના સેક્રેટરી વિજય ધાની, જોઈન્ટ સેક્રેટરી કિશોર વઘાસિયા, પૂર્વ પ્રમુખ કલ્પેશ વઘાસિયા અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button