સ્વિમિંગમાં સૌથી ઓછી ઊંચાઈ (૧૪૯ સેમી) અને ‘બ્રેસ્ટસ્ટ્રોક’ ઈવેન્ટમાં દેશમાં તૃતીય સ્થાન ધરાવતી સુરતની ‘ડોલ્ફિન ગર્લ’ કલ્યાણી સક્સેનાની કહાની
સ્પોર્ટ્સ તાલીમ માટે રાજ્ય સરકારની દર વર્ષે રૂ.૨ લાખની સહાય
સુરત: હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ જે રીતે પોતાની મેજિકલ હોકી સ્ટિકથી કરતબ બતાવી ગોલ કરતાં હતા. તે જ રીતે સુરતની ૨૨ વર્ષીય ‘ડોલ્ફિન ગર્લ’ કલ્યાણી સક્સેના સ્વિમિંગ પુલમાં પોતાની ઝડપ અને સ્વિમિંગમાં સૌથી ઓછી ઊંચાઈ (૧૪૯ સેમી) તેમજ ‘બ્રેસ્ટસ્ટ્રોક’ ઈવેન્ટમાં દેશમાં તૃતીય સ્થાને રહી રાષ્ટ્રીય અને આ.રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી રહી છે.
ગુજરાતની ‘શક્તિદુત યોજના’માં ‘A’ કેટેગરીમાં સામેલ અને સ્વિમિંગમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ કુલ ૪૧૧ મેડલ પ્રાપ્ત કરનારી તેમજ પોતાના જ પિતાના તાલીમ હેઠળ કારકિર્દીમાં ઉચા શિખરો સર કરતી કલ્યાણીની રસપ્રદ કહાની જાણીએ.
સુરત શહેરના અઠવા વિસ્તારના પ્રિયા એપાર્ટમેંટ ખાતે રહેતા અને વ્યવસાયે એન્જિનિયર અજયભાઈ સક્સેનાની દિકરી કલ્યાણી સક્સેના સુરતની જે. એન. એમ. સાયન્સ કોલેજમાં MSc (sem-3)માં અભ્યાસ કરે છે. ભણવામાં પણ હોશિયાર કલ્યાણીએ બ્રેસ્ટસ્ટ્રોક, મેડલે અને બટરફલાય જેવા વિવિધ ઇવેન્ટ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા ખાતે પેન પેસિફિક ચેમ્પિયનશીપ, વર્ષ ૨૦૧૬માં ઈન્ડોનેશિયા ખાતે ‘સાઉથ એશિયન સ્કૂલ ગેમ્સ’ અને તુર્કી ખાતે ‘વર્લ્ડ સ્કૂલ ગેમ્સ’ ઉપરાંત આસામ ખાતે આયોજિત ૧૨માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચોથો ક્રમાંક હાસલ કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં હંગેરી ખાતે ‘વર્લ્ડ સ્કૂલ ગેમ્સ’માં વૈશ્વિક સ્તરે ૧૦ ક્રમાંક મેળવ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે પણ પોતાના કૌશલથી કુલ ૬૧ મેડલ્સ જેમાં ૨૫ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૧ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
આ સિવાય અંડર ૧૭ કેટેગરીમાં ૨૦૦m બ્રેસ્ટસ્ટ્રોકમાં બે રાષ્ટ્રીય રેકોર્ડ અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ૨૦૦m બટરફલાય અને મેડલે ઈવેન્ટમાં ૪૦૦m માં પણ બે રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ કલ્યાણીની બોલબાલા સાથે ૩૫૦ મેડલ્સ સાથે ૨૦ રેકોર્ડ્સ પણ છે. વર્ષ ૨૦૧૬માં ‘સરદાર પટેલ જુનિયર એવાર્ડ’ અને વર્ષ ૨૦૧૭માં ‘સરદાર પટેલ સિનીયર એવાર્ડ’ એનાયત કરાયો છે. ગૌરવની વાત એ છે કે ગુજરાતની ‘શક્તિદુત યોજના’માં ગુજરાતના અમદાવાદની ઓલિમ્પિયન સ્વિમર માના પટેલ સાથે સંયુક્ત રીતે ‘A’ કેટેગરીમાં સ્થાન ધરાવે છે.
કલ્યાણી સક્સેનાએ પોતાની સંઘર્ષગાથા કહેતા જણાવ્યું કે, ૮ વર્ષની વયથી પહેલી વાર સ્વિમિંગ પુલમાં ઉતરી હતી ત્યારથી જ સ્વિમિંગ પ્રત્યેની રુચિ જાગી હતી. ત્યારબાદ સખત મહેનત, યોગ્ય ડાયટ અને સરકારનું રમત ગમત પ્રત્યેનું પ્રોત્સાહન સ્વરૂપે ‘શક્તિદુત યોજના’માં ‘A’ કેટેગરીમાં સ્થાન મેળવ્યું ત્યારથી દર વર્ષે પ્રશિક્ષણ માટે રૂ.૨ લાખની સહાય મળે છે.
આ ઉપરાંત મારી કારકિર્દીના તમામ તબ્બકે મારી સાથે પડછાયાની જેમ ઊભા અને પ્રશિક્ષણ આપતા મારા પિતા અજયભાઈ સક્સેના મારી સફળતાના અવિભાજ્ય ઘટક સમાન છે. તેમના સંપૂર્ણ સાથ સહકાર નીચે જ મેં સ્વિમિંગની નિયમિત તાલીમ શરૂ કરી હતી. હાલ રોજ ૧૦,૦૦૦ મીટર અને વર્ષે ૨૫ લાખ મીટર પ્રશિક્ષણ સ્વરૂપે સ્વિમિંગ કરું છું. મારો ધ્યેય રમતની વર્તમાન ટાઈમિંગ્સમાં સુધારો કરી, વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ રમી એક દિવસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન હોવાનું તેણીએ જણાવ્યું હતું. તેમજ હંગેરીની મેડલે ઈવેન્ટની નિપુણ સ્વિમર કેટીનકા હોસઝૂ મારી રોલ મોડેલ છે એવું તેમણે ઉમેર્યું હતું.
કલ્યાણીએ પોતાનો ભાવુક પ્રસંગ વર્ણવતા વધુમાં જણાવ્યું વર્ષ ૨૦૧૮માં એક કાર અસ્કમાતમાં મારા મોટા ભાઈને ગુમાવ્યો હતો જે પોતે એક રાષ્ટ્રીય કક્ષાનો સ્વિમર હતો. પરિવારનો સહકાર મારા માટે સર્વોચ્ચ રહ્યો છે. ઘરમાં અમે હમેશા સ્વિમિંગની વાતો તેમજ મારા પ્રદર્શન અંગેની ચર્ચાઓ કરતાં હતા. કલ્યાણીએ અન્ય યુવાન છોકરીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, તમારી પોતાના રમત પ્રત્યેની સાચી જિદ, મહેનત, શિસ્ત અને માતા-પિતાનો સાથ સહકાર તમારી પ્રગતિના પગથિયાં ચઢવાનું પીઠબળ સાબિત થતું હોય છે.
નોંધનીય છે કે, કલ્યાણી હાલ વર્ષ ૨૦૨૨માં યોજાનાર એશિયન ગેમ્સ માટે મેહનત કરી રહી છે. તેઓ પિતા સાથે વહેલા સવારે ઉઠીને ઓલપાડના અક્ષય ક્લબ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. પોતાના ઘરના તમામ દીવાલો પર લાગેલા મેડલ્સ, ટ્રોફીઓ અને પ્રમાણપત્રો પાછળ મોબાઈલ અને ટીવીથી દુર, ફાસ્ટફૂડના બદલે ઘરનું સાત્વિક ભોજન જેવા અનેક સમાધાનો છુપાયેલા છે.