બિઝનેસસુરત

ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની પ્રોત્સાહક યોજનાઓ વિષે જાણકારી અપાઇ

એમએસએમઇ અને મોટા ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ર૦રર ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯ અને લોજિસ્ટીકસ પોલિસી અંતર્ગત મળતા લાભો વિષે વિસ્તૃત જાણકારી આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૧૭ મે ર૦ર૩ ના  સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની ઇન્સેન્ટીવ યોજનાઓ’વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણીએ ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની ઇન્સેન્ટીવ યોજનાઓ જેવી કે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ર૦રર ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯ અને લોજિસ્ટીકસ પોલિસી વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ર૦રર ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝમાં તમામ ઇન્ડસ્ટ્રીને આવરી લેવામાં આવી છે. ખાસ કરીને માઇક્રો ઇન્ડસ્ટ્રીને તાલુકા પ્રમાણે સબસિડી આપવાનું નકકી કરાયું છે. સુરત જિલ્લાના ઉમરપાડા અને મહુવા તાલુકામાં આવેલી માઇક્રો ઇન્ડસ્ટ્રીને રપ ટકા, બારડોલી અને માંડવી તાલુકામાં ર૦ ટકા તથા માંગરોળ, કામરેજ, સાયણ અને ઓલપાડ તાલુકામાં રોકાણની સામે લોનની રકમમાં ૧૦ ટકા સબસિડી આપવામાં આવે છે.

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત એમએસએમઇને નેટ એસ.જી.એસ.ટી.નું રિએમ્બર્સમેન્ટ તાલુકા પ્રમાણે ૧૦૦ થી લઇને ૮૦ ટકા સુધી ૧૦ વર્ષ માટે મળે છે. એમ.એસ.એમ.ઈ. માટે ૭ વર્ષ સુધી તાલુકા પ્રમાણે રૂપિયા ૩પ લાખ સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી મળે છે અને દસ વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ મળે છે. આ સ્કીમ અંતર્ગત યુનિટ ધારકને ઇ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ પેટે ૧ર ટકા અથવા રૂપિયા ૧૮૦૦માંથી જે રકમ ઓછી હોય તે પાંચ વર્ષ માટે સબસિડી પેટે પરત આપવામાં આવશેઉ

ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯ માત્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે છે. એમાં એમએસએમઇને ઇન્ટરેસ્ટ રિએમ્બર્સમેન્ટ પેટે ૬ ટકા સબસિડી મળે છે. વિવિંગ યુનિટને એલટી કનેકશન હોય તો પર યુનિટ ત્રણ રૂપિયાની સબસિડી મળે છે. જ્યારે અન્ય કનેકશન પર બે રૂપિયાની સબસિડી મળે છે. ૧૦૦ કર્મચારીઓ ધરાવતા ઔદ્યોગિક એકમને ૪ ટકા, ૧૦૦ થી ર૦૦ કર્મચારીઓ હોય તો સાડા ચાર ટકા, ર૦૦ થી પ૦૦ કર્મચારીઓ હોય તો પ ટકા અને પ૦૦ થી વધુ કર્મચારીઓ હોય તો ૬ ટકા સબસિડી મળે છે.

આ પોલિસીમાં માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ અંતર્ગત ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ યોજાતા એકઝીબીશનમાં ભાગ લેતા હોય તો રૂપિયા પ૦ હજાર સુધીની સબસિડી મળે છે. દેશમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશન માટે રૂપિયા ૧ લાખ, આંતરરાષ્ટ્રિય કક્ષાના એકઝીબીશન માટે રૂપિયા ર લાખ અને વિદેશોમાં યોજાનારા એકઝીબીશન માટે રૂપિયા પ લાખ સુધીની સબસિડી મળે છે.

આ ઉપરાંત ડેવલપર્સને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે રૂપિયા ૩૦ કરોડ સુધીની સબસિડી આપવામાં આવે છે. જ્યારે લોજિસ્ટીકસ પોલિસી અંતર્ગત લોજિસ્ટીકસ પાર્ક માટે રૂપિયા ૧પ કરોડ સુધીની કેપિટલ સબસિડી આપવામાં આવે છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માન્યો હતો. વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ વિજય મેવાવાલા અને માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની ગર્વમેન્ટ સ્કીમ્સ કમિટીના ચેરમેન રાજીવ કપાસિયાવાલાએ સમગ્ર સત્રનું સંચાલન કર્યું હતું. જ્યારે કો–ચેરમેન મયુર ગોળવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. આ જાગૃતિ સત્રમાં વકતાએ વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓના સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ સત્રનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button