બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં આખા દિવસની છઠ્ઠી નેશનલ એચઆર કોન્કલેવ યોજાઇ

બહેતર ઉત્પાદન માટે એચઆરની ભૂમિકા મહત્વની બની રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૮ જાન્યુઆરી ર૦ર૩ ના રોજ સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ કલાક સુધી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે આખા દિવસની ‘છઠ્ઠી નેશનલ એચઆર કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત છઠ્ઠી વખત રાષ્ટ્રીય કક્ષાની એચઆર કોન્કલેવ યોજાઇ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એચ.આર. ડિરેકટર તેમજ લંકા આઈ.ઓ.સી., પી.એલ.સી.ના ચેરમેન રંજન કુમાર મોહાપાત્રા ઉપસ્થિત રહયાં હતાં. જ્યારે આઇઆઇએમ અમદાવાદના માર્કેટીંગ પ્રોફેસર અરવિંદ સહાય અને અપાર ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ એચઆર ગૃપ હેડ સંજય કુમારે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સમયસર કામ અને ડિલિવરી કરનાર કર્મચારીઓની કુશળતા તેઓને અન્યો કરતા આગળ વધારે છે. કોઈપણ બે કર્મચારીઓની આવડત સમાન હોતી નથી. ભલે તેમની શૈક્ષણિક લાયકાત સમાન હોય, આથી કર્મચારીઓ પાસેથી ઇચ્છિત કામ મેળવવું હંમેશા પડકારરૂપ હોય છે. ઘણી સંસ્થાઓ પાસે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર, યોગ્ય ઉત્પાદન અને માર્કેટ હોવા છતાં નિષ્ફળ જાય છે. યોગ્ય નેતૃત્વના અભાવે તેઓ ઇચ્છિત પરિણામો મેળવી શકતા નથી. ભારતે જ્યારે વર્ષ ર૦રપ સુધીમાં પ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે ઉદ્યોગ જગતમાં મેન્યુફેકચરીંગ કંપનીઓમાં કર્મચારીઓની વધુ સારી કાર્યક્ષમતા અને બહેતર ઉત્પાદન માટે એચઆરની ભૂમિકા મહત્વની બની રહેશે.

મુખ્ય મહેમાન તેમજ મુખ્ય વકતા રંજન કુમાર મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, એકટીવિટીઝમાં હાઇટેક થવાની જરૂર છે અને એચઆર એ ઘણું પ્રોડકટીવ વર્ક કરી શકે છે. તેમણે એમ્પથી, એન્ગેજમેન્ટ અને એમ્પાવર ઉપર ખાસ ભાર આપ્યો હતો. તેમણે કહયું હતું કે, કર્મચારીઓ પ્રત્યે એમ્પથી ખૂબ જ જરૂરી છે. કર્મચારીઓની સાથે સાથે કંપનીના સપ્લાયર્સ, વેન્ડર્સની સાથે એન્ગેજમેન્ટ પણ જરૂરી છે. કર્મચારીઓને કેવી રીતે એમ્પાવર કરાય છે? તે બાબત એચઆર માટે મહત્વની બની રહે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાઓમાં બધા કર્મચારીઓ માટે એક સરખી પોલિસી હોય છે, પરંતુ કેટલાક કર્મચારીઓના બિહેવીયરને ધ્યાનમાં રાખીને પર્સનલ પોલિસી બનાવવી પડે છે અને એને અમલમાં પણ મુકવી પડે છે. સામાન્યપણે કર્મચારીઓને ત્રણ વર્ષે પ્રમોશન આપવાનું હોય છે, પરંતુ કેટલાક કર્મચારીઓની કૂશળતાને ધ્યાને લઇ તેઓને એક વર્ષમાં પણ પ્રમોશન આપી શકાય છે.

વકતા પ્રોફેસર અરવિંદ સહાયે જણાવ્યું હતું કે, કંપનીઓમાં પ્રોડકટીવિટી લેવલ કઈ રીતે વધી શકે તે દિશામાં એચઆરની ભૂમિકા મહત્વની હોય છે. કંપનીના ગ્રોથ માટે કર્મચારીઓ ઉપરાંત અન્ય લોકો સાથે વધુમાં વધુ એન્ગેજમેન્ટ માટે એચઆર એ સેતુ બની શકે છે. કંઇક નવું અને અલગ જોઇતું હોય ત્યારે સતત ધ્યાન રાખવું પડે છે. લીડર્સ પર્ફોમન્સ કરે એટલે કર્મચારીઓનું પર્ફોમન્સ પણ વધી જાય છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે એચઆર પ્રોસેસ એન્ડ એન્ગેજમેન્ટ મોડસ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

વકતા સંજય કુમારે જણાવ્યું હતું કે, હાલમાં દરેક ક્ષેત્રે બદલાવમાં પણ ખૂબ જ ઝડપી રીતે બદલાવ આવી રહયો છે. ટેકનોલોજી જેટલી વધારે અપનાવાશે એટલી એચઆરની જરૂરિયાત વધશે. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ માટે માનવીની જરૂર પડવાની છે. એચઆર દ્વારા કંપનીઓમાં યોગ્ય વ્યકિતને પ્રમોટ કરવામાં આવે છે. કંપની તથા સંસ્થામાં જો એચઆર યુનિયન લીડરની ભૂમિકામાં આવી જશે તો યુનિયનબાજી કયારેય થશે નહીં. એચઆર પ્રોફેશનલ્સને પણ ટેકનોલોજીને સમજીને નજીકથી કામ કરવું પડે છે. મશીન લર્નીગ, પ્રોડકટીવિટી ઓફ એફીશિયન્સી, ઇન્ડસ્ટ્રી ૪.૦ અને ડિજીટલાઇઝેશનને કારણે કંપનીઓ આગળ આવી શકે છે. પરંતુ હાઇટેક અને હાઇટચ વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે એેકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને પોઝીટીવ બદલાવ લાવી શકે છે. એચઆર પ્રોફેશનલ્સ, ઉદ્યોગ સાહસિકો અને સેલ્સ મેનેજર બધાએ સાથે મળીને ઇન્ડસ્ટ્રીને ગ્રો કરી શકે છે.

કોન્કલેવ દરમ્યાન Big Shifts in the world of work: Getting Ready for the Hyper-Personalized Digital Transformation અને Recreating the Employee experience with the balanced blend of high tech and high touch સંદર્ભે પેનલ ડિસ્કશન યોજાઇ હતી. પેનલિસ્ટ તરીકે એલ એન્ડ ટી ડિફેન્સના વાઇસ પ્રેસિડેન્ટ તેમજ ગન્સ એન્ડ આર્મ્ડ બિઝનેસના હેડ સંજીવ મુળગાંવકરે જણાવ્યું હતું કે, એમએસએમઇમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રોડકટીવિટીમાં કોઇ સુધારો થતો હોય તો ટેકનોલોજી અપનાવવી જોઇએ પણ એનું આંધળું અનુકરણ નહીં થવું જોઇએ. પર્સનલ ટચ એટલે કે કર્મચારીઓના સ્ટ્રેન્થ ઉપર વધારે કામ કરવું જોઇએ. સંસ્થા સાંભળે છે અને ગ્રોથ આપે છે તો કર્મચારી ટકીને કામ કરી શકશે.

પી. પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણીએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીને હાઇટેક અને હાઇટચ વચ્ચે બેલેન્સ કરવાનું શીખવવું પડશે. સ્કૂલ–કોલેજમાં તેઓને નોલેજ તો મળી જશે પણ સમાજ માટે સારા માનવી બનાવવા તેઓને સંસ્કારો અને વેલ્યુ બેઇઝ સ્કીલ આપવી પડશે. હોવ એન્જિનીયરીંગના પ્રોજેકટ્‌સના એચઆર હેડ જિતેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કે, કંપનીઓમાં અનુભવી કર્મચારીઓને પહેલી પસંદગી આપવામાં આવે છે પરંતુ એચઆર દ્વારા ફ્રેશર્સને પણ તક આપવી જોઇએ.

સહજાનંદ ગૃપના મેનેજિંગ ડિરેકટર ભાર્ગવ કોટડિયાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં વ્યકિત એક જ કંપનીમાં આજિવન કામ કરતો હતો. ત્યારબાદ બે – પાંચ કંપનીમાં વ્યકિત પોતાની કારકિર્દી બનાવતો હતો, પરંતુ હવે લોકો જુદા–જુદા બેથી ત્રણ સેકટરમાં કારકિર્દી બનાવતા થઇ ગયા છે. આ ઉપરાંત એપસ્ટોનલેબ ટેકનોલોજીસ એલએલપીના એચઆર મેનેજર નમ્રતા મિશ્રાએ જણાવ્યું હતું કે, કંપનીઓમાં મેન્યુઅલ પ્રોબ્લેમ હોય કે ડિજીટલ પ્રોબ્લેમ હોય તેનું નિરાકરણ શોધવાનું આવશ્યક હોય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા કોન્કલેવમાં હાજર રહયાં હતાં. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ગૃપ ચેરમેન દીપક શેઠવાલાએ વકતાઓનો પરિચય આપ્યો હતો. એચઆર એન્ડ ટ્રેઇનીંગ કમિટીના ચેરમેન ડો. નિરવ મંડિરે કોન્કલેવની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન સંજય ગજીવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના સભ્યો વિશાલ શાહ અને નિશા આનંદે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

પેનલ ડિસ્કશનમાં સિનિયર ટ્રેઇનર એન્ડ ગ્રોથ સ્ટ્રેટેજીસ્ટ મૃણાલ શુકલએ મોડરેટર તરીકેની ભૂમિકા અદા કરી હતી. જ્યારે ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેઇનીંગ કમિટીના કો–ચેરમેન ચિરાગ દેસાઇએ સર્વેનો આભાર માન્યો હતો. વકતાઓ તથા પેનલિસ્ટોએ શ્રોતાઓના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.

આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેઇનીંગ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોન્કલેવના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ., પી. પી. સવાણી યુનિવર્સિટી, લાર્સન એન્ડ ટુબ્રો અને સહજાનંદ ટેકનોલોજીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button