સુરતમાં નિશીથ ગ્રંથનું વિમોચન થશે, પાંચ દિવસનો ખાસ કાર્યક્રમ યોજાશે

પાલ સ્થિત આ.શ્રી. ઓમકારસૂરિજી આરાધના ભવન ખાતે પૂ. જૈનાચાર્ય વૈરાગ્યવારિધિ કુલચન્દ્રસૂરિજી મહારાજ, આ. પદ્મદર્શનસૂરિજી મ. અને આ. રશ્મિરાજસૂરિજી મ.ની પાવન નિશ્રામાં જ્ઞાન, તપ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. જેમાં સુરતની આમ જનતા પવિત્ર બની રહી છે. જૈનાચાર્ય વૈરાગ્યવારિધિ આ. કુલચન્દ્રસૂરિજી મહારાજ સાક્ષાત શ્રુતતીર્થ છે. જૈનધર્મમાં શ્રુતવૈભવની વિરાસત ટકાવવા અત્યાર સુધી ઘણા જૈનાચાર્યોએ અથાક પ્રયત્નો કર્યા છે. જેમાં પ્રેમ-ભુવનભાનુસૂરિ મહારાજના સમુદાયમાં 95 વર્ષના વયોવૃદ્ધ સત્ત્વમૂર્તિ આ. કુલચન્દ્રસૂરિજીની શ્રુતસર્જનની શક્તિ કાબીલેદાદ છે. એમની શ્રુતભક્તિની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
પૂ.આ. શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતુ કે પિંડવાડા ના પનોતા પુત્ર આ. કુલચંદ્રસુરિજી મહારાજે વિ.સં. 2023ના ચૈત્ર વદ બીજ તા. 26-04-1967ના દિવસે 35 વર્ષની યુવાવયે ગર્ભવતી પત્ની અને બે પુત્ર તેમજ કરોડોની સંપત્તિનો ત્યાગ કરીને હજારોની માનવમેદની વચ્ચે પિંડવાડા (રાજસ્થાન)માં દીક્ષા લીધી હતી. બ્રાન્ડેડ કપડા, ઘડિયાળ અને અન્ય ચીજવસ્તુઓના શોખીન કાંતિલાલ હવે માત્ર શ્વેત વસ્ત્રોમાં સાદું જીવન જીવી રહ્યા છે. 84 વર્ષની ઢળતી ઉંમરે એમના ગુરુદેવ સિદ્ધાન્તમહોદધિ પૂ. આ. પ્રેમસૂરિજી મહારાજે કહ્યું હતું કે મારી હયાતીબાદ તારે મુનિ જયઘોષ વિ. સાથે રહેવું અને જૈન ધર્મના 45 આગમ-ન્યાય- છેદસૂત્ર આદિ વિશાળ સાહિત્યનો અભ્યાસ કરવો. દીક્ષા બાદ નિત્ય પૂજ્યશ્રી 8 થી 10 કલાક શાસ્ત્રાભ્યાસ અપ્રમત્તપણે કરે છે.

પૂજ્યશ્રીનું સંયમ, સેવા, સ્વાધ્યાય, સમર્પણ અને પ્રભુભક્તિમય જીવન બન્યું. 90 જેટલાં ગ્રંથો પર સંશોધન અને સંપાદન પૂજ્યશ્રીએ કર્યું છે.આગમિક ગ્રંથોના રહસ્યો દીર્ધકાળ સુધી પહોંચાડવાના ભાવ સાથે સર્વ પ્રથમ આચારાંગસૂત્ર પર વિવેચન લખ્યું હતું. 88 વર્ષની વયે 24451 શ્લોક પ્રમાણ પંચ કલ્પ ભાષ્યનું વિવેચન લખ્યું. 90 વર્ષની વયે તપાગચ્છના 2400 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 45 આગમોના છ છેદસૂત્રોમાં ગણાતાં એક દશાશ્રુત સ્કંધ પર 12840 શ્લોક પ્રમાણ જયઘોષા ટીકા ગ્રંથની રચના કરી અને 93 વર્ષની વયે એક તાજગી અને પ્રસન્નતા સાથે છેદ સૂત્રના નિશીથ ગ્રંથ ઉપર વિવેચન લખ્યું છે.
નિશીથ ગ્રંથમાં સંયમ જીવનમાં લાગેલા પાપોનો નાશ કરવાના ઉપાય છે. શ્રમણ જીવનમાં પણ ભૂલ થવાની શક્યતા છે. ભૂલોના નિવારણ માટે આ પ્રાયશ્ચિત ગ્રંથ છે. શ્રમણ ભગવાન મહાવીર પછી 2400 વર્ષ પછી આ ઐતિહાસિક kઘટના સુરતના પાલ ખાતે નિશીથગ્રંથનું વિમોચન થઇ રહ્યું છે. 6703 શ્લોક ઉપર 1,08,000 શ્લોક પ્રમાણ વિવેચન પૂજ્યશ્રીએ કર્યું છે. આ ગ્રંથ માટે 4000 પેજનું લખાણ પૂજ્યશ્રી દ્વારા થયું છે. વિ.સં. 2075 પાલીતાણા તીર્થના મેવાડ ભવનમાં આ ગ્રંથના સર્જનનો પ્રારંભ થયો હતો. સાડાચાર વર્ષના પરિશ્રમ બાદ આ ગ્રંથની પૂર્ણાહુતિ થઇ હતી.
આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરતના પાલ ખાતે તા. 28 જાન્યુ. થી 1 ફેબ્રુ.સુધી પાંચ દિવસનો વિશિષ્ટ કાર્યક્રમ શરુ થશે. આ પાવન પ્રસંગે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભાવુકો ઉપસ્થિત રહેશે. પંચધા ભક્તિ, 500 આચાર્યોની પૂજા, 45 આગમની પૂજા, ભવ્ય શોભાયાત્રા અને ગ્રંથ વિમોચનના કાર્યો થશે.
જૈનાચાર્ય પૂ. કુલચન્દ્રસૂરિજી મહારાજ છેલ્લા 15 વર્ષથી સુરતની ધન્યધરાને પાવન કરી રહ્યા છે. જીવદયા, અનુકંપા અને સીદાતા સાધર્મિકોને સહાય જેવા અઢળક કાર્યો જેઓ શ્રાવકો દ્વારા કરાવી રહ્યા છે. ગમે તેવી સમસ્યાઓ લઇને જૈનો પૂજ્યશ્રી પાસે આવતા હોય છે ત્યારે દરેકને શાતા,શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થાય એવા ઉકેલ પૂજ્યશ્રી શાસ્ત્રપદ્ધતિથી આપતા હોય છે. નિત્ય 3 થી 4 કલાક લેખનકાર્ય, શ્રમણોને અધ્યયન અને 2થી 3 કલાક પ્રભુભક્તિમાં પૂજ્યશ્રી લીન થાય છે.
18000 વારના જ્ઞાન સંકુલમાં પ્રવચન હોલ 18000 સ્ક્વેર ફુટ, આર્ટગેલેરી 18000 ફુટ, ભોજનમંડપ 18000 ફુટ, થર્મોકોલનું શંખેશ્વરના પાર્શ્વનાથનું મંદિર 10 હજાર સ્ક્વેર ફુટ, થ્રીડી મેપીંગ શો માટે 25000 સ્ક્વેર ફુટ, સ્ત્રી સશક્તિકરણ, મેડિકલ કેમ્પ, બાળકો માટે ગેમ ઝોન, બાળકો માટે ટેલેન્ટ શો, એલ.ઇ.ડી.માં અષ્ટાપદની ભાવયાત્રા, યુવાનો માટે મેશપભક્તિ, નાના બાળકોનાં વિવિધ કાર્યક્રમો અને 12 ગજરાજ સાથેની ભવ્ય શોભાયાત્રા વગેરે કાર્યક્રમોમાં પાંચ દિવસ દરમ્યાન 50 હજારથી વધુ લોકો જોડાશે.



