વડોદરા મંડળના કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ. મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશનોનો થશે પુન: વિકાસ
વડાપ્રધાન સોમવારે શિલાન્યાસ કરશે, 50 આરયુબી, આરઓબીનો પણ થશે શિલાન્યાસ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 16 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમ જ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે. આ યોજનના પ્રથમ તબક્કામાં માનનીય વડાપ્રધાને 6 ઓગસ્ટ 2923ના મંડળના 7 સ્ટેશનોની આધારશિલા મૂકી હતી જેના પર ઝડપથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બીજા તબક્કામાં તા. 26 ફેબ્રુઆરી, 2024 (સોમવાર)ના રોજ માનનીય વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે મંડળના આઠ સ્ટેશનો – કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદં તેમ જ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે.
ઉલ્લેખનીય છે કે વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે લગભગ 155 કરોડ રૂપિયા અને આરઓબી-આરયુબીના નિર્માણ માટે લગભગ 618 કરોડ રૂપિયા સહિત કુલ 773 કરોડ રૂપિયાથી પણ વધારેના કાર્યો કરવામાં આવશે. ભારતીય રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે કટિબદ્ધ છે, જેથી નાગરિકો તથા રેલયાત્રીઓને વધારે સારી આધુનિક સુવિધાઓ મળી શકશે. એથી સ્થાનિક ગામડા અને શહેરોનો પણ વિકાસ થઇ શકશે અને યાત્રીઓની રેલયાત્રા આરામદાયક થઇ શકશે. આ સ્ટેશનોના વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવાની યોજના પણ છે જેથી તેનો ઝડપથી લાભ મળી શકે.
પુનર્વિકાસ માટે પસંદ થયેલા સ્ટેશનોની વિગતવાર જાણકારી નીચે મુજબ છે
ઉત્રાણ, સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વર રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ, વોટર બૂથ, ટોઇલેટમાં સુધાર થશે. પ્લેટફોર્મ પર બાંકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે ઉત્રાણ સ્ટેશન પર સબ-વે બનશે. સાયણ, કિમ, અંકલેશ્વર અને મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનો પર 12 મીટર પહોળો ફુટ ઓવર બ્રિજ બનશે. સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વરમાં સરફેસને વધારે સારી બનાવાશે. ગોધરા અને અંક્લેશ્વરમાં લિફ્ટ મૂકવામાં આવશે.
ઉપરોક્ત તમામ પુનર્વિકાસના કાર્યો માટે ઉત્રાણ માટે 7.89 કરોડ, સાયણ માટે 31.54 કરોડ, કિમ અને કોસંબા દરેક માટે 26.60 કરોડ, અંકલેશ્વર માટે 39.80 કરોડ, ગોધરા માટે 6.18 કરોડ, કરમસદ માટે 7.13 કરોડ રૂપિયા અને મહેમદાવાદ ખેડા રોડ માટે 28.36 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.