સુરત: પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી દરેકને પોતાના ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અવારનવાર કહેતા હોય છે કે “ઘર એ માત્ર ચાર દીવાલો અને પાકી છતવાળું મકાન નથી પણ શ્રદ્ધાનું એવું આગવું સ્થળ છે જ્યાં અદના માનવી અને તેના પરિવારના સપનાઓ આકાર લેતા હોય છે.”
પી.એમ.આવાસ યોજના દેશના સામાન્ય માનવીના સપનાને આકાર આપતી યોજના સાબિત થઈ છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા હિતેશભાઈ રાઠોડ જેમની પત્ની મોક્ષાબેન રાઠોડના નામે આવસનું ફોર્મ ભર્યું હતું અને તેમનું આવાસમાં પોતાનું ઘર મેળવ્યું છે. તેમનો પરિવાર પોતાનું ઘર મેળવીને આનંદવિભોર થયો છે.
લાભાર્થી હિતેશભાઈ રાઠોડ જણાવે છે કે, હું બૅન્કમાં પ્યુન તરીકે નોકરી કરૂ છું. હું, મારી પત્ની અને ૪ વર્ષની દીકરી એમ મારા પરિવારમાં ૩ સભ્ય છીએ. પત્ની વ્યવસાયે બ્યુટી પાર્લરનું કામ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે મારી પત્નીના નામે ફોર્મ ભર્યું હતું, જેમાં પાલ પાસે બનેલા સુમન મુદ્રા આવાસમાં મને મકાન મળ્યું છે. પોતાનું ઘર ખરીદવાની મારી પરિસ્થિતિ ન હતી.
અમે સપનામાં પણ વિચાર્યું ન હતું કે સુરત જેવા મેગા સિટીમાં પોતીકું ઘર બનશે, પરંતુ સરકારની સહાય થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે તે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું એમ તેમણે ઉમેર્યું હતું.