
સુરતઃ પશ્ચિમ રેલ્વે વિભાગ અંતર્ગત રૂ.૪૬૭.૫૮ કરોડના ખર્ચે સુરત જિલ્લાના કોસંબાથી ઉમરપાડા રેલ્વે લાઈનને નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ એન.વસાવાએ કોસંબા રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, કોસંબા એપીએમસીના ચેરમેન દિલીપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વિગતો આપતા સાંસદએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વર્ષો જૂના પડતર પ્રશ્નોનુ ઝડપી નિરાકરણ આવે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. પી.એમ.ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ રેલ્વે વિભાગના કોસંબાથી ઉમરપાડા વચ્ચેની ૬૯ કિ.મી.લંબાઈની રેલ્વે લાઈનને નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રૂ. ૪૬૭.૫૮ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. ગેજ રૂપાંતરનો આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ થશે. ઉમરપાડાથી નંદુરબાર સુધી રેલવે લાઈન લઈ જવા માટે સર્વેનુ કાર્યની વિગતો તેમણે આપી હતી.
રેલ્વે એ દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. રેલવેના કારણે સામાજિક સંબંધો મજબૂત બને છે. દેશની સંસ્કૃતિનું આદાન-પ્રદાન થાય છે. આ લાઇનનું વિદ્યુતીકરણ થવાથી પર્યાવરણ જળવાશે અને પ્રદુષણ અટકવાની સાથે સ્થાનિક વિસ્તારના લોકોના સમયનો બચત થવાની સાથે અવરજવરમાં સરળતા રહેશે અને વધુ સારી રેલ કનેક્ટિવિટી ઉભી થશે.
વધુમાં વસાવાએ જણાવ્યું કે, આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રાહતદરે રેલ્વેની સુવિધાનો લાભ મેળવી શકશે. સ્થાનિક ખેડુતોને પોતાની ઉપજ માર્કેટ સુધી પહોંચાડવામાં સરળતા થવાની સાથે કુદરતી પર્યાવરણને કારણે પ્રવાસનને વધુ વેગ મળશે.
આ રેલ્વે પ્રોજેક્ટ મંજુર કરવા બદલ નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રેલ્વે વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ પ્રત્યે આભારની લાગણી સાંસદ પ્રભુભાઈ વસાવાએ વ્યક્ત કરી હતી.