સુરત. દક્ષિણ ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા નવા ટ્રેન્ડ વિષે માહિતગાર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ટેકસટાઇલ વીક’૮માં એડીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ગતરોજ સમાપન થયું હતું.
ટેકસટાઇલ વીક અંતર્ગત બુધવાર, તા. ર૮ ડિસેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે યોજાયેલા સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ધી સિન્થેટિક એન્ડ રેયોન ટેકસટાઇલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન ધીરજ શાહ અને અતિથિ વિશેષ તરીકે સિદ્ધી વિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રા.લિ.ના ડિરેકટર રાકેશ સરાવગી ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં મધુસુદન નીટ્સના ડિરેકટર સુદર્શન મુંદડા ‘વોર્પ નિટિંગના ટ્રેન્ડ્સ’વિષે માહિતી આપી હતી. રાઠી ટેકસફેબ પ્રા.લિ.ના ડિરેકટર અશોક રાઠીએ ઉદ્યોગકારોને ‘ફયૂચર ઓફ કિડ્સ ગારમેન્ટ્સ’વિષે સમજણ આપી હતી. જ્યારે ખજાના ગૃપના ડિરેકટર વિષ્ણુ અગ્રવાલ ‘સકર્યુલર નિટિંગના ટ્રેન્ડ્સ’વિષે ટેકસટાઇલ ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, એન્વાયરમેન્ટ સોશિયલ ગર્વનન્સને કારણે બિઝનેસમાં બેથી પાંચ ગણી વેલ્યુ વધી જાય છે. આવનારો સમય ગારમેન્ટીંગ અને એકસપોર્ટનો છે, આથી સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોએ ફોરવર્ડ ઇન્ટીગ્રેશનમાં જઇ એકસપોર્ટ ઉપર ફોકસ કરવો પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ૧૧ થી ૧૪ જાન્યુઆરી ર૦ર૩ દરમ્યાન બાંગ્લાદેશ ખાતે ‘ઇન્ડિયા ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશન યોજાઇ રહયું છે. જેમાં પાર્ટીસિપેટ કરનારા સુરતના ઉદ્યોગકારો પોતાના ફેબ્રિકસનું પ્રદર્શન કરશે, જેથી તેઓને બાંગ્લાદેશનું સીધું માર્કેટ મળી રહેશે. સુરત અને બાંગ્લાદેશ વચ્ચે સેતુ બંધાય અને તેના થકી સુરતનો બિઝનેસ વધે અને એકસપોર્ટ વધે તે માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરાઇ રહયો છે.
જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ વીકના આઠમા એડીશનનું સમાપન થઇ રહયું છે ત્યારે દર વર્ષે ઉદ્યોગકારો ટેકસટાઇલ વીકની રાહ જોતા હોય છે. કારણ કે, ટેકસટાઇલ વીકમાં વર્તમાન તથા ખાસ કરીને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા – નવા વિષયોને આવરી લઇને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવે છે. તેમણે કહયું હતું કે, સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં યુ ટર્ન આવી રહયો છે. સુરતમાં દરરોજ ૪ કરોડ મીટર ફેબ્રિકસ બને છે. જેમાંથી ૭પ ટકા ફેબ્રિકસ ગારમેન્ટ બનાવવા માટે તથા અન્ય રપ ટકા ફેબ્રિકસ સાડી, ડ્રેસ મટિરિયલ્સ તથા અન્ય પ્રોડકટ માટે વપરાય છે.
હાલ સુરતમાં ગારમેન્ટની રપ૦૦૦ જેટલી મશીનો છે, જે આગામી ત્રણ વર્ષમાં ૧૧ લાખ થવાની છે. હવે સુરતના ઉદ્યોગકારો વોટરજેટ, એરજેટ અને રેપિયર મશીનરી જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. જેને કારણે વિશ્વની ટોપ બ્રાન્ડ સુરતના ફેબ્રિકસનો ઉપયોગ કરે છે. સુરતમાં વોર્પ નિટીંગ અને સકર્યુલર નિટીંગ ઇન્ડસ્ટ્રીમાં હોમ ફર્નીશિંગ, નાયલોન, દુપટ્ટા, હેવી ગારમેન્ટ, ડેનિમ, ઓટોમોટીવ ફેબ્રિકસ, સ્પોર્ટ્સ ફેબ્રિકસ અને સ્ટ્રેચેબલ ફેબ્રિકસ વિગેરે બધા જ પ્રકારના ફેબ્રિકસ બને છે ત્યારે સુરતમાં ગારમેન્ટીંગમાં કન્વર્ટ થવાનું પોટેન્શીયલ છે. વિવિંગ પછી હવે સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો જ સ્કોપ છે, આથી સુરતના ઉદ્યોગકારોએ પ૦ ટકા જેટલું રોકાણ ગારમેન્ટીંગ માટે કરવું જોઈએ.
એસ.આર.ટી.ઇ.પી.સી.ના ચેરમેન ધીરજ શાહે જણાવ્યું હતું કે, ટેકસટાઇલમાં ભવિષ્ય મેન મેઇડ ફેબ્રિકસનું છે. ભારતમાં વપરાતા કુલ એમએમએફમાંથી ૬૦ ટકા એમએમએફ સુરતમાં બને છે. સુરતથી જ બ્રાન્ડેડ કંપનીઓને કપડું જાય છે. સુરતનું એકસપોઝર ઘણું વધારે છે, આથી સુરતે હવે બ્રાન્ડ બનાવવા માટે પ્રયાસ કરવો પડશે અને એના માટે પ્લાનિંગ કરવું પડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટેકિનકલ લોકોનું ઘણું મહત્વ છે. સુરતમાં ઘણા મોટા યુનિટ પણ છે, આથી પ્રોફેશનલ લોકોને હાયર કરીને તેઓના જ્ઞાનનો લાભ લેવો જોઇએ. આ દિશામાં સુરતની ઇન્ડસ્ટ્રીએ વિચારવું પડશે. તેમણે કહયું કે, હવે સુરતના ઉદ્યોગકારો વિદેશોમાં જઇને પણ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરે છે. સુરતથી એકસપોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોએ હવે પ્રયાસ કરવો પડશે.
રાકેશ સરાવગીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીએ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવું પડશે અને આઇએસઓ સર્ટિફિકેશન વિગેરે તરફ ફોકસ કરવું પડશે. કોર્પોરેટ પણ હવે કપડું ખરીદવા માટે સુરત આવી રહયા છે ત્યારે સુરત આખા વિશ્વ માટે મોટું માર્કેટ છે.
વકતા સુદર્શન મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં વોર્પ નિટીંગ અને સકર્યુલર નિટીંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ ગઇ છે. સુરતમાં ત્રણ પ્રકારની નિટીંગ થાય છે. જેમાં ટ્રાયકોટ, રાશલ અને વેફટ ઇન્સર્શનનો સમાવેશ થાય છે. નિટીંગને કારણે ફેબ્રિકસમાં સ્ટ્રેન્થનેસ આવે છે. એની પ્રોડકટીવિટી ઘણી સારી છે. વર્તમાન સિનારીયો વિષે જણાવતા તેમણે કહયું હતું કે, સુરતના ફેબ્રિકસનો ફેશન એપરલમાં પ૦ ટકા, સ્પોર્ટ્સ ફેબ્રિકસમાં ૧૦ ટકા, ઓટોમોટીવ ફેબ્રિકસમાં પ ટકા, હોમ ટેકસટાઇલ, ટેકિનકલ ટેકસટાઇલ અને અન્ય ફેબ્રિકસમાં ઉપયોગ થાય છે. વોર્ટ નિટીંગમાં સરળતાથી ડિઝાઇનીંગ થઇ રહયું છે. વર્ષ ર૦રપ સુધીમાં વોર્પ નિટીંગનું માર્કેટ એ ૩પ યુએસ ડોલર થવા જઇ રહયું છે.
વકતા અશોક રાઠીએ જણાવ્યું હતું કે, કપડાં હવે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયા છે. ખાસ કરીને કીડ્ઝ ગારમેન્ટમાં નેચરલ ફાયબરનો ઉપયોગ થાય છે. હવે મેન મેઇડ ફાયબરનો પણ ઉપયોગ થઇ રહયો છે. ૧ થી ૧૪ વર્ષ સુધીના બાળકોના સિઝન વાઇઝ તથા ઇવેન્ટ વાઇઝ કપડા બને છે. એમાં ગારમેન્ટ, મેથડ ઓફ એપ્લીકેશન, સોર્સ, જેન્ડર, શેપ એન્ડ સ્ટાઇલીંગને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતમાં હવે દર ચોથું બાળક બ્રાન્ડેડ કપડાં પહેરે છે. આથી કીડ્ઝ વેરમાં ઘણી મોટી તકો છે. આ બિઝનેસ ઓનલાઇન કરતા ઓફલાઇન વધારે ચાલે છે. કારણ કે, વાલીઓ સ્થળ પર જ બાળકોને લઇને તેઓના કપડા પસંદ કરે છે. અત્યારે કીડ્ઝ વેરમાં ર૦ કરોડ સુધીની માર્કેટ છે, જે આગામી પાંચ વર્ષમાં રપ કરોડ સુધી જવાની સંભાવના છે.
વકતા વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતમાં વર્ષ ર૦૦૦ માં સકર્યુલર નિટીંગમાં માત્ર ૧પ પ્લેયર હતા. તે સમયે નિટીંગનું કપડું સાડીના કપડા તરીકે ઓળખાયું હતું. ત્યારબાદ ર૦૦ જેટલા ઉદ્યોગકારોએ સકર્યુલર નિટીંગની મશીનો લગાવી હતી. દસ વર્ષ પહેલાં ચાઇનાથી કપડું આયાત થતું હતું, પરંતુ હવે સુરતમાં જ બનવા લાગ્યું છે. સુરતમાં ટોટલ કન્ઝમ્પ્શન થાય છે. નેપાલ અને બાંગ્લાદેશ એ ચાઇના પર ડિપેન્ડ હતા પણ હવે તેઓ સુરત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે. સુરતમાં વર્કીંગ પ્રોસેસ ઘણી ફાસ્ટ છે, આથી સુરત એ વર્ષ ર૦ર૪ સુધીમાં ભારતનું ગારમેન્ટીંગ હબ બનવા જઇ રહયું છે.
ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખો ભરત ગાંધી, મહેન્દ્ર કાજીવાલા અને પ્રફુલ શાહ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન વિજય મેવાવાલાએ સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.