9 વર્ષની દેવાંશીનું સંયમ માર્ગે પ્રયાણ : દેવાંશીને પૂજ્ય સાધ્વીજી શ્રી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. નુતન નામ મળ્યું
દીક્ષા મહોત્સવ નિહાળવા 30 હજારથી વધુ ધર્મપ્રેમીઓ ઉમટી પડ્યા
સુરત, 16 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ દેવાંશીની દીક્ષાનાં સાક્ષી બનવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી દીક્ષા નગરીમાં પોતાનું સ્થાન લઈ રહ્યા હતા. 30 હજાર થી વધુ ધર્મપ્રેમીઓના દીક્ષાર્થીના જયકાર વચ્ચે 9 વર્ષની દેવાંશીએ સૂરિરામ-ગુણ કૃપાપ્રાપ્ત પ્રવચનપ્રભાવક જૈનાચાર્ય પ.પૂજ્યશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના હાથે રજોહરણ સ્વીકારી સંયમ જીવનમાં ડગ માંડ્યા હતા. ચિક્કાર દીક્ષા મંડપ દેવાંશીના જયજય કારથી ગુંજી ઉઠ્યો હતો.
ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરૂમલજી પરિવારની દીકરી દેવાંશી દીક્ષા દાનમ્ મહા મહોત્સવના અંતિમ દીક્ષાદિને બુધવારે વહેલી સવારથી જ વેસુ બલર ફાર્મ ખાતે બનાવાયેલી દીક્ષા નગરીમાં લોકોનું આગમન શરૂ થઈ ગયું હતું. પ્રવચન પ્રભાવક પ. પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હિતપ્રજ્ઞસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય નિર્મલદર્શનસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હ્રિન્કારપ્રભસૂરીશ્વરજી મહારાજા અને વિશાળ શ્રમણ શ્રમણી ભગવંતોનો 6.42 વાગ્યે ભવ્ય પ્રવેશ થયો હતો.
બાદમાં તરત જ દીક્ષાર્થી દેવાંશીનો પણ અતિભવ્ય પ્રવેશ થયો હતો. આજના દિવસે દેશભરના શ્રીસંઘો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા વિધિમાં ગુરુદેવના માંગલિક બાદ બાળ વીરાંગના દેવાંશીને વિજય તિલક કરવામાં આવ્યુ હતુ. એ પછી ગુરૂપૂજન, પ્રભૂપુજન, માતા પિતાના વધામણા, ગુરૂ પ્રવચન અને આવી રજોહરણની પળ.. બરાબર 10.12 વાગ્યે ગુરુદેવે દેવાંશીના હાથમાં ઓઘો મૂક્યો અને જાણે સમગ્ર સૃષ્ટિનું સુખ હાથમાં આવી ગયુ હોય એવા ભાવ સાથે દેવાંશી નાચવા લાગી હતી અને મંડપમાં દીક્ષાર્થીનો જયઘોષ થઈ રહ્યો હતો. ત્યારબાદ દીક્ષાર્થી દેવાંશી જ્યારે મુંડન અને વેશ પરિવર્તન સાથે દીક્ષા મંડપમાં પ્રવેશી ત્યારે પણ નુતન દીક્ષાર્થીનાં જયકાર સાથે બલર ફાર્મ સાથે સમગ્ર વેસુનું વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. દેવાંશીને સંયમ જીવનનું પૂજ્ય સાધ્વીજી શ્રી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નામ આપવામાં આવતા ફરી એકવાર નૂતન દીક્ષિત અમર રહો નો ગગનભેદી નાદ ગાજી રહ્યો હતો. પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થાના પ્રથમવાર ની વ્યવસ્થાથી દરેક લોકો સારી રીતે દીક્ષા જોઈ શક્યા હતા. અને રજોહરણ સુધી 30 હજારમાંથી એકપણ વ્યક્તિ સ્થાન પરથી ઉભા થયા ન હતા. વિશ્વહિતચિન્તક પ.પૂજ્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ આજે હ્રદયસ્પર્શી હિતશિક્ષા ફરમાવી હતી. આજના સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અભયભાઇ ચોકસી, વિશાલભાઇ પંડિત, રવીન્દ્રભાઇ સીએ અને ભવ્ય ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ ભાઇએ હ્દયસ્પર્શી સુંદર સંવેદનાઓ રજૂ કરી હતી. જ્યારે સુરીલુ સંગીત સંકેત ભાઇ, પાર્થ દોશી, ધવલ કાઠવાડીયા, નિશાંત ઉપાધ્યાય સહિત 10 કલાકારોએ પીરસ્યું હતું. આજે માત્ર 10 વરસના મુમ્બઇનાં અક્ષતે આખી બાળદીક્ષિતોની પરંપરા મોઢે બોલીને સભાને મંત્રમુગ્ધ કરી ડોલાવ્યા હતા. અક્ષતે દીક્ષા યુગપ્રવર્તક વિશ્વવિભૂતિ જૈનાચાર્ય પ.પૂજ્ય આચાર્યદેવેશ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ૩૦ – ૩૦ બાળદિક્ષિતો અને આચાર્યોની નામાવલિ સડસડાટ બોલી હતી. આ પ્રસંગે જે ભુમિ પર ત્રણ વર્ષમાં 176 જેટલી દીક્ષા થઇ છે એ બલર ફાર્મના શ્રીમનુભાઈ બલરનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તો મુખ્યમંત્રીશ્રીએ દીક્ષાર્થી માટે પાઠવેલા સંદેશનું વાંચન પણ કરવામાં આવ્યુ હતું. દીક્ષા મહાઉત્સવ સંપન્ન થયા બાદ દરેકના ભાવ હતા કે, દીક્ષા યુગપ્રવર્તક, બાળ દીક્ષા સંરક્ષક પણ.પૂ જૈનાચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ આઠ દાયકા સુધી દીક્ષા માર્ગ રક્ષા ની કરેલી મહેનત જાણે સફળ થઈ રહી છે.આજે નજીક ના દિવસોમાં જેમની દીક્ષા થનાર છે તેવા ૩ બાળ મુમુક્ષુઓ પણ દીક્ષા નિહાળવા પધાર્યાં હતાં. આમ આજે ફરી એકવાર દીક્ષાનગરી સુરતમાં દીક્ષાધર્મનો અદકેરો ઇતિહાસ અને બાળદીક્ષાનો જયનાદ..એક દીક્ષામાં અનેક દીક્ષા જેવો માહોલનું આલેખન જાણે ખુદ ઈતિહાસે પ્રેક્ષક બનીને કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું અદ્ભુત મેનેજમેન્ટ પણ ઉડીને આંખે વળગે એવુ હતું.
હ્રદયના ભાવ સાથે વિવિધ ઉછામણી બોલાઇ
દીક્ષા અવસરમાં દેવાંશીના વિવિધ ઉપકરણની ઉછામણી બોલાઇ હતી. જેનો લાભાર્થીઓએ સુંદર લાભ લીધો હતો. આ પ્રસંગે જીવદયા માટે પણ ટીપ થઇ હતી. જ્યારે પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાની દીક્ષા કલ્યાણક ભુમી પુરીમતાલમમાં નિર્માણ થનાર જિનાલયમાં પ્રથમ ભુમી પૂજન થતા ભુમી ગ્રહણનો લાભ પણ અપાયો હતો. તો પાદરા ખાતેના સૂરિરામચંદ્રના ગુરૂમંદિરની ભિટ્ટશિલાનો પણ આદેશ અપાયો હતો.