ગુજરાતસુરતહેલ્થ

સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સિંગણપોરની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે બની પ્રાણવાહિની

અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ઈમરજન્સી ટીમ દ્વારા રોડ પર જ સગર્ભાની પ્રસૂતિ કરાવવામાં આવી

સુરત: સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સુરતના સિંગણપોર વિસ્તારની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે પ્રાણવાહિની બની હતી. સગર્ભા મહિલા ઘરેથી ચાલીને હોસ્પિટલ જઈ રહ્યા હતા, એ દરમિયાન પ્રસૂતિની અસહ્ય પીડા થતા રસ્તામાં જ ૧૦૮ ઈમરજન્સી દ્વારા સલામતીપૂર્વક અને સફળ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

આજે તા.૨૭મીએ સવારે ૬:૦૦ વાગ્યે સિંગણપોર ૧૦૮ ઈમરજન્સી સેવાને પ્રસૂતાની ઈમરજન્સીનો કોલ મળતા સિંગણપોર ૧૦૮ વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં જાણવા મળ્યું કે, સિંગણપોર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થતા તેઓ પોતાના ઘરેથી હોસ્પિટલ નજીક હોવાથી ચાલીને હોસ્પિટલ સુધી જવા નીકળ્યા હતા, પરંતુ તે દરમિયાન પ્રસવ પીડા અસહ્ય બની હતી. હોસ્પિટલ ૫૦૦ થી ૭૦૦ મીટર દૂર હતી, આવી સ્થિતિમાં મહિલાથી આગળ ચાલી શકાય તેમ ન હોવાથી દુ:ખાવાના કારણે રોડ પર જ બેસી ગયા હતા. આ વિકટ સ્થિતિમાં સગા-સંબંધીઓએ તરત ૧૦૮ ઈમરજન્સી સેવા ઉપર ફોન કર્યો.

ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચેલા ૧૦૮ના ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનિશીયન અને પાયલોટ મિત્રએ જોયું કે, બાળક થોડું બહાર આવી ગયું છે, અને હવે મહિલાને ખસેડવી કે ઊભી કરવી જોખમી હતું. જેથી પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ રોડ પર જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું. આ દરમિયાન માતા અને બાળકની બંનેની ગરિમા જળવાઈ રહે તે માટે નજીકના રહેવાસી લોકોએ પણ ૧૦૮ સેવાને મદદ કરી હતી. જ્યારે રોડ ઉપર પ્રસુતિ કરાવવામાં આવી રહી હતી, ત્યારે નજીકના રહેવાસી મહિલાઓઓએ ચારે બાજુથી શાલ, સાડી જેવા કપડાની આડશ અને પડદો કરી સહકાર આપ્યો હતો. રોડ પર જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવ્યા બાદ માતા અને નવજાત બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે એમ ૧૦૮ના સુરત જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઈઝર પરાગ હડીયાએ જણાવ્યું હતું.

પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ ઈમરજન્સી જણાય તો તરત જ ૧૦૮ પર કોલ કરવો જોઈએ. ખાસ કરીને, સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોવાના બદલે તરત જ ૧૦૮ સેવાનો સંપર્ક કરો, જેથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાય. ૧૦૮ની સમયસૂચકતાના કારણે આજે સિંગણપોરની મહિલા અને બાળક બંને પર જીવનું જોખમ ટળ્યું હતું. સુરત ૧૦૮ સેવા હર હંમેશ લોકોની સહાય માટે તત્પર અને તૈયાર છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button