સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટાર્ટ–અપ દ્વારા ઇનોવેટીવ પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. બે દિવસ દરમ્યાન જુદા–જુદા શહેરોમાંથી ૯૧૩પ જેટલા લોકોએ આ સમિટની મુલાકાત લીધી હતી. એન્જીનિયરીંગ તથા મેનેજમેન્ટના ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ સ્ટાર્ટ–અપના આઇડિયામાં રસ લેતા દેખાયા હતા.
બે વર્ષ પહેલા ઓટીપીલેસ નામથી સ્ટાર્ટ–અપ શરૂ કરનાર સાહસિક સુરતના હિત ગાબાણીએ જણાવ્યું હતું કે, અમારું સ્ટાર્ટ–અપ એ યુઝર ઓથીન્ટીકેશન સોલ્યુશન સ્ટાર્ટ–અપ છે. જે વેબસાઇટ અને એપ્લીકેશન માટે ઓટીપી અને પાસવર્ડ વગર ઉપયોગી થાય છે. આ સ્ટાર્ટ–અપ યુઝરને મલ્ટીપલ લોગીન ઓપ્શન આપે છે. આ એક વનટેપ સાઇલન્ટ પ્રોસેસ છે, જે કસ્ટમરોની ડિટેઇલ મેનેજ કરી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગકારોને કસ્ટમરોની ડિટેઇલ ભેગી કરવા માટે ચારથી પાંચ દિવસનો સમય લાગે છે અને ડિજીટલ પ્લેટફોર્મ પર તેને સ્ટોર કરવા માટે ટેકનિકલ ટીમની જરૂર પડે છે, પરંતુ ઓટીપીલેસમાં ઇન્ટીગ્રેશન એફર્ટ હોય છે, જે લઘુ ઉદ્યોગકારોને પાંચથી દસ મિનિટમાં જ આખી સુવિધા આપી દે છે. સાથે જ તેઓને લાઇવ તથા સીઆરએમની સુવિધા પણ આપે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મન્થલી લિમિટેડ એક હજારથી ઓછા ગ્રાહકો ધરાવનારા લઘુ ઉદ્યોગકારોને તેઓ વિના મૂલ્યે આ સુવિધા આપે છે.
ઇનસાઇડએફ.પી.વી. વેન્ચર્સના ટેકનિકલ મેનેજર રાહુલ રાજેલિયાએ જણાવ્યું હતું કે, તેમની કંપની દ્વારા ડ્રોન બનાવવામાં આવ્યું છે. તેમનું આ સ્ટાર્ટ–અપ ભારતભરમાં એગ્રીકલ્ચર અને ડિફેન્સ સિવાયનું પ્રથમ કન્ઝયુમર ડ્રોન છે, જેનો સિનેમેટિક અને વિડિયોગ્રાફી માટે ઉપયોગ થાય છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પણ તેઓ આ ડ્રોન પ૦ ટકાની સબસિડી સાથે આપે છે. તેમનું આ ડ્રોન ફુલ્લી ઓટોમેટેડ છે. શાર્ક ટેન્કમાં પણ તેમને સ્ટાર્ટ–અપ માટે ફન્ડીંગ મળી ચૂકયું છે.
સીડટ્રી સ્ટાર્ટ–અપ શરૂ કરનારા સુરતના પરીષી અટોદરિયાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા તેમણે કન્સ્ટ્રકશન, આર્કિટેકટ, એન્જીનિયરીંગ ઇન્ટીરિયર માટે ઇનોવેશન કર્યું હતું. તેઓનું સ્ટાર્ટ–અપ ગ્રાહકોને આર્કિટેકચર પ્લાન તેમજ ઇન્ટીરિયર માટે ડિજીટલી પ્લેટફોર્મ પૂરુ પાડે છે. જેમાં તેઓ ઘર બેઠા ગ્રાહકોને વન રૂમ ડિઝાઇનની શરૂઆતથી સેવા આપે છે. ગ્રાહકોને વિવિધ શો રૂમ તથા દુકાનોમાં જવાની જરૂર પડતી હતી. તેઓ ઘર બેઠા ગ્રાહકોને ડિજીટલી પ્લેટફોર્મથી ઇન્ટીરિયર બતાવે છે અને પ્રોવાઇડ પણ કરે છે. પેમેન્ટ પ્રોટેકશન અને ટાઇમલાઇન ગેરંટી ગ્રાહકોને મળે છે. દોઢ વર્ષમાં તેમણે સુરત ઉપરાંત દેશના ૬પ શહેરોમાં પ્રોજેકટ કર્યા છે. યુએસએના કેલિફોર્નિયામાં પણ તેમણે પ્રોજેકટ કર્યો છે.
ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર સુરતના અક્ષર દેવગણીયાએ જણાવ્યું હતું કે, વાલીઓને હવે જેવું બાળક જોઇએ છે તેવું બાળક તેઓ પ્લાન કરી શકે છે અને એની શરૂઆત ગર્ભથી થાય છે. વાલીઓને બાળકના પ્લાનિંગથી ડિલીવરી સુધીનું ગાઇડન્સ તેમનું સ્ટાર્ટ–અપ આપે છે. જેમાં બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવે છે. તેઓ જે ગાઇડન્સ ગર્ભ ધરાવનાર માતાને આપે છે તેમાં ૮૦ ટકા બ્રેઇન ગર્ભમાં ડેવલપ થઇ જાય છે. એના માટે તેઓ ગર્ભ ધરાવનાર માતાને જુદી–જુદી એકટીવિટી પણ કરાવે છે. પ૦થી વધુ દેશોમાં તેમના અઢી લાખથી વધુ ગ્રાહકો છે.
ડાયમંડ હેડકવાર્ટર પ્રા.લિ.ના નામથી સ્ટાર્ટ–અપ શરૂ કરનારા પૂણેના પ્રિયંકા પાથેએ જણાવ્યું હતું કે, તેમનું સ્ટાર્ટ–અપ ગ્રાહકોને એક જ જગ્યાએ જુદી–જુદી ડાયમંડ રીંગ વિવિધ કિંમતોની સાથે દર્શાવે છે. ગ્રાહકોને જે ડાયમંડ રીંગ પસંદ પડે છે એ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કિંમત સાથેની માહિતી તેઓને ખૂબ જ ઓછા સમયમાં મળી જાય છે, જેથી અન્ય ફોર્માલિટીમાં તેઓનો સમય બગડતો નથી.