આત્મનિર્ભર સ્કીમનો લાભ દક્ષિણ ગુજરાતને મળશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર કરી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા જણાવે છે કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત એમએસએમઈનું હબ છે ત્યારે આ સ્કીમનો સૌથી વધુ લાભ આ બેલ્ટના એમએસએમઈને થશે. લઘુ ઉદ્યોગોની સાથે મોટા ઉદ્યોગોને પણ સહાયના વિવિધ લાભ મળશે.
આ ઉપરાંત મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ મેન્યુફેકચરીંગ સેક્ટર્સ જેવા કે ટેક્સટાઈલ એન્ડ એપેરલ (ટેકનીકલ ટેક્સટાઈલ્સ, ટેક્સટાઈલ, એપેરલ એન્ડ ગારમેન્ટસ), જેમ્સ એન્ડ જ્વેલરી, ગ્રીન એનર્જી ઇકો સીસ્ટમ, હેલ્થકેર, મોબીલીટી, કેપિટલ ઇક્વિપમેન્ટ, મેટલ્સ એન્ડ મિનરલ્સ, સસ્ટેનીબીલીટી, એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગોને પણ આ સ્કીમ અંતર્ગત વિશેષ લાભ મળશે.
પ્લાન્ટ એન્ડ મશીનરીમાં રૂ. ૨૫૦૦ કરોડથી વધુનું રોકાણ ધરાવતા અને સીધી રીતે ૨૫૦૦થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા મેગા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સને વિશેષ ઈન્સેન્ટિવ્ઝ મળશે. આથી આ ઉધોગો આત્મનિર્ભર બનશે અને તેના થકી માત્ર ગુજરાત જ નહી પણ ભારતને પણ આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ ઉદ્યોગો મહત્વનું યોગદાન આપશે. આથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગોના હિતમાં આ સ્કીમને આવકારવામાં આવે છે.
આ સ્કીમ અંતર્ગત એમએસએમઈને મળનારા લાભો
– એમએસએમઈ ઉદ્યોગોને કેટેગરી વાઈઝ રૂપિયા ૩૫ લાખ સુધીની કેપિટલ સબસિડી અપાશે.
– એમએસએમઈ ઉદ્યોગોને કેટેગરી વાઈઝ નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ૧૦૦થી ૮૦ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે.
– ૧૦ વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ
– ૫ વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ
– મહિલાઓ, યુવાનો અને દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો માટે વધારાના ઈન્સેન્ટિવ્ઝ
આ સ્કીમ અંતર્ગત મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ મેન્યુફેકચરીંગ સેક્ટર્સ ( રૂપિયા ૫૦ કરોડથી વધુનું રોકાણ )ને મળનારા લાભો….
– મોટા ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી
– ૧૦ વર્ષ માટે ઈ.પી.એફ. રીએમ્બર્સમેન્ટ
– નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ૭ ટકા ૧૦ વર્ષ સુધી મળશે.
– ૫ વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ
આ સ્કીમ અંતર્ગત મેગા ઈન્ડસ્ટ્રીઝને મળનારા લાભો….
– રૂ. ૨૫૦૦ કરોડથી વધુનું રોકાણ ધરાવતા અને સીધી રીતે ૨૫૦૦થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા મેગા ઇન્ડસ્ટ્રીઝને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી અપાશે.
– નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૦૦ ટકા સુધી ૨૦ વર્ષ સુધી મળશે.
– ૧૦ વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ
– પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલી કે લીઝ માટેની જમીનને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી ૧૦૦ ટકા માફી
– ૫ વર્ષ માટે ઇલેકટ્રીસિટી ડયૂટીથી મુકિત