ચેમ્બર દ્વારા ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’કરાયું
ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અને પોલીસ કમિશનર અજય કુમાર તોમરની હાજરીમાં ‘મા અંબે’ની આરતી કરાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા વિશેષ ભૂમિકા ભજવવામાં આવી હતી. જેમાં ચેમ્બરની આર્ટ એન્ડ કલ્ચર કમિટીએ પણ સહયોગ આપ્યો હતો.
‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’માં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ખાસ ઉપસ્થિત રહયા હતા. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પરેશ પટેલ તથા સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ હાજર રહયા હતા. ગરબા સેલિબ્રેશનમાં ઉપસ્થિત સર્વે મહેમાનોના હસ્તે ‘મા અંબે’ની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગરબાનો પ્રારંભ કરાયો હતો.
મંત્રી દર્શનાબેન જરદોશ માતાજીના ગરબે ઘુમ્યા હતા અને તેમની સાથે પરેશ પટેલ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ભૂતપૂર્વ પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો અને ચેમ્બરના સભ્યોએ પરિવારજનો સાથે જોડાઇને ગરબાની મન મૂકીને રમઝટ માણી હતી.
શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશનના આયોજનમાં ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય અને ગૃપ ચેરમેન મૃણાલ શુક્લ તથા ચેમ્બરની લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ, ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, વાઇસ ચેરપર્સન મનિષા બોડાવાલા, સેક્રેટરી શીખા મહેરા, લેડીઝ વીંગના ભૂતપૂર્વ ચેરપર્સનો અને મહિલા સભ્યો તેમજ ચેમ્બરની આર્ટ એન્ડ કલ્ચર કમિટીના ચેરમેન દીપક ઠક્કર, કો – ચેરપર્સન સ્વાતિ શેઠવાલા અને કમિટીના સભ્યોએ વિશેષ સહયોગ આપ્યો હતો.
સુરતના ગાયક આશિષ (AV) અને તેમની ટીમ તથા મ્યુઝીકરી દ્વારા રજૂ કરાયેલા ગીતોના તાલે સૌ કોઇ ઝૂમી ઉઠયા હતા. ગરબા રમવામાં સારું પ્રદર્શન કરનારા ચેમ્બરના સભ્યોને ઇનામ વિતરીત કરવામાં આવ્યા હતા.