નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સના અધિક સચિવ સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને સહયોગ આપવા રજૂઆત
લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં સ્થિત ભારતીય રાજદૂતો તરફથી ભારતમાંથી નિકાસને વેગ આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને યોગ્ય સમર્થન આપવાની અધિક સચિવ શ્રીનિવાસને ખાતરી આપી : રમેશ વઘાસિયા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ બુધવાર, તા. ર૬ જુલાઇ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સના અધિક સચિવ જી.વી. શ્રીનિવાસનની મુલાકાત લીધી હતી. અધિક સચિવ શ્રીનિવાસન સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સના વિઝન SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત દેશભરમાંથી એક્ષ્પોર્ટ વધે તે હેતુ આ મિશનને સફળતાની દિશામાં આગળ વધારવા માટે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સ મદદ કરે તેવો અનુરોધ કર્યો હતો.
તેમણે અધિક સચિવને જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે તા. ર જુલાઇ ર૦ર૩ના રોજ ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં આમંત્રિત કરાયેલા અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી અને બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
આ મિશન અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ શરૂ કરાયો છે. આ મિશન અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે.
આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઇને અધિક સચિવ શ્રીનિવાસને ખાતરી આપી હતી કે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં સ્થિત ભારતીય રાજદૂતો તરફથી ભારતમાંથી નિકાસને વેગ આપવા માટે ચેમ્બરના મિશનને યોગ્ય સમર્થન મળશે. વધુમાં તેમણે વાણિજ્ય મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા ઈન્વેસ્ટ ઈન્ડિયા પ્રોગ્રામની જેમ ‘પાર્ટનર ઈન્ડિયા’પ્રોજેકટને પ્રોત્સાહન આપવા માટે તેનો પ્રચાર કરવા ચેમ્બર ઓફ કોમર્સને સૂચન કર્યું હતું.
વધુમાં અધિક સચિવ શ્રીનિવાસ દ્વારા મિશન ૮૪ પ્રોજેકટ અંગે અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને આખા પ્રોજેકટ સંદર્ભે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. તેમણે દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં આ બાબતને ખૂબ જ જરૂરી ગણાવી હતી. આ પ્રોજેકટ ઘણો અસરકારક છે પરંતુ તેના અમલીકરણમાં ખૂબ જ કાળજી લઇને મહેનત કરવાની જરૂરિયાત ઉપર તેમણે ભાર મુકયો હતો. આ પ્રોજેકટમાં દરેક સ્ટેક હોલ્ડર સાથે સંકલન સાધીને સૌને સાથે રાખીને અને સૌનો સહયોગ મેળવીને તેને સફળ બનાવવા આગળ વધવા માટે તેમણે સલાહ આપી હતી.