સામાન્ય લોકો કરતા ટાઉટો મારફત જતા લોકોના કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે : પાયલ સાકરીયા
તલાટી તથા મામલતદાર ઓફિસોમાં સ્ટાફની અછત દુર કરવા અને અવારનવાર સર્વર ડાઉનની સમસ્યાનું નિરાકરણ લાવવા મનપા વિપક્ષ નેતાની કલેક્ટરને રજુઆત

સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કલેક્ટર સૌરભ પારધીને પત્ર લખીને જણાવ્યું હતું કે, સુરત શહેરના પુણા સહિત વિવિધ વિસ્તારોમાં આવેલ તલાટી તથા મામલતદાર કચેરીઓમાં હાલમાં વિવિધ શૈક્ષણિક પ્રવેશ, હોસ્ટેલમાં પ્રવેશ, શિક્ષણ સહાય અર્થે આવકના દાખલા, જાતિના દાખલા નિયત સમયમર્યાદામાં જમા કરાવવાના હોવાથી કચેરીઓ ખાતે સમગ્ર દિવસ દરમ્યાન વિધાર્થીઓ તેમજ વાલીઓનો ઘસારો રહે છે., જેની સામે કામગીરી ખુબ જ મંથરગતિએ ચાલી રહેલ છે તેમજ વારંવાર સર્વર ડાઉન હોવાના કારણો સહિત સ્ટાફની અછતના કારણો આગળ ધરવામાં આવી રહેલ છે.
પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય લોકો કરતા ટાઉટો મારફત જતા લોકોના કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરિણામે લોકો, વિધાર્થીઓ તેમજ વાલીઓને વહેલી સવારે 5 વાગ્યાંથી લોકોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.
વધુમાં,ઉકત સમસ્યાનું નિરાકરણ કરવા તાકીદે પુણા તલાટી તેમજ મામલતદાર કચેરીમાં સ્ટાફની ઘટૃ પુરી કરવા તેમજ તમામ કચેરીઓમાં અરજીઓના ઘસારાના ઘ્યાને લઇ સ્ટાફની ફાળવણી અંગે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા સહિત તમામ સ્ટાફ સમયસર ફરજ પર આવે તેમજ વારંવાર ખોટ ખાતા સર્વરની ખામીઓ દુર કરવા અને શૈક્ષણિક પ્રવેશમાં વિધાર્થીઓને અગવડતાઓ પડે નહિ તે હેતુસર ઓફિસની કામગીરીના સમયગાળામાં વધારો કરી લોકોને રાહત મળી રહે તે મુજબની કાર્યવાહી કરવા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું.