સુરત : સુરતનું પી.પી.સવાણી પરિવાર સમાજ સેવા માટે જાણીતું છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે. વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી,દીકરી જગત જનની અને હવે આ વર્ષે ‘માવતર’. છેલ્લા ૧૨વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૪૯૯૨ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૭૫ દીકરીઓના લગ્ન આગામી તા.24 ડિસેમ્બર રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રિઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. “માવતર” ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે.
આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી. બે દીકરીતો મૂક-બધિર છે. એક નેપાળ અને એક ઓડીસા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે.
પી.પી.સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, હું આ દીકરીઓનો પિતા બનું છુ. એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે.