સુરત ખાતે પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના સંદર્ભે ‘સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગો માટે ગુજરાતમાં તકો’ વિષય પર સેમિનાર યોજાયો
PMFME યોજનાથી નાના એકમો સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળ્યું છે
સુરતઃ પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના સંદર્ભે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને
સુમુલ ડેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગો માટે ગુજરાતમાં તકો’ વિષય પર સુમુલ ડેરીના
સભાખંડમાં સેમિનાર યોજાયો હતો.
જેમાં વ્યક્તિગત લાભાર્થીઓ માટે રૂ.૧૦ લાખ તેમજ સામૂહિક જૂથો માટે પ્રતિયુનિટ રૂ.૩ કરોડ સુધીની આર્થિક સહાય આપતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી PMFME યોજના સંદર્ભે દક્ષિણ ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા ખેડૂતો-નાના વ્યવસાયકારોને તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સીના ડિરેક્ટરશ્રી એમ.કે. કુરેશીએ જણાવ્યું હતું કે,
કેન્દ્ર સરકાર દ્વારા PMFME યોજના ૨૯મી જૂન,૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં અરજી કરવા માટેનું
ઓનલાઈન પોર્ટલ તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.
આ યોજનામાં નાના વ્યવસાયકારો અને નાના ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયને આગળ ધપાવવા માટે સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે આર્થિક સહાય અને માર્કેટિંગ-બ્રાન્ડીંગ માટે પણ મદદ કરવામાં આવે છે. આ યોજના દ્વારા જ્યાં નાના એકમો સમૃદ્ધિ તરફ આગળ વધશે અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.
કુરેશીએ આજના નવા જમાનામાં ફૂડ પ્રોસેસિંગ એ આર્થિક રીતે પગભર બનાવતું મહત્વનું પરિબળ
હોવાનું જણાવી ઉમેર્યું કે, જો ખેડૂતો ખેતઉત્પાદનની સાથોસાથ નાના ફૂડ પ્રોસેસિંગ એકમો સ્થાપે તો નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળશે, યુવાનોને રોજગારીની તકો અને ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળશે.
PMFME યોજનાથી નાના એકમો સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ૯૦ ટકા લોન અને ૩૫ ટકા સબસીડી આપનારી આ યોજનામાં આર્થિક, ટેકનિકલ અને વ્યાવસાયિક સહાયતા મેળવી ખેડૂતમાંથી લઘુઉદ્યોગકાર બનવાનું લક્ષ્ય રાખવા સૌને અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે રૂ.૧૦ હજાર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે, તેમજ ગુજરાતમાં
ફૂડ પ્રોસેસિંગ યુનિટોની સ્થાપના માટે ૨૮૦૮ લાભાર્થીઓનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે રજિસ્ટ્રેશન કાર્યવાહી સ્થળ ઉપરજ કરવામાં આવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી.
સંયુક્ત બાગાયત નિયામક એલ.એચ.લાડાણીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત કૃષિ ક્ષેત્રે
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. PMFME યોજના તેનો એક ભાગ છે. ખેડૂતોનોપાક ખેતરમાંથી બજારમાં પહોંચે ત્યાં સુધી પાકનો ૩૫ ટકા બગાડ થતો હોય છે, જેને અટકાવવા કિસાનો જાતે પાકનું મૂલ્યવર્ધન કરી સમૃદ્ધ બની શકે છે અને વડાપ્રધાનશ્રીના ખેડૂતોની આવકને બમણી કરવાના સપનાને સાકાર કરવાની દિશામાં અગ્રેસર બને તેવું આહ્વાન આ તકે કર્યું હતું.
લાડાણીએ ઉત્પાદક અને સહકારી મંડળીઓ, FPO-ખેડૂત ઉત્પાદક સંગઠનો, સ્વસહાય જૂથો, ખેડૂતો અને
વ્યક્તિગત લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે એમ જણાવ્યુ હતું. સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) કમલેશ પટેલે PMFME યોજના નાના વ્યવસાયકારોની સાથોસાથ કિસાનો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે એવો મત વ્યકત કરતા ઉમેર્યું કે, યોગ્ય માર્કેટિંગ કે પોષણક્ષમ બજાર ન મળવાને કારણે ખાદ્ય પદાર્થો, ખેતઉત્પાદનોનો બગાડ થાય છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે, ત્યારે વેલ્યુ એડિશન એ આધુનિક સમયની માંગ છે. ખેડૂતો હવે પરિવર્તનની પહેલ કરી સ્માર્ટ બને અને યોજનાકીય સહાય
મેળવી વ્યવસાયકાર બનવા માટે સંકલ્પબદ્ધ થાય એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
આ વેળાએ ઉપસ્થિત સૌએ આ યોજના અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે વિષય
સંદર્ભે પ્રશ્નોત્તરી સેશન યોજાયું હતું. જેમાં તજજ્ઞોએ શ્રોતાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.
નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સહકારી મંડળી, ગ્રુપોના મેનેજર કે પ્રતિનિધિઓને પણ ફર્સ્ટ રિસોર્સ પર્સન (FRP) બનવા માટે રસ ધરાવતા હોય તેઓ માટે પણ ઉમદા તક છે, જેના દ્વારા સભાસદો, ખેડૂતોને પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના વિષે માર્ગદર્શન આપી શકે છે.
આ પ્રસંગે સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલ, નાયબ બાગાયત નિયામક(સુરત)
એન.એન.પટેલ, આત્મા-સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી. ગામીત, નાયબ બાગાયત નિયામક(વલસાડ-નવસારી) ડી.કે.પડાલિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડાશ્રી જે.એચ.રાઠોડ, સુમુલના અધિકારીઓ, સૂરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, ફૂડ પ્રોસેસ સંચાલકો, સામૂહિક અને સ્વસહાય જૂથો, ખેડૂત ઉત્પાદક સંગઠનો-FPO, ઉત્પાદક, સહકારી અને બાગાયત મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.