સુરત જિલ્લાના રૂ.૧૨૬ કરોડના ૩૩૪ વિકાસપ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરત જિલ્લાના રૂ.૧૪૫.૫૨ કરોડના ૫ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાએથી વર્ચ્યુઅલી લોકાર્પણ-ખાતમુહુર્ત
સુરત:શુક્રવાર: શહેરના પીપલોદ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૨૦ વર્ષની વિકાસગાથાને વર્ણવતી જિલ્લા કક્ષાની ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત જિલ્લાના રૂ..૧૨૬ કરોડના ૩૩૪ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સુરત જિલ્લાના રૂ.૧૪૫.૫૨ કરોડના ૫ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાએથી વર્ચ્યુઅલી લોકાર્પણ-ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લામાં મહેસુલ વિભાગના રૂ. ૫૭.૬૦ કરોડના કુલ ૪ કામોનુ અને સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (સુડા) અને નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મળી કુલ રૂ.૧૨૬ કરોડના ૩૩૪ કામોનુ ખાતમુહુર્ત-લોકાર્પણ સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ રાજ્યમાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસકામોની ઝાંખી કરાવતું માધ્યમ છે. ડબલ એન્જિનની સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની બહેતર સ્થિતિનું નિર્માણ કરવા સાથે વિજળી, પાણી, આરોગ્ય, આવાસ, સિંચાઈ સહિતની અનેક જનસુવિધાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી ગુજરાતની કયાપલટ કરી છે. પરિણામે શહેરો જેવી જ સુવિધાઓ આજે ગામડાઓ પણ નિર્માણ થઈ રહી છે.
સુરતના નાગરિકોની સુવિધાઓ વધારવા માટે વેસુ ખાતે રૂ.૩૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ ૧૪ માળની કલેકટર કચેરી સાકાર થશે. આ સમગ્ર કચેરીનું ૩૦% વીજળીનું ઉત્પાદન સૌરઉર્જાની મદદથી થશે એમ જણાવી સંઘવીએ ઉમેર્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં સામાન્ય પ્રજાને કેન્દ્ર સ્થાને રાખીને વિકાસકાર્યો રાજ્ય સરકારે હાથ ધરી લોકોના વિકાસ-ઉત્કર્ષ માટે સુશાસનની નીતિ પર ભાર મૂક્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ વી.ડી.ઝાલાવાડીયા, ઝંખનાબેન પટેલ, મોહનભાઈ ઢોડીયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુડાના ઈન્ચાર્જ સી.ઈ.ઓ. અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, સિટી પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.