સુરત

સ્મીમેર હોસ્પિટલને મળેલી મોબાઈલ બ્લડ ડોનેશન વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા મેયર હેમાલીબેન બોઘાવાલા

વાનમાં એક સાથે ૪ દાતા બ્લડ ડોનેટ કરી શકે તે માટે બે ડોનર ચેર તથા બે બેડની વ્યવસ્થા

સુરત,શુક્રવારઃ સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલને ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ તરફથી મળેલી મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું મેયર  હેમાલીબેન બોઘાવાલાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલને મોબાઈલ બ્લડ ડોનેશન વાન મળવાથી હોસ્પિટલ સુધી આવીને બ્લડ આપવામાં તફલીફ હોય એવા રક્તદાતાઓ માટે ખૂબ ઉપયોગી નીવડશે. આ વાનથી રેગ્યુલર બ્લડ ડોનરને પોતાના રહેણાંક કે કામની જગ્યાની નજીક બ્લડ ડોનેશન માટે એક બ્લડ બેન્ક જેવા જ વાતાવરણયુક્ત સુવિધા આપી શકાશે. બ્લડ ડોનેશન કેમ્પ પણ સરળતાથી થઈ શકશે.

અત્યાધુનિક વાનથી બ્લડ ડોનરને રિએકશન પણ ઓછા આવવાની શક્યતા છે. ઉપરાંત ડોનરને અનુકૂળ હોવાથી સ્વૈચ્છિક રકતદાન કરવા નવા ડોનરોને પ્રેરણા મળશે અને સ્વૈચ્છિક રકતદાનને વેગ મળશે. આ વાનમાં એક સાથે ૪ દાતા બ્લડ ડોનેટ કરી શકે તે માટે બે ડોનર ચેર તથા બે બેડની વ્યવસ્થા છે. ઉપરાંત, અદ્યતન સાધનથી બ્લડ મિક્ષ થઈ શકે તે માટે ૪ બ્લડ કલેક્શન મોનિટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૫થી સ્મીમેર બ્લડ બેંક દસ હજારથી વધુ રક્તદાતાઓ પાસેથી રક્ત એકત્ર કરે છે, અને આશરે ૨૦,૦૦૦ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરૂ પાડે છે. વર્ષ ૨૦૦૪થી કાર્યરત અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર બ્લડ બેંકમાં આશરે ૯૦-૯૫% યુનિટ રક્તદાન શિબિર દ્વારા એકત્ર થાય છે. વર્ષ ૨૦૧૮થી સ્મીમેર બ્લડ બેંકને IHBT ડિપાર્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે.

હાલમાં બ્લડ બેંકમાં લોહી તથા લોહીના ઘટકો (RCC, PC, SDP, FFP, Plasma, Cryo વગેરે) સ્મીમેર હોસ્પિટલના દર્દીઓ તથા સુરત શહેરની મનપા સંચાલિત અન્ય હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને નજીવા દરથી પૂરા પાડવામાં આવે છે. સિકલ સેલ, થેલેસેમિયા, હિમોફિલિયા પ્રકૃતિના દર્દીઓને વિનામૂલ્યે લોહી આપવામાં આવે છે. ઉપરાંત, બ્લડ બેંક દ્વારા સ્મીમેર હોસ્પિટલના દર્દી માટે એફ્રેસીસ મશીન દ્વારા થતી પ્રોસેઝર (Plasmapheresis, RBCpheresis, Steam cell collection વગેરે)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

જેનો દર વર્ષે આશરે ૫૦ જેટલા દર્દીઓ લાભ લે છે.આ વાનની મદદથી નાના-મોટા જાહેર કાર્યકમોમાં, સોસાયટીમાં રક્તદાન કરી શકાશે. રક્તદાન શિબિરની નોંધણી માટે તથા વધુ માહિતી માટે ૦૨૬૧-૨૩૬૮૦૪૦-૪૧ ઉપર સંપર્ક કરી શકાશે.

આ પ્રસંગે શાસકપક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, વૈદ્યકીય રાહત અને તંદુરસ્તીવર્ધક સમિતિના ચેરમેન રાજુ જોળિયા, આરોગ્ય સમિતિના ઉપાધ્યક્ષ વિજય ચૌમલ, સ્મીમેર કોલેજના ડીન ડો.દીપક હોવાલે, મેડિકલ સુપ્રિ.ડો. જિતેન્દ્ર દર્શન, ઈન્ટાસ ફાર્માસ્યુટિકલના પ્રતિનિધિઓ અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button