રાજ્યકક્ષાની તાઈકવૉન્ડો સ્પર્ધામા ટી એમ પટેલ સ્કૂલના મેઘન ને ગોલ્ડ મેડલ

સુરત: રાજ્ય ખેલ પ્રતિભાને મંચ મળી રહે તે હેતુ થી આયોજિત ખેલ મહાકુંભમાં સુરત પોતાનો ડંકો વગાડી રહ્યો છે. હાલમાં ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી વિવાન ભૂરા એ 30 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તો આ વખતે સ્કૂલના વધુ એક વિદ્યાર્થીએ ખેલ મહાકુંભમાં સિદ્ધિ મેળવીને વધુ એકવાર સ્કૂલનું નામ રોશન કર્યું છે.
હાલમાં રાજ્યભરમાં ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે તેવામાં સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ધો.6ના વિદ્યાર્થી મેઘન પવાર એ તાઈકવૉન્ડોમાં મેડલ મેળવીને સ્કૂલનું નામ રોશન કર્યું છે. હાલમાં ચાલી રહેલા ખેલ મહાકુંભમાં 27 કિલો અંડર-14 બોયઝમાં ટી એમ પટેલના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને ખેલ પ્રત્યે પોતાના સમર્પણ, શિસ્ત અને જુસ્સાના જોરે તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ખેલ મહાકુંભમાં ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સુરતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો તે ખુબ જ ગૌરવની ક્ષણ છે. આ માટે મેઘન પવારને રાજ્ય સરકાર તરફથી ગોલ્ડ મેડલ અને 10 હજારની રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સ્કૂલ પરિવાર દ્વારા આ ઐતિહાસિક ક્ષણ માટે મેઘન ને અભિનંદન આપવાની સાથે ભવિષ્યમાં પ્રગતિની પ્રાર્થના કરવામાં આવી હતી.