ચાલો જાણીએ મેદસ્વિતા નિવારવા માટે ઉપયોગી પીણાં વિશે..

ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત: ફેઝ ૨’ અભિયાન ચાલી રહ્યું છે. રોજીંદા ઉપયોગમાં લેવાતા દેશી પીણાંઓ ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક છે. સ્થૂળતા ઘટાડવા માટે સવારમાં દેશી અને આયુર્વેદિક પીણાં પીવા જોઈએ.
ગ્રીન ટી : ગ્રીન ટી ચરબી ઓછી કરવા માટે ઉપયોગી છે, તેમાં ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ હોય છે. ભોજન પછી અને સવારે તેનું સેવન કરવાથી ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેનાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ચયાપચયમાં સુધારો કરે છે.
‘તજ’ની ચા : તજની ચા પીવી, એ શરીરની ચરબી ઓછી કરવાની સરસ રીત છે. સાંજે તજની ચા પીવાથી ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તેના એન્ટીબેકટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને લીવર સ્વસ્થ રહે છે.
છાશ : જો વજન ઘટાડવા માટે કેટલાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પોની શોધમાં છો, તો છાશ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશને એક શ્રેષ્ઠ પીણાં તરીકે માનવામાં આવે છે, જે પેટની ચરબી ઘટાડે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે, વિટામિન બી-૧૨ અને પોષક તત્વોમાં વધારો કરે છે
જીરાનું પાણી : જીરામાં થાઈમોસિનોન નામનું તત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, જીરામાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ છે, જે પાચન અને ચયાપચયમાં વધારો કરે છે. સારી બાબત એ છે કે, તે બનાવવું પણ સરળ છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું અથવા જીરા પાઉડર ઉમેરી તેને હલાવીને પીવાનું હોય છે.
મધ અને લીંબુનું ગરમ પાણી : જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે ત્યારે લીંબુને ગરમ પાણી સાથે પીવું, એ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. લીંબુ શરીરને સાફ કરે છે, ચયાપચયમાં વધારો કરે છે અને ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે. તેનો સ્વાદ વધારવા માટે, તેમાં થોડું મધ ઉમેરી શકાય છે. મધ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એક કપ ગરમ પાણીમાં અર્ધી ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને સવારે પીવાથી વજન નિયંત્રિત રહે છે.



