સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે યોજાતા નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશન અંતર્ગત મંગળવાર, તા. ૧પ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘Inside Out…Treasure hunt of emotions’ વિષય ઉપર ટ્રેઇનીંગ સેશન યોજાયું હતું. જેમાં સુરતની નવયુગ કોલેજના અંગ્રેજી વિભાગના વડા તેમજ જેસીઆઇ ઇન્ડિયાના નેશનલ ટ્રેઇનર ડો. બિન્દુ શાહ દ્વારા ઇનસાઇડ આઉટ ફિલ્મમાંથી વિષયલક્ષી જરૂરી કન્ટેન્ટ અને પ્રેઝન્ટેશન થકી ઉદ્યોગ સાહસિકોને લાગણીઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડો. બિન્દુ શાહે જણાવ્યું હતું કે વ્યકિતની પર્સનાલિટીમાં તેનું એજ્યુકેશન, એકસપેકટેશન, એકસપિરીયન્સ, એન્વાયરમેન્ટ અને ઇમોશનનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ઇનસાઇડ આઉટ ફિલ્મમાં રાયલી નામની બાળકીની વિવિધ લાગણીઓ જેવી કે આનંદ, હર્ષોલ્લાસ, ઉદાસ, હતાશા, ગુસ્સો, ડર અને આશ્ચર્ય દર્શાવવામાં આવ્યા છે. જન્મ થાય ત્યારથી મૃત્યુ સુધી વ્યકિતના જીવનમાં તેની સાથે કંઇક ખરાબ થાય છે પણ આવી સ્થિતિમાં સારું વિચારવાનું તથા બોલવાનું વ્યકિતએ શીખવું જોઇએ. વ્યકિતના સબકોન્શીયસ માઇન્ડમાં વિવિધ સપનાઓ રહે છે એટલે હમેશા સારુ જ વિચારવું જોઇએ એવું આ ફિલ્મ પરથી શીખવા મળે છે.
જ્યારે વ્યકિત કોઇ કારણસર હતાશ થઇ જાય અને પોતાને દુઃખી અનુભવે ત્યારે એને સાંત્વના આપવાની વિશેષ જરૂર હોય છે. આવા સમયે દુઃખી વ્યકિતને સાંત્વના મળી જાય તો એ દુઃખમાંથી બહાર આવી જાય છે અને ફરીથી આનંદિત થવાની દિશામાં મંડી પડે છે. વ્યકિત જે સમાજમાં રહે છે અને તેના આસપાસનો માહોલ એક પ્રકારનું દબાણ ઉભું કરે છે. જેને કારણે મોટા ભાગના લોકો જે લાગણી અનુભવે છે એ વ્યકત કરતા નથી અથવા કહેતા નથી. વ્યકિતએ સાચી લાગણી વ્યકત કરવી જોઇએ અને મન મુકીને કોઇની પાસે રડવું જોઇએ. આવું કરવાથી વ્યકિત હતાશામાંથી બહાર આવી જાય છે અને એકદમ હળવાશનો અનુભવ કરે છે.
ડિપ્રેશન એવી લાગણી છે કે જેમાં કોઇ જ અનુભવ થતો નથી. સેડનેસ પણ એક પ્રકારની લાગણી છે અને તે જીવનમાં જરૂરી છે. વ્યકિત હમેશા ખુશ રહે તે જરૂરી નથી પણ એ કાયમ સકારાત્મક રહી શકે છે. નિષ્ફળતાનો સામનો કર્યા બાદ જે સફળતા મળે છે તેની ખુશી અનેરી હોય છે. સફળતાની ખુશી પણ નિષ્ફળ થયેલી વ્યકિત જ સમજી શકે છે. તેમણે કહયું હતું કે, ખુશ રહેવા અને સકારાત્મક રહેવા માટે પોતાની જાતને જીતવું જોઇએ. હેપ્પીનેસ અને સેડનેસ એક જ સિકકાની બે બાજુ છે. જેવા ઇમોશન્સ આવતા હોય છે એને એવા જ ફીલ કરવા જોઇએ. લાગણીને લાગણી જ રહેવા દેવી જોઇએ, એને અટકાવવી નહીં.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન કર્યું હતું. કમિટીના સભ્ય સંજય પટેલે વકતાનો પરિચય આપ્યો હતો. સેશનના અંતે વકતાએ વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.