સિટીલાઈટ સાયન્સ સેન્ટર ખાતે ‘ક્રાફ્ટરૂટ્સ એક્ઝીબિશન’નો પ્રારંભ
દેશમાંથી લુપ્ત થઇ રહેલી પરંપરાગત હસ્તકળા અને તેના સાથે જોડાયેલી કારીગરોની સંવેદનાઓને જીવંત રાખવાના પ્રયાસો સરાહનીય’: આનંદીબેન પટેલ
સુરત: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે તા.૧૯ થી ૨૩ જાન્યુ. દરમિયાન સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો ‘ક્રાફટરૂટ્સ એક્ઝીબિશન’ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દેશના આશરે ૧૭ જેટલા વિવિધ સ્થળોએથી આવેલા વિવિધ હસ્તકલાના કારીગરો દ્વારા ૫ દિવસ માટે ૭૦થી વધારે સ્ટોલ્સ પર વિભિન્ન ચીજવસ્તુઓનું પ્રદર્શનસહ વેચાણ કરવામાં આવશે.
આ પ્રસંગે સુરતની ઉદાર અને ‘અતિથી દેવો ભવ’ની ભાવનાને મૂર્તિમંત કરતા સુરતી નાગરિકો દ્વારા લુપ્ત થતી પારંપરિક હસ્તકળા તેમજ તેની સાથે જોડાયેલી કારીગરોની સંવેદનાઓને જીવંત રાખવાના પ્રયાસોની સરાહના કરી હતી. સાથે જ કલાત્મક ચીજવસ્તુઓનાં ઉત્પાદન થકી આત્મનિર્ભર બની રહેલી મહિલાઓને બિરદાવી હતી. હસ્તકલા પ્રદર્શનોને સુરતમાં હા હંમેશ ઉત્સાહજનક પ્રતિસાદ મળતા હસ્તકલા કારીગરોને નવી ઉર્જા મળે છે એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે ક્રાફટરૂટ્સ સંસ્થા સાથે જોડાયેલા કારીગરો અને તેમના પરિવારોને અપાતી શૈક્ષણિક,મેડિકલ અને નશામુક્તિની સહાય અંગેની વિગતો આપી હતી.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિથી દેશના ખૂણે ખૂણે વસતી નવી પેઢી અવગત થાય એ માટે રાજ્યપાલશ્રી આનંદીબેન દ્વારા સાર્થક પ્રયાસો થઈ રહ્યા છે એમ જણાવી આયોજકોના પરિશ્રમને બિરદાવ્યો હતો.ક્રાફ્ટરૂટ્સ પ્રદર્શનમાં ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાંથી આવેલા કારીગરો દ્વારા પિછવાઈ, માતાની પછેડી અને મધુબની પેઇન્ટિંગ, ડોક્રા ટ્રાઈબલ, જેકો મોતી, બાંબુ અને લાખના ઘરેણાં, એલ્યુમિનીયમ/સિલ્વર/બ્રાસ અને એલોયનાં વાયરમાંથી બનતી વસ્તુઓ, કોપર બેલ આર્ટ, રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ, મુંજ ઘાંસમાંથી બનતી ઘરવપરાશની ચીજવસ્તુઓ અને છાણામાંથી બનતા કલાત્મક સુશોભનો પ્રદર્શિત કરાયા છે. આ સિવાય કચ્છી મોજડી, ચામડાના બેગ અને જૂતા તેમજ બ્રાસ અને મેટલની મૂર્તિઓ, લેમ્પ, દિવાઓ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને માટીના વાસણો પણ પ્રદર્શન સહ વેચાણ માટે ઉપલબ્ધ છે. નોંધનીય છે કે,તા.૧૯ થી ૨૩ જાન્યુ. દરમિયાન આયોજિત પ્રદર્શનને નિહાળવા અને હસ્તકલા ચીજોને ખરીદવાની શહેરીજનો માટે તક છે.
આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, આયોજક અનારબેન પટેલ, ડે.પ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સુરત શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, ઉદ્યોગપતિ મનહરભાઈ કાકડીયા અને જયેશભાઈ, હસ્તકલા કારીગરો તેમજ સંસ્થા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા.