ગુજરાતનેશનલસુરત

૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિન : સુરત શહેરના કાપોદ્રા વિસ્તારનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન

સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પી.આઈ.એમ.બી.ઔસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો

સુરત: કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં પ્રકૃત્તિપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ઔસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલભાઇ દેસાઇ અને પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે.

ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ઔસુરાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં મારૂં સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડિયો ફુટેજ જોતા આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું. નાનપણથી જ મને વૃક્ષો, પ્રાણી-પક્ષીઓ, પ્રકૃત્તિ પ્રત્યે લગાવ રહ્યો છે, એટલે જ ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો. અને વૃક્ષો અને પર્યાવરણ માટે કામ કરતાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલભાઇ દેસાઇ સાથે મુલાકાત થઇ. તેમની પાસે ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી. તેમના સહયોગથી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલસ કર્મીઓએ અને વિરલભાઇની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું.

આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે, અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે.
શ્રી ઔસુરાએ વધુમાં કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ખાતે નાના-મોટા કામ માટે આવતાં લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે. ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દીવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કરાયા છે. જેથી ગુનેગારોનું હ્રદય પરિવર્તન થઈ શકે. પક્ષીઓ માટે વેસ્ટ મટિરીયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે. સાંજે ૬.૦૦ વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસવા આવે છે, પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે.

પર્યાવરણપ્રેમી વિરલભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પી.આઈ.શ્રી એમ.બી.ઔસુરાની આગેવાનીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાના સંકલ્પ અને અભિયાન અંતર્ગત ૭૦ ટકા જેટલું કામ પુર્ણ કર્યું છે. આ પોલીસ સ્ટેશન માત્ર પોલીસસેવા કે ન્યાય મેળવવાનું કેન્દ્રસ્થાન જ નહીં, પરંતુ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, મેડિટેશન માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂં પાડી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવશે. જેમાં વેસ્ટ પાણીને જમીનમાં ઉતારવામાં આવશે. જ્યારે મઘા નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે અંડરગ્રાઉન્ડ સંપ બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવશે. જેથી બારેમાસ પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. જેની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન સંપૂર્ણ સૌર ઉર્જા પર કાર્યરત થશે. સાથે રેઈન વોટર હાર્વેસ્ટિંગથી લાખો લીટર પાણીની બચત થવાની સાથે બાયોડાવર્સિટી અને ક્લિન એરના ક્ષેત્રમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન મહત્વનું યોગદાન આપશે. પોલીસ સ્ટેશનના પરિસરમાં એક અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જેમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર થશે. જે કાપોદ્રા અને આસપાસના વિસ્તારના પાંચ લાખ જેટલા લોકોને ક્લિન એર મળવામાં સહાયરૂપ બનશે. અત્યાર સુધીમાં આ પોલીસ સ્ટેશનમાં નવસો જેટલા નાના-મોટા વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે, તો આખાય પોલીસ સ્ટેશનમાં પચાસથી વધુ ચિત્રો અને માહિતીપ્રદ હોર્ડિંગ્સ છે. જેનાથી લોકોને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરી શકાશે. આ પોલીસ સ્ટેશન પોતે જ એક ગ્રીન ક્રુસેડર બનશે, જે સુરતના હજારો લોકોને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં જોડશે અને તેમને જાગૃત કરશે.

ગ્રીન કાપોદ્રા પોલીસ સ્ટેશનથી અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થશે, પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સધાશે. સાચે જ, પોલીસ અને પર્યાવરણપ્રેમનો સંગમ રચતું કાપોદ્રા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનો, જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા ચીંધી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button