ધર્મ દર્શન

જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની સંયમ જીવનના ૪૫ મા વર્ષમાં પ્રવેશોત્સવ

સાંસ્કૃતિક લોકડાયરાનું સંગીતની સૂરાવલી પૂર્વક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું

 સુરત : લંબે હનુમાન રોડ સ્થિત શ્રી ત્રિકમનગરની વાડીમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની સંયમ જીવનના ૪૫ મા વર્ષમાં પ્રવેશોત્સવ પ્રસંગે બકુલાબેન વ્રજલાલ પારેખ પરિવાર તરફથી સુખદેવભાઈ ગઢવી દ્વારા સાંસ્કૃતિક લોકડાયરાનું સંગીતની સૂરાવલી પૂર્વક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯ થી ૧૨ સુધી આ કાર્યક્રમમાં ગુરુભક્તોની ભારે ભીડ જામી હતી. વજુભાઈ પારેખ પરિવારે અને ગુરુભક્ત પરિવારે પણ વિશિષ્ટ પ્રભાવના કરી હતી. આચાર્ય બન્યા પછી પ્રથમ વા૨ જૈન સંઘમાં પદાર્પણ થવાથી ભાવુકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

પૂ. આચાર્યપ્રવર પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, માનવ જીવનની સફળતા આત્મશુદ્ધિ દ્વારા થાય છે. સંસારના તમામ દુઃખો અને પાપોમાંથી મુક્ત થવા માટે આ માનવભવ મળ્યો છે. સંસારની તમામ સમસ્યાઓનું સમાધાન સંયમ જીવનમાં જ છે. અત્યારે આ સંસારમાં એટલા બધા પ્રશ્નો ઊભા થયા છે કે જેમાં ભલભલા માણસો તૂટી જાય તેમ છે. અનંતા ભવોની યાત્રાને પૂર્ણવિરામ આપવા માટે સંયમ એ તરણોપાય છે. ભોગવાદમાં ભુરાંટા થયેલા લોકો સમગ્ર માનવ જીવનને રફે દફે કરી રહ્યા છે. આર્યદેશની ધરતી ઉપર અત્યારે પશ્વિમનાં આંધળા અનુકરણે હાહાકાર મચાવ્યો છે. યુવાપેઢી આખી સંસ્કારોથી વિમુખ થઈ રહી છે. સંસ્કૃતિ અને સદાચાર જાણે કે વેન્ટીલેટર ઉપર હોય તેવું લાગે છે. સત્ત્વ અને સમર્પણનું સરિયામ દેવાળું ફૂંકાયું છે. શાંતિ, સમતા, સમાધિ, સ્વસ્થતા અને પ્રસન્નતા સંયમજીવન સિવાય શક્ય નથી.

સંસાર તો સમસ્યાઓનો સમંદર છે. જેમાં ખારાશ જ રહેવાની. મીઠાસ પ્રાપ્ત કરવી હોય તો સંયમ સ્વીકાર જરૂરી છે. સંયમ પર્વોત્સવ નિમિત્તે સકલ સંઘે પૂજ્યશ્રીને શુભેચ્છા પાઠવી હતી. લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીએ સકલ સંઘને આર્શીવાદ પાઠવીને કહ્યું હતું કે, ત્રિકમનગર જૈન સંઘ માટે ગમે ત્યારે કોઈ પણ કાર્ય હશે તો મારો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે. માનવતાના પૂજારી શ્રી વજુભાઈ પારેખ તથા કુ. વિભાબેન પારેખ માટે પૂજ્યશ્રીએ સરાહના કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button