ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ
નીતિ આયોગના ઉચ્ચ અધિકારીએ નીતિ આયોગના સીઇઓ તથા અન્ય મેમ્બરોને લેખિતમાં ડેટા સાથે રજૂઆત કરવા સૂચન કર્યું
સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નીતિ આયોગના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે, ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે કેન્દ્ર સરકારની કોઇપણ નવી સ્કીમ ન હોવાને કારણે વૈશ્વિક સ્તરે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ઉદ્ભવેલી વિકટ પરિસ્થિતિઓ તથા તેના કારણે ઉદ્યોગના વિકાસમાં ઉભી થયેલી અડચણ અંગે તેઓને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. હાલમાં ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ખાસ કરીને MMF યાર્ન જેમાં સ્પેશ્યાલિટી યાર્ન અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલના યાર્ન ઉપલબ્ધ ન હોવાને કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેનાથી તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી અને ડેપ્યુટી સેક્રેટરી શ્રી પૌલિક દેસાઇએ સોમવાર, તા. ૧૩ મે, ર૦ર૪ના રોજ નવી દિલ્હી ખાતે નીતિ આયોગના ઉચ્ચ અધિકારી સાથે મિટીંગ કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત સાંભળી નીતિ આયોગના આ ઉચ્ચ અધિકારી પણ ચોંકી ગયા હતા. તેમણે આ અંગે તાત્કાલિક નીતિ આયોગના સીઇઓ તથા અન્ય મેમ્બરોને ડેટા સાથે લેખિતમાં રજૂઆત કરવા સૂચન કર્યું હતું, જેથી કરીને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિને દૂર કરી શકાય તેમજ તેના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. નીતિ આયોગના આ ઉચ્ચ અધિકારી સાથે વર્ષ ર૦૪૭ના વિકસિત સુરત અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.