નેશનલબિઝનેસ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ‘યંગ ઈન્ડિયા’ માટે ₹.100 કરોડનું દાન કર્યુ!

યુવાધનને કૌશલ્ય આધારિત શિક્ષણ માટે નવી યુનિવર્સિટીની સ્થપાશે

અમદાવાદ : અદાણી ગ્રૂપ દેશના યુવાધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણ વિકસાવવા પ્રયત્નશીલ છે. કૌશલ્ય આધારિત સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના માટે અદાણી ગ્રુપે ₹.100 કરોડ રૂપિયાની માતબર રકમનું દાન આપ્યું છે. તેલંગાણા સરકાર ટૂંક સમયમાં યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવા જઈ રહી છે. અદાણી ફાઉન્ડેશન આ યુનિવર્સિટીની સ્થાપનામાં મદદ કરવા આગળ આવ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને ₹.100 કરોડ રૂપિયાનો ચેક સુપરત કર્યો હતો.

ગૌતમ અદાણીએ તેલંગાણામાં ‘યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી’ માટે ₹.100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. નવી સ્કીલ યુનિવર્સિટી પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ પર ચાલશે. જેમાં તાલીમાર્થીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો સમકક્ષ અભ્યાસક્રમો અને તાલીમ આપવામાં આવશે. ગૌતમ અદાણીએ તેલંગાણામાં યુવાનોના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ માટે રાજ્ય સરકારની પહેલને સમર્થન અને સહકાર આપવાનું વચન આપ્યું છે.
તેલંગાણા એસેમ્બલીએ અગાઉ રાજ્યમાં યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી-તેલંગાણાની સ્થાપના માટે એક બિલ પસાર કર્યું છે. મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીએ કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અંગ્રેજી સામયિક ‘યંગ ઈન્ડિયા’ શરૂ કર્યું હતું. ગાંધીજી થકી પ્રેરણા લઈને, તેલંગાણા સરકારે યુનિવર્સિટીનું નામ ‘યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી’ રાખ્યું છે. તે એક જાહેર ખાનગી ભાગીદારી એટલે કે તે PPP મોડલ પર ચલાવવામાં આવશે.”
યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીમાં ઉદ્યોગોના સહયોગથી BFSI, ફાર્મા અને બાયોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રિટેલ અને ઈ-કોમર્સ જેવા કેટલાય ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ઉલ્લખનીય છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અભૂતપુર્વ કામગીરી થઈ રહી છે. સંપૂર્ણ ભારતમાં 3૦૦ થી વધુ શાળાઓમાં 5૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના જીવનને તે શિક્ષણની જ્યોતથી પ્રકાશિત કરી રહ્યું છે. એટલું જ નહી, યુવાધનને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે (ASDC) અત્યાર સુધી દોઢ લાખથી વધુ યુવાધનને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી છે જ્યારે 65,000થી વધુ લોકોને રોજગારી અપાવી સક્ષમ બનાવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button