ચેમ્બરના પ્રતિનિધી મંડળની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ અંતર્ગત સુમુલ ડેરીના મેગા આઇસ્ક્રીમ પ્લાન્ટ તેમજ બેકરી પ્લાન્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ
આઇસ્ક્રીમ તેમજ બેકરી પ્રોડકટને બનાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી મેળવી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાના નેજા હેઠળ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ બિઝનેસ ટુર કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલા સહિત ચેમ્બરના પ૦ જણાના પ્રતિનિધી મંડળે શનિવાર, તા. ૧૧ જૂન, ર૦રર ના રોજ સુમુલ ડેરીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી.
ચેમ્બરના પ્રતિનિધી મંડળે સૌપ્રથમ નવી પારડી ખાતે આવેલા સુમુલ ડેરીના મેગા આઇસ્ક્રીમ પ્લાન્ટની વિઝીટ કરી હતી. જ્યાં સુમુલ ડેરીના આસિસ્ટન્ટ માર્કેટીંગ મેનેજર મનિષ ભટ્ટ દ્વારા પ્રેઝન્ટેશન થકી માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડ એટલે કે સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ તાપી જિલ્લાના વિવિધ ગામોમાંથી દુધ મેળવે છે અને પ્રોસેસ કરીને તેનું વિતરણ કરવાનું કાર્ય કરે છે.
હાલમાં જ સુમુલ ડેરીએ મેગા આઇસ્ક્રીમ પ્લાન્ટ નાંખ્યો છે. જ્યાં અદ્યતન મશીનરીઓની મદદથી એક દિવસમાં ૧૮ ટન આઇસ્ક્રીમ બનાવી શકાય છે. જો કે, હાલ તેઓ દરરોજ ૪ ટન આઇસ્ક્રીમ બનાવી રહયા છે. આઇસ્ક્રીમ બનાવવાની દરેક પ્રોસેસ વિશે તેમણે માહિતી મેળવી હતી.
ચેમ્બરના પ્રતિનિધી મંડળે સુમુલ ડેરીના બેકરી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં બનતી વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ખારી, પફ પેસ્ટ્રી, જીરા માખણીયા, બિસ્કીટ, સ્પેશિયલ નાનખટાઇ, ઇલાયચી મિલ્ક ટોસ્ટ, વિવિધ પ્રકારની કુકીઝ, ખાખરા, ભાઠા કની અને મિકસ ફરસાણ બનાવવાની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી.