સુરત

આજે તા.૧૩મીએ શહીદોની સ્મૃત્તિમાં લિંબાયતના નિલગીરી મેદાન ખાતે ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાશે

પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવે સહિતના ૧૫૦ જેટલા કલાકારો શહીદોની અમરગાથા સંગીતમય શૈલીમાં રજૂ કરશે

સુરત:સોમવાર: રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે આજે તા.૧૩મીએ લિંબાયતના નિલગીરી મેદાન ખાતે રાત્રે ૮.૦૦ કલાકે દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતની ઝાંખી કરાવતો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાશે. મલ્ટીમીડિયા શૉ થકી વિખ્યાત સાહિત્યકારશ્રી સાંઈરામ દવે સહિતના ૧૫૦ જેટલા કલાકારો વતનના વિસરાયેલા વીરોની ગાથા રજૂ કરશે. તા.૧૪મી જૂને રાત્રે ૮.૦૦ કલાકે સરસાણા કન્વેન્શન સેન્ટરમાં પણ ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાશે.

               ‘વીરાંજલિ’ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું કે, દેશ માટે ફાંસીના તખ્તા પર ચડી જનારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવન-કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં શ્રી સાંઈરામ દવેએ લખ્યું છે, અને અભિનય પણ કર્યો છે. કાર્યક્રમમાં પ્રવેશ તદ્દન નિ:શુલ્ક છે. નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના અને સંસ્કારો ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વીર ક્રાંતિવીરોની અજાણી અને દિલધડક વાતો માણવા માટે વીરાંજલિ કાર્યક્રમ નિહાળવા શહેર-જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર વતી કલેકટરશ્રીએ નિમંત્રણ પાઠવ્યું હતું. 

              ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટિલે વિરાંજલિ કાર્યક્રમો રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રેરણાસ્ત્રોત બનશે એમ જણાવી માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાના આ કાર્યક્રમનો લ્હાવો લેવા સૌને અનુરોધ કર્યો હતો.

               પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે, ‘વીરાંજલિ’ કાર્યક્રમ મ્યુઝિકલ ડ્રામા નહીં, પણ વતનપ્રેમની વેક્સિનનો બુસ્ટર ડૉઝ છે. ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે દેશસેવા માટે જવાબદારીનું જ્ઞાન પીરસશે. આ માત્ર નાટક નથી, પરંતુ એક અનુભવ છે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હ્રદયથી ભીંજવે અને નવયુવાનને રાષ્ટ્રભક્તિની સાચી દિશા ચીંધે છે એમ જણાવી અત્યાધુનિક ટેક્નોલોજી, મલ્ટીમીડિયા, લાઈટ અને સાઉન્ડના સમન્વયથી યુવાપેઢીને પ્રેરણા આપે તેવી ભવ્ય રજૂઆત થકી દેશભક્તિની ભાવના જાગૃત કરતા આ કાર્યક્રમને નિહાળવા સુરતના સૌ આબાલવૃદ્ધ, પ્રબુદ્ધ શહેરીજનોને નિમંત્રણ પાઠવ્યું હતું.

             આ વેળાએ નાટકના દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત શહેર)શ્રી દિનેશ કદમ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત ગ્રામ્ય)  વિરલ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button