સુરત

કામરેજ તાલુકાના વલથાણ ખાતે ભારતના સૌપ્રથમ ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો પ્રારંભ

જનભાગીદારીથી ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનોનું નિર્માણ દેશના વાહનક્ષેત્રમાં ખૂબ મહત્વના પરિવર્તનની શરૂઆત: ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી

સુરતઃશનિવાર: કામરેજ તાલુકાના વલથાણ ખાતે ને.હા.-૪૮, કામરેજ-કડોદરા રોડ પર રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા PPP ધોરણે નવનિર્મિત ભારતના સૌપ્રથમ ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનને ગૃહ, રમતગમત અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ખુલ્લું મૂક્યું હતું.

આ પ્રસંગે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જનભાગીદારીથી ઓટોમેટિક વેહિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનોનું નિર્માણ દેશના વાહનક્ષેત્રમાં ખુબ મહત્વના પરિવર્તનની શરૂઆત છે. કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસી અંતર્ગત એક વર્ષ અગાઉ દેશમાં સર્વપ્રથમ ગુજરાત સરકારે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલિસી બનાવીને ફિટનેસ સ્ટેશન અને સ્ક્રેપ યાર્ડની પ્રાથમિક મંજૂરી આપી હતી. રાજ્ય સરકારના સહયોગથી બીએનડી એનર્જી કંપની દ્વારા નિર્મિત આ ટેસ્ટીંગ સ્ટેશનથી હવે વાહનોનું ઝડપભેર, યોગ્ય અને સચોટ ફિટનેસ ટેસ્ટીંગ થઈ શકશે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે વાહનોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં રાજ્યમાં ૨.૨૧ કરોડ વાહન નોંધાયા છે. વાહન લાયસન્સો અને વાહન સંબંધિત અનેક વ્યવસ્થાઓ હવે ફિઝીકલને બદલે ઓનલાઈ મોડથી કરવા રાજ્ય સરકાર ઝડપભેર આગળ વધી રહી છે.

મંત્રી વધુમાં કહ્યું કે, પ્રાઈવેટ અને કોમર્શિયલ વાહનો માલસામાનના વહન સાથે જોડાયેલા છે, ત્યારે વાહનની ફિટસનેસ ટેસ્ટ સુયોગ્ય રીતે ન થાય તો તે ચાલક માટે તો જોખમી જ છે, વાહનચાલકની જાનહાનિ થાય તો સમગ્ર પરિવારનું ભવિષ્ય અંધકારમય બનવા પામે છે. એટલે જ રાજ્ય સરકાર વાહનોની સાથે ચાલકો અને તેમના પરિવારજનોની સુરક્ષા માટે કાળજી લઈ રહી છે.

 પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા જણાવ્યું હતું કે, માનવ શરીર, મનની ફિટનેસની માફક વાહનનું ફિટનેસ ચેકિંગ પણ યોગ્ય સમયે કરવું જરૂરી છે. કારણ કે જ્યારે બસ, ટ્રક જેવા  વાહન અકસ્માતગ્રસ્ત બને છે ત્યારે તેમાં બેઠેલા ૫૦ લોકોનો જીવ જોખમમાં મૂકાય છે. વાહનોના નિયમો, ગતિ, ટેસ્ટિંગ, બ્રેક સિસ્ટમ દ્વારા વાહનની કેપેસિટી નક્કી થતી હોય છે, નિયત કેપેસિટી ન ધરાવતા વાહનો અકસ્માત નોતરે છે એમ જણાવી વાહનનું ફિટનેસ યોગ્ય સમયે કરાવીશું તો અકસ્માત થતા અટકશે, સાથોસાથ તમામ નાગરિકોએ સરકારના નિયમોનું પાલન અવશ્ય કરવાની ટકોર કરી હતી.  

નોંધનીય છે કે, રાજ્યમાં BND કંપની દ્વારા ૨૦ જેટલા ફિટનેસ સ્ટેશન સ્થાપવાનો લક્ષ્યાંક છે. જેના ભાગરૂપે જુલાઈ ૨૦૨૩ સુધીમાં ૨૦ ફિટનેસ સ્ટેશન કાર્યરત થઈ જશે. આ કંપની દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં ૮૦ સહિત કુલ ૧૦૦ ફિટનેસ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશભાઈ મોદી, સંદિપભાઈ દેસાઈ, કિશોરભાઈ કાનાણી, મનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાવાડીયા, – (ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના OSD શ્રી હર્ષદ વોરા, બીએનડી એનર્જી પ્રા. લિ.ના મેનેજીંગ ડિરેક્ટર ભાવેશ દેસાઈ, જનરલ મેનેજર વિનય ટેલર ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button