લાઈફસ્ટાઇલસુરત

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે: ડો.વિકાસબેન દેસાઈ

નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હીટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર યોજાયો

સુરતઃ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લૂ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હીટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ.

વધુમાં ડો.દેસાઈએ કહ્યું કે, દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશનમાં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા વધુ પડતા સોફ્ટ ડ્રિંકસ, ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો. ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button