સુરત – વેસુમાં આગમોધ્ધારક ધાનેરા ભવનમાં ઉછામણી યોજાઈ
સુરતના ધર્મથી ધમધમતા વેસુ વિસ્તારમાં નૂતન નિર્માણ પામી રહેલા વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. તપા. જૈન સંઘ દ્વારા શ્રી આગમોધ્ધારક ધાનેરા આરાધના ભવનમાં પ. પૂ. આ. ભ. શ્રી અશોકસાગરસૂરિ મહારાજા તથા પ. પૂ. આ. ભ. શ્રી સાગરચંદ્રસાગર સૂરિ મ.સા.ની નિશ્રામાં આરાધના ભવનની બોલીનો શુભારંભ થયો હતો.
આ પ્રસંગે સુરતના તેમજ મુંબઈના દાનવીર શ્રેષ્ઠીઓ પધાર્યા હતા જેમાં સૌ પ્રથમ વેસુ સંઘના ટ્રસ્ટી શ્રીઓ અને જે. બી. શાહ, વી. સી., ચંદ્રકાંતભાઈ સંઘવી જેવા અનેક શ્રેષ્ઠીવર્યોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજ્યશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ આરાધના ભવન દ્વારા આજુબાજુમાં વસતા લગભગ 1500 જેટલા ઘરના શ્રાવક શ્રાવિકાઓ માટે આરાધનાનું કેન્દ્ર બની રહેશે. દર વર્ષે ચાતુર્માસ માટે સમર્થ આચાર્ય ભગવંતો પધારશે આરાધના, સાધના કરશે કરાવશે તેનું જબરદસ્ત પુણ્ય આ બોલી બોલનારને મળશે.
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી સુરેશ ડી. શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તરસ લાગી હોય ત્યારે પાણીનો ભાવ ન પૂછાય પાણી પીવું જ પડે તેમ બોલી લેવાની તરસ લાગી હોય તો કિંમત ન જોવાય. આ અમૂલ્ય લાભ લઇ લેવો જોઈએ.
આ પ્રસંગે ધાનેરા નિવાસી દીનાબેન કનૈયાલાલ અજબાની પરિવાર દ્વારા પ્રવચન હોલનો લાભ, મુખ્ય વિંગનો લાભ બાબુલાલ પુનમચંદ વિઠોડાવાળા પરિવાર બીજી મુખ્ય વિંગનો લાભ સુભદ્રાબેન દેવચંદ ગોધાણી પરિવાર – રાનેરવાળા તેમજ ત્રીજી વિંગનો લાભ કમળાબેન ઉત્તમચંદ ધાનેરાવાળા પરિવારે લીધો હતો તેમજ બીજા અન્ય લાભો અનેક ગુરુભક્તો દ્વારા લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે હજારો ભક્તો પધાર્યા હતા.