જીઆઇડીસીમાં ઇમ્પેકટ ફીનો કાયદો લાગુ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાંચ દિવસ પહેલાં જ યોજાયેલી મિટીંગમાં ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરાઇ હતી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગત ૭ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તેમજ જીઆઇડીસીના વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર ડો. રાહુલ ગુપ્તાની સાથે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોનો સંવાદ યોજાયો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ મિટીંગમાં તેમણે ઉદ્યોગોના હિત માટે જીઆઇડીસીમાં ઇમ્પેકટ ફીનો કાયદો લાગુ કરીને અનધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે રજૂઆત કરી હતી. આવું કરવાથી સુરતના હજારો એકમોને લાભ થશે અને ઉદ્યોગો ઝડપી વિકાસ થઇ શકશે. દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ પણ વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં મુખ્યત્વે જીઆઇડીસીમાં ઇમ્પેકટ ફીનો કાયદો લાગુ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મિટીંગ દરમ્યાન વિવિધ ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો – પ્રતિનિધીઓ અને ઉદ્યોગકારોને મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ માટે બાંયધરી આપી હતી. સાથે જ રાજ્યના ઉદ્યોગકારોને ઉદ્યોગલક્ષી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેમજ તેઓના પ્રશ્નોના હકારાત્મક દિશામાં નિવારણ આવે તે માટે તત્પરતા દર્શાવી હતી. દરમ્યાન મિટીંગના પાંચ દિવસમાં જ ગુજરાત સરકારે ગઇકાલે જીઆઇડીસીમાં આવેલા અનધિકૃત બાંધકામને ઇમ્પેકટ ફી ભરીને અધિકૃત કરવા સકર્યુલર બહાર પાડયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગોના હિત માટે જીઆઇડીસીમાં ઇમ્પેકટ ફીનો કાયદો લાગુ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ મંત્રીને અવારનવાર રજૂઆતો કરાઇ હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી સુરતમાં સચિન, પાંડેસરા, ભાટપોર, ઇચ્છાપોર, પાંડેસરા અને કતારગામ જીઆઇડીસીમાં ઔદ્યોગિક એકમો સ્થાપનારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગકારોને આનો સીધો લાભ થશે.
ઉદ્યોગોના હિતમાં ઉપરોકત નિર્ણય બદલ તેમણે દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગો વતિ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત, ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જીઆઇડીસીના વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર ડો. રાહુલ ગુપ્તાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.