જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે – પદ્મદર્શનસૂરિજી મહારાજ

વેસુ સ્થિત શિવકાર્તિક એપાર્ટમેન્ટના ગૃહ જિનાલયે શાંતિધારા અભિષેક પ્રસંગે જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં અનન્ય શ્રદ્ધા પૂર્વક ધર્મનું સ્વીકારો તો તમામ આફતોમાંથી છૂટકારો મળે છે. આજે માણસને માર્કેટમાંથી બધું ‘બ્રાન્ડેડ’જ જોઈએ છે. જેવું તેવું નબળું ચાલતું નબળું ચાલતું નથી. જીવનને પણ ‘બ્રાન્ડેડ’ બનાવવું જોઈએ. જીવનનાં ક્ષેત્રે દોષોનું દહન કરવું જરૂરી છે. ધનપ્રાપ્તિ માટે માણસ જેટલા પ્રયાસો કરે છે એટલા પ્રયત્નો ગુણપ્રાપ્તિ માટે કરે તો જીવન નંદનવન બની જાય. જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં સારું વધુ દેખાય છે કે નબળું ? એ પહેલાં નક્કી કરો. જો સારું જોવાની ટેવ હશે તો તમે સારા બનશો પણ જો ખરાબ જોવાની ટેવ હશે તો તમે ખરાબ બન્યા વિના નહીં રહો. ધર્મ એટલે ઉપયોગ દશા.

દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જેવી તમારી દ્રષ્ટિ હશે તેવી તમને સૃષ્ટિ દેખાશે. દુર્જન વ્યક્તિ જ્યાં પણ જશે ત્યાં એને બધું ખરાબ દેખાશે. સજ્જન વ્યક્તિ ખરાબ જગ્યાએ જશે તો પણ એમાંથી સારું શોધી કાઢશે. હંસ દૂધ-પાણી મિક્સ હશે તો પણ એ માત્ર દૂધ જ પીશે કારણકે એની ચાંચની વિશેષતા છે. આપણે કેમ આવું ન કરી શકીએ ? કોયલ જ્યાં પણ જાય ત્યાં પ્રશંસા પામે છે અને કાગડો જ્યાં પણ જ્યાં ત્યાં પત્થર જ ખાવા પડે છે. સમાજમાં બંને જાતના લોકો હોય છે. ગુણદ્રષ્ટિવાળા લોકો સમાજમાં જ નહીં પણ સર્વત્ર જનપ્રિય બને છે. દોષદ્રષ્ટિવાળા લોકોની સાથે વાર્તાલાપ કરવા માટે પણ કોઈ તૈયાર થતું નથી.
ઉચ્ચ પ્રકાશના પંથે પહોંચવા દ્રષ્ટિપરિવર્તન આવશ્યક છે. જીવનનાં પ્રત્યેક ક્ષેત્રે બદલાવ લાવવાની જરૂર છે. પશ્ચિમનાં ઝંઝાવાતી પવનોએ આર્યદેશની ભાષા, પહેરવેશ, નમ્રતા, પ્રેમ, મૈત્રી વગેરે સિદ્ધાંતોનો છેદ ઉડાડી દીધો છે. ઘડીયાળના કાંટા જે રીતે દોડી રહ્યા છે એ રીતે માણસ દોડી રહ્યો છે. આ ગલત દોડે જીવનમાં જ નુકશાન કર્યું છે એટલું જ નહીં ભારતીય સંસ્કૃતિનાં ફના-ફાતિયા ઊડાડી દીધા છે. જો હવે નહીં અટકશો તો ખરાબ પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે.



