પુત્રવધુએ સાસુમાનાં અગ્નિસંસ્કાર કર્યા તો દેરાણીએ જેઠાણીને લિવરનું દાન કર્યુ
સવાણી પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિની અનોખી પહેલ
સુરત: સાસુ-વહુ, દેરાણી-જેઠાણી આ સંબધો યાદ કરો એટલે મોટાભાગે દ્વેષ, કલેશ અને કકળાટનો કર્કશ ધ્વનિ સાંભળવા મળે. પણ દરેક જગ્યાએ આ વાત સાચી નથી પડતી. સુરતના સેવા અને સામાજિક ક્રાંતિમાં અગ્રેસર રહેતા સવાણી પરિવારે આ બંને સંબંધોમાં એક નવો જ આયામ રચ્યો છે. સામાજીક પ્રસંગોમાં સમાજને નવી રાહ ચીંધતો પરિવાર દુઃખદ ઘડીએ પણ સમાજને નવી રાહ ચીંધવાનું ભૂલ્યો નથી.
ઘટના કંઈક આવી છે, સવાણી પરિવારના માવજીભાઈ સવાણી (એલ. પી. સવાણી ગ્રુપ) ના ધર્મપત્ની શ્રીમતી વસનબેન સવાણીનું તા- 24મી જૂન જેઠ વદ અગિયારસ ને શુક્રવાર અવસાન થયુ હતું. આમ તો સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે પુત્રને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે સામાજિક પરિવર્તનના પવનના કારણે હવે ઘણીવાર દીકરીઓ પણ અગ્નિસંસ્કાર કરતી જોવા મળે છે. પરંતુ ક્યારેય કોઈ પુત્રવધુએ સાસુના અગ્નિસંસ્કાર કર્યા હોય એવું સાંભળ્યું છે? આ કલ્પનાતીત વાત સવાણી પરિવારમાં હકીકત બની છે.
સ્વ. શ્રીમતી વસનબેન માવજીભાઈ સવાણીની છેલ્લા ઘણા દિવસોથી અવિરત સેવા કરનાર તેમની પુત્રવધુ પૂર્વી ધર્મેન્દ્રભાઈ સવાણી છેક સ્મશાન સુધી પહોંચ્યા હતા અને ત્યાં સાસુમાની તમામ વિધીમાં પુત્ર સમાન ભાગ લીધો હતો અને અગ્નિદાહ પણ આપ્યો હતો. સાસુમાને અગ્નિદાહ આપતી વેળા પૂર્વીબેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા હતા. સવાણી પરિવારે પુત્રવધુને પુત્રનો હક આપીને સામાજિક ક્રાંતિની મિસાલ કાયમ કરી છે. માત્ર વાત નહિ પણ વર્તન દ્વારા આવા સદવિચારોના ભેખધારી સવાણી પરિવાર લોહીના સંબંધ નથી એ પણ નિભાવી જાણે છે. વાત અહીં પુરી નથી થતી.
વસનબેનના મૃત્યુના થોડા સમય અગાઉ ભૂતકાળમાં જઈએ તો વસનબેન માવજીભાઈ સવાણીનું “લીવર” ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોવાથી ઘણા સમયથી અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી. ત્યારે દ્વેષ અને વેરના સંબંધમાં અવ્વલ કહેવાતા દેરાણી જેઠાણીના સંબંધનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું. જેઠાણી વસનબેનનો જીવ બચવવા માટે તેમના દેરાણી શોભાબેન હિમ્મતભાઈ સવાણીએ તેમનું પેટ ચીરીને તેમનો જીવ જોખમમાં મૂકીને “લીવર”નું દાન કર્યું હતું. ડોક્ટરો તથા પરિવારના તમામ લોકો યથાગ પ્રયત્ન કર્યા પરંતુ આપણે જાણીએ છીએ કે ઈશ્વરની શક્તિ સામે આપણું ધાર્યું થતું નથી.
પરંતુ આ ઘટના સમાજમાં દેરાણી-જેઠાણીના નવા અને મીઠા સંબધો સ્થપિત કરી ગઈ. બીજી મહત્વની વાત એ પણ છે કે વસનબેનના અગ્નિસંસ્કારમાં લાકડાની જગ્યાએ ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરી પર્યાવરણનું પણ જતન કરાયું હતું.આમ તો ઘણા વર્ષોથી સવાણી પરિવાર શૈક્ષણિક, હોસ્પિટલ તેમજ સામાજીક કાર્યોમાં અગ્રેસર રહેતા આવ્યા છે. એલ.પી.સવાણી ગ્રુપ, પી.પી.સવાણી ગ્રુપ જેવી અનેક સંસ્થાઓ થકી આજે પણ સવાણી પરિવાર સામજિક કાર્યો કરે છે.
સવાણી પરિવારના પૂર્વજો થકી આવનાર નવી પેઢીમાં પણ આવા સંસ્કરોનું સિંચન અવિરત પણે થઇ રહ્યું છે.
ધર્મેન્દ્રભાઈ માવજીભાઈ સવાણીએ જણાવ્યું હતું કે તેમના માતા વસનબેન સવાણી ને “લીવર” મેળવવા માટે જે મુશ્કેલી પડી હતી તે સમાજના લોકો માટે મુશ્કેલી કેમ હલ કરી શકાય તેની પહેલ હાથ ધરવા વધુ પ્રયત્ન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરશે.