બિઝનેસસુરત

મને ર૮ લાખ મહિલાઓની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે ત્યારે તેઓને રોજગાર અપાવવાનું મારું લક્ષ્ય છે : રૂમા દેવી

સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં આખા દિવસની ‘વુમન આંત્રપ્રિન્યોર કોન્કલેવ’ યોજાઇ

સુરત. ભારતીય મહિલા સાહસિકોની સ્પીરિટને અન્ય મહિલાઓ સમક્ષ મૂકી શકાય અને તેમનાથી પ્રેરણા લઇને અન્ય મહિલાઓ પણ ઉદ્યોગમાં સાહસિકતા કરી શકે તે હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર્સ સેલ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરત સાથે મળીને બુધવાર, તા. ર૧ ડિસેમ્બર, ર૦રર ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન આખા દિવસ માટે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘વુમન આંત્રપ્રિન્યોર કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે રાજસ્થાનના રૂમા દેવી (ટ્રેડિશનલ હેન્ડીક્રાફટ મેન્યુફેકચરીંગ બિઝનેસમાં શ્રેષ્ઠતા ધરાવનાર તથા ફેશન ડિઝાઇનર, સોશિયલ વર્કર અને મોટીવેટર), તામિલનાડુના કલકી સુબ્રમણ્યમ (એવોર્ડ વિજેતા ભારતીય ટ્રાન્સજેન્ડર કલાકાર, એકટીવિસ્ટ, કવિયત્રી અને અભિનેત્રી), મહારાષ્ટ્રની અભિનેત્રી ખુશી શાહ, ગુજરાતના હેપ્પી માઇન્ડના ડાયરેકટર એન્ડ ચીફ મેન્ટર શ્વેતા મર્ચન્ટ ગાંધી અને ગુજરાતના ઓથર એન્ડ કોલમિસ્ટ એશા દાદાવાલાએ મહિલા સાહસિકો તથા વિદ્યાર્થીનિઓને જીવનમાં સશકિત થવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કોન્કલેવમાં સર્વેને આવકારી જણાવ્યું હતું કે, નારી એટલે ભવિષ્ય નિર્માતા. નારી એ પોતાની ઇચ્છા શકિતથી સફળતાનો આયામ લખે છે. એ જીવનમાં કઇ કરવાનું ધારી લે તો એને કોઇ જ અટકાવી કે રોકી શકતું નથી. એ વિપરિત પરિસ્થિતિનો સામનો કરી સફળતા અને એક ઊંચાઇ હાંસલ કરી લે છે.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ અલગથી પોતાનું અસ્તીત્વ બનાવવા માટે પ્રયાસ કરતી રહે છે. સ્ત્રી એકવાર નકકી કરે તો એ કામ પૂર્ણ કરીને જ રહે છે. એક જીવમાંથી બીજા જીવને ઉત્પન્ન કરવાની તાકાત માત્ર સ્ત્રીમાં જ છે. સમાજે હવે વિચાર બદલવા પડશે. કારણ કે, મહિલાઓ હવે બધું જ કરી શકે છે. રાજકારણમાં ઝંપલાવ્યા બાદ વિવિધ મહિલાઓને મળવાનું થતું હોવાથી તેમની પાસેથી ઘણું નવું નવું શીખવા મળે છે. પુરુષોએ મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ અને ચેમ્બર ઓફ કોમર્સમાં આ એકટીવિટી ખૂબ જ સારી રીતે થાય છે તેનો આનંદ છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ. ડી. લાદાણીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સુક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગકારોને બિઝનેસમાં આગળ વધવા માટે કરવામાં આવતી સહાય વિષે માહિતી આપી હતી.

મુખ્ય વકતા રાજસ્થાનના રૂમા દેવીએ જણાવ્યું હતું કે, સુઇ ધાગા હાથમાં લઇને એમ્બ્રોઇડરી વર્ક કરવાની શરૂઆત કરી હતી પણ મશીન ન હોવાને કારણે હિંમત તુટી જતી હતી. ગામમાં અન્ય મહિલાઓની પણ આવી જ પરિસ્થિતિ હતી. આથી પહેલા આડોશ–પાડોશની દસ મહિલાઓને ભેગી કરી અને રૂપિયા ૧૦૦ – ૧૦૦ ઉઘરાવી સેકન્ડ હેન્ડ મશીન ખરીદીને કામની શરૂઆત કરી હતી. જ્યારે પ્રથમ ઓર્ડર હાથમાં લીધો ત્યારે ત્રણ દિવસનું કામ એક રાતમાં પૂર્ણ કરી દીધું હતું. એકઝીબીશન વિષે સાંભળ્યું તો નવી દિલ્હી ખાતે એકઝીબીશનમાં પોતાની પ્રોડકટ મુકી ત્યારે રૂપિયા ૧૦ હજારની આવક થઇ હતી. બીજા એકઝીબીશનમાં જ્યારે પાર્ટીસિપેટ કર્યું ત્યારે રૂપિયા ૧૦ હજાર નહીં પણ રૂપિયા ૧૧ લાખની આવક થઇ હતી. ત્યારબાદ જર્મનીમાં પણ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કર્યું હતું.

જીવનમાં આગળ વધવાની હિંમત વધી તો આખા ગામની મહિલાઓને એકત્રિત કરી તેઓના પરિવારજનોને સમજણ આપી અને તેઓને પણ કામની ફાળવણી કરી હતી. આવી રીતે અત્યાર સુધી રપ૦ ગામની ૩૦ હજાર જેટલી મહિલાઓને સશકત કરી પગભર બનાવી છે. જ્યારે પોતે એક મશીન લઇ શકતા ન હતા ત્યારે આજે તેમણે ૩પ૦૦ મશીનો વિનામૂલ્યે મહિલાઓને વિતરીત કર્યા હતા. આ મહિલાઓ આજે પરિવારની આર્થિક જવાબદારી નિભાવી રહી છે અને બાળકોને સારુ શિક્ષણ આપી રહી છે. અત્યારે તેઓની સાથે દેશભરમાંથી ર૮ લાખ મહિલાઓ જોડાઇ છે. હેરીટેજ ફેશન શોમાં ભાગ લઇને તેમણે પોતાની પ્રોડકટ ફેશન ડિઝાઇનર તરીકે પણ રજૂ કરી હતી.

મહિલાઓને રોજગાર મળી રહે તે માટે તો તેઓ કામ કરી જ રહયા છે પણ હવે તેઓ એજ્યુકેશન, સ્પોટર્‌સ જેવી એકટીવિટીમાં પણ વિદ્યાર્થીનિઓ આગળ વધે તે માટે રાજસ્થાનના બાડમેરમાં પ્રયાસ કરી રહી છે. બાડમેરના એક ગામને તેઓ સ્માર્ટ વિલેજ તરીકે ડેવલપ કરવા પ્રયાસ કરી રહયા છે. સાથે જ સ્પોર્ટ્‌સ એકટીવિટીમાં બાળકીઓ ભાગ લઇ શકે તે માટે તેઓને પ્રેકટીસ કરવા માટે રૂપિયા ૧પ કરોડના ખર્ચે વર્લ્ડ કલાસ સ્ટેડીયમ પણ બનાવી રહયા છે. તેમણે સુરતની ફેશન ડિઝાઇનર શીખી રહેલી વિદ્યાર્થીનિઓને રાજસ્થાન તેમના ગામ આવીને હેન્ડલુમ એમ્બ્રોઇડરી શીખવાનું તથા ત્યાંની મહિલાઓને તેઓની સ્કીલ શીખવવા માટે આમંત્રણ આપ્યું હતું.

તેમણે વધુમાં કહયું હતું કે, જીવનમાં જે પણ તકલીફ આવે છે એ સારું શીખવી જાય છે. આથી જીવનમાં હંમેશા પોઝીટીવ રહેવું જોઇએ. આપણે સારું કરી રહયા છે તો આગળ જઇને પણ સારું પરિણામ આવશે. જીવનમાં કાયમ પોતાના લક્ષ્ય ઉપર ખડે રહે અને અડે રહે તેમ જણાવ્યું હતું.

જીવનમાં સ્માર્ટ બનો, ટેલેન્ટેડ બનો અને મલ્ટી ટાસ્કીંગ બનો : કલકી સુબ્રમણ્યમ

તામિલનાડુના વકતા કલકી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર જાણે ક્રિમિનલ હોય એવી રીતે બ્રિટીશ સરકારે કાયદો બનાવીને તેઓની ધરપકડ કરી હતી. આજે પણ ટ્રાન્સજેન્ડર્સને તેઓનું પરિવાર સ્વીકારતું નથી. ટ્રાન્સજેન્ડર્સ જીવનમાં પગભર થઇ શકે તે માટે એજ્યુકેશન સિસ્ટમ ઉભી કરવા માટે તેઓ પ્રયાસ કરી રહયા છે. આજે તેઓ ડોકટર્સ અને વકીલ બની પગભર થઇ રહયા છે. તેમણે કહયું કે, જીવનમાં સફળતા હાંસલ કરવા માટે લેઝી નહીં પણ લર્નીંગ બનવું પડે છે. એક માઇલની યાત્રા એક પગલાંથી શરૂ થાય છે અને એના માટે શરૂઆત કરવી પડે છે. આપણી પાસે ઘણા ટુલ્સ છે. આથી જીવનમાં સ્માર્ટ બનો, ટેલેન્ટેડ બનો અને મલ્ટી ટાસ્કીંગ બનો.

કોઇ દિવસ શોર્ટકટ નહીં અપનાવો, હંમેશા મુશ્કેલીભર્યા રસ્તા પરથી પસાર થાઓ : ખુશી શાહ

નાયિકાદેવી ફેઇમ અભિનેત્રી ખુશી શાહે જણાવ્યું હતું કે, ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાંથી આગળ વધી છું. પહેલા માતા અને બાદમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પિતાની ઇચ્છા મુજબ અભિનેત્રી બનવાનું સપનું સાકાર કર્યું છે. ઇન્ડસ્ટ્રીમાં સારા અને નરસા દરેક પ્રકારની વ્યકિતઓનો સામનો કર્યો છે, પરંતુ કોઇ દિવસ શોર્ટકટ નહીં અપનાવ્યો. હંમેશા મુશ્કેલીભર્યા રસ્તા પરથી પસાર થઇ અને આજે આ મુકામ સુધી પહોંચી છું. તેમણે કહયું કે, પ્રયાસ કરનારની કયારેય હાર થતી નથી. સારા કર્મ કરશો તો ભગવાન તમારી હમેશા મદદ કરશે. મોહંમદ ઘોરીને હરાવીને વિજય મેળવનાર ગુજરાતની નાયિકાદેવીની ફિલ્મમાં તેઓએ લીડ રોલ ભજવ્યો છે.

પોતાને ગોલની સાથે જોડો અને તેને હાંસલ કરવા માટે સતત વ્યસ્ત રહો : શ્વેતા મર્ચન્ટ ગાંધી

વકતા શ્વેતા મર્ચન્ટ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્કીલની વાત હોય તો પોતાને અપસ્કીલ કરી શકાય છે પણ જીવનમાં કોઇ લક્ષ્ય નકકી કરો ત્યારે તેને મેળવવા માટે પૂરતી મહેનત કરવાની તૈયારી અને ઇચ્છા શકિત હોવી જરૂરી છે. એવું કહેવાય છે કે સ્માર્ટ વર્ક કરો પણ હાર્ડ વર્કનો કોઇ વિકલ્પ નહીં. શરૂઆતના વર્ષોમાં હાર્ડ વર્ક કરવું જ પડે છે. વીસ વર્ષ બાદ તમે સ્માર્ટ વર્ક કરો તો ચાલે. પરિવારને બધું આપવાના દોટમાં વ્યકિત ખુશ રહેવાનું ભૂલી જાય છે, આથી જીવનમાં પૈસાની બેલેન્સશીટ કરતા ખુશીઓની બેલેન્સશીટ બનાવવી જોઇએ. પોતાને ગોલની સાથે જોડો અને તેને હાંસલ કરવા માટે સતત વ્યસ્ત રહો.

*જિંદગી ઘણું શીખવતી હોય છે માત્ર આપણે શીખવાની ધગશ હોવી જોઇએ : એશા દાદાવાલા*
વકતા એશા દાદાવાલાએ જણાવ્યું હતું કે, સ્ત્રી જન્મે ત્યારથી જ આંત્રપ્રિન્યોર હોય છે. એ મલ્ટી ટાસ્કર હોય છે. સ્ત્રી હમેશા પોઝીટીવ જ રહે છે. સ્ત્રીને આગળ વધવા માટે પોતાની જાતને મળવું જોઈએ અને જાત સાથેનો સામનો કરવો પડશે. સફળ થવા માટે તમારામાં રહેલી જીદને જીવતી રાખવી પડે છે. જિંદગી ઘણું શીખવતી હોય છે માત્ર આપણે શીખવાની ધગશ હોવી જોઇએ.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ ભારતમાં નારીને દેવીનું સ્વરૂપ માની તેઓનું આદર કરવામાં આવે છે તેમ કહીને મહિલા સાહસિકોનો આભાર વ્યકત કર્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ કોન્કલેવમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ વુમન આંત્રપ્રિન્યોર સેલની માહિતી આપી સમગ્ર કોન્કલેવની રૂપરેખા આપી હતી. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય અને વિમેન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન કૃતિકા શાહે કોન્કલેવનું સમગ્ર સંચાલન કર્યું હતું. જ્યારે વુમન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતી તથા મહિલા સભ્યો રોશની ટેલર, નિમીષા પારેખ અને સંગિતા ચોકસીએ વકતાઓનો પરિચય આપ્યો હતો. મહિલા સભ્ય વનિતા રાવતે સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button