સ્પોર્ટ્સ

હરમિતે માનુષને સતત બીજી ફાઈનલમાં હરાવ્યો

હરમિતે ગત મહિને  નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2021માં ટાઈટલ પર કબજો કર્યો હતો

ગાંધીધામ : ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે આયોજીત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2021 (સેન્ટ્રલ ઝોન) હરમિત દેસાઈએ પોતાના અનુભવનો લાભ ઉઠાવતા પોતાના જ રાજ્યના માનુષ શાહને ટાઈટલ જીતથી વંચિત રાખ્યો.
હરમિતે ગત મહિને  નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2021(સાઉથ ઝોન)માં ટાઈટલ પર કબજો કર્યો હતો. તેણે સતત બીજીવાર વડોદરાના માનુષ સામે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરતા સુરતના હરમિતે પ્રથમ 2 ગેમ 11-9, 11-8થી જીતી હતી. જોકે માનુશ શાહે વળતી લડત આપતા પછીની ત્રણ ગેમ 11-8, 11-7, 11-6થી જીતી હતી.
જ્યારે સૌને લાગી રહ્યું હતું કે, આ વખતે અપસેટ સર્જાશે ત્યારે જ વિશ્વમાં 75મો ક્રમ ધરાવતા હરમિતે છઠ્ઠી ગેમમાં પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતા 11-6થી જીત મેળવી હતી. જે પછી હરમિતે સાતમી ગેમ 11-5થી જીતી સિઝનનું સતત બીજું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
બંને ગુજરાતી ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરતા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)ના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા(IAS)એ જણાવ્યું કે,‘બંને ખેલાડીઓને ટાઈટલ મેચમાં ફરી રમતા જોવું આનંદની વાત છે અને આ મેચમાં તેમનું પ્રદર્શન ખરેખર પ્રશંસનીય રહ્યું.’‘હરમિતને સતત બીજું ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવું છું. તેણે પોતાના અનુભવનો યોગ્ય ઉપયોગ કર્યો. જ્યારે માનુષ પોતાના અગાઉના પ્રદર્શન કરતા રમતમાં સુધાર કર્યો હોવાનું જોવા મળ્યું. જે તેને ભવિષ્યમાં મદદરૂપ થશે.’
હરમિત અને માનુશને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં બાય મળી હતી. જે પછી હરમિતે મહારાષ્ટ્ર‘બી’ના ચિન્મય સૌમેયાને (11-3, 11-6, 11-8, 11-2)થી, જ્યારે માનુશે પીએસપીબીના બિરડી બોરોને (11-9, 12-10, 11-6, 11-7)ને હરાવ્યો હતો.
ત્રીજા રાઉન્ડમાં હરમિતે સીઆરએસબીના પાર્થ વિરમાનીને 11-9, 11-7, 11-5, 8-11, 11-7થી હરાવ્યો હતો. જ્યારે માનુશે ઉત્તર પ્રદેશના સાર્થક સેઠને 11-7, 11-4, 8-11, 7-11, 11-3, 11-4 હરાવ્યો હતો.
પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હરમિતે દિલ્હીના આદર્શ છેત્રીને 11-5, 11-8, 11-6, 11-9, જ્યારે માનુશે મહારાષ્ટ્ર ‘એ’ના દિપિત પાટિલને 13-11, 11-8, 11-6, 11-7થી હરાવ્યો હતો. હરમિતે પોતાનો દબદબો જાળવી રાખતા ક્વાર્ટર ફાઈનલમાં આરએસપીબીના અનિર્બાન ઘોશને 11-6, 11-9, 11-7, 11-8થી માત આપી હતી. જ્યારે દિલ્હીના યશાંશ મલિકને માનુશે 16-14, 11-3, 11-7, 11-3થી માત આપી હતી.
સેમિફાઈનલમાં હરમિતે તેલંગાણાની ફિડેલ રફિક સ્નેહિત સુર્વાજ્જુલાને 8-11, 11-8, 11-8, 11-7, 11-8 થી જ્યારે માનુશે AAIના રોનિત ભાંજાને 11-9, 11-5, 11-8, 5-11, 12-10થી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button