સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં સાકાર થનાર ૦૭ નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત
નવી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ટેકનોલોજીના સંગમ સાથે જીવનલક્ષી શિક્ષણ મળશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી

સુરત મહાનગરપાલિકાના સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂ. ૩પ.૪૭ કરોડના ખર્ચે મનપાના સાઉથ ઝોન-બી (કનકપુર), લિંબાયત, વરાછા-એ અને બી તેમજ રાંદેર ઝોનમાં સાકારિત થનાર ૭ નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત સાઉથ ઝોન-બી (કનકપુર)ના પીએમશ્રી પારડી કણદે પ્રાથમિક શાળા નં.૩૬૭ ખાતેથી મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે. ઝડપભેર સાકાર થનાર નવી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ટેકનોલોજીના સંગમ સાથે જીવનલક્ષી શિક્ષણ મળશે. મનપાની શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ પર ભાર આપવાના પ્રયાસોને આવકાર્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીએ સચિનની શાળામાં છ વર્ષ સુધી અભ્યાસ કર્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.
સુરત મનપા વિકાસ કામોની વણઝાર સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું ચોથા નંબરનું શહેર છે. જે આપણું ગૌરવ છે. આવનારા ૫૦ વર્ષના વિકાસના આયોજન સાથે સૂરત આગળ વધી રહ્યું છે. ટુંક સમયમાં બુલેટ તથા મેટ્રો રેલ્વેનો લાભ શહેરીજનોને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ જળસંચયનું મહત્વ જણાવી ‘જળ છે તો જીવન છે’ અને ‘જલ હે તો કલ હે’ સૂત્રને સાકાર કરવા માટે સૌને એપાર્ટમેન્ટમાંથી, પોતાના ઘરની અગાશીઓ તથા કોર્પોરેશનના બિલ્ડીંગોમાંથી પાણી જમીનમાં ઉતારવા માટેના પ્રયત્નો કરવાનો અનુરોધ કર્યો હતો. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે માટે બાળકોને નાનપણથી સંસ્કારો આપવાનો અનુરોધ કરી તેમણે સુરત મનપાના આઇકોનિક ઓફિસની વિશેષતા તથા અન્ય વિકાસકામોની સંક્ષિપ્ત માહિતી આપી હતી.
છેલ્લા વર્ષમાં ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળાઓમાંથી પાલિકાની શાળાઓમાં એડમિશન મેળવ્યું: મેયર દક્ષેશ માવાણી
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસોથી સુરત મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે નવો મુકામ હાંસલ કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના અંદાજીત બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા વર્ષમાં ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળાઓમાંથી પાલિકાની શાળાઓમાં એડમિશન મેળવ્યું છે.
”વસુધૈવ કુટુંબકમ”ની વૈશ્વિક વિભાવનાને ચરિતાર્થ કરી દેશના વિવિધ રાજ્યમાંથી સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર લોકોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ૬ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. પાલિકાની તમામ શાળામાં સ્માર્ટ બોર્ડ સુવિધા ઉભી કરાઈ છે. આ વર્ષે ધોરણ-૧૦માં ૯૬% અને ધોરણ-૧ર માં ૯૪% રિઝલ્ટ સુમન શાળાના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યુ હોવાનુ શ્રી માવાણીએ કહ્યું હતું.
ધારાસભ્ય સંદિપભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા વિકાસના કામોમાં દેશભરમાં અગ્રેસર છે. સુરતમાં ડુમસ સી ફેસ, સુરત મહાનગરપાલિકાનું આઈકોનિક ઓફિસ બિલ્ડીંગ, તાપી રિવર ફ્રન્ટ,સુરત રેલ્વે સ્ટેશન, બુલેટ અને મેટ્રો રેલ પ્રોજેકટ જેવા કરોડોના મહત્વાકાંક્ષી વિકાસકામો ચાલી રહયા છે.
આ પ્રસંગે ડે.મેયર ડો નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, કોર્પોરેટરો, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, નગર પ્રાથમિક સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુ. સભ્યો, શિક્ષકો, શહેરીજનો સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાઉથ ઝોન-બી (કનકપુર), લિંબાયત, વરાછા-એ અને બી તેમજ રાંદેર ઝોનમાં સાકાર થશે ૭ નવી પ્રા. શાળાઓ
૧) સાઉથ ઝોન-બી (કનકપુર )માં શાળા નં.૩૬૭ પીએમશ્રી પારડી કણદે પ્રા. શાળા, પારડી કણદે-સચિન-કનસાડ, પ૦ બેડ હોસ્પિટલની બાજુમાં, ૨) લિંબાયત ઝોનમાં શાળા નં. ૧૯પ અને ૧૦ર પ્લોટ નં.૧૬ર, ટી.પી.૪૧, ખોડલકૃપા સોસાયટી, સ્વસ્તિક સ્કવેર બિલ્ડીંગ સામે, નવાગામ શાકમાર્કેટ પાસે, નવાગામ
૩) લિંબાયત ઝોનમાં શાળા નં. ૬૩ , પ્લોટ નં.૧૩પ, જ્ઞાનસાગર વિદ્યાલય પાસે, શિવ પૂજન એપાર્ટમેન્ટ અને વૃંદાવન સોસાયટી પાસે,
૪) વરાછા-એ ઝોનમાં શાળા નં. ૯૪ અને ૯૬ બોમ્બે કોલોનીની બાજુમાં, કાપોદ્રા ચાર રસ્તા પાસે, વરાછા રોડ
૫) વરાછા-એ ઝોનમાં શાળા નં.૩૭પ , મુ.પો.સણીયા હેમાદ, નિશાળ ફળિયું, પાણીની ટાંકી પાસે,
૬) વરાછા-બી ઝોનમાં શાળા નં.૩૮૧ મુ.પો.વાલક
૭) રાંદેર ઝોનમાં શાળા નં.૩૧૯ , પ્લોટ નં.૧૭૩, ટી.પી.૧૪(પાલ) પાલ ગામ, સહિતની કુલ-૦૭ શાળામાં નવા બાંધકામમાં સાકારિત થનાર કુલ ર૦૩ ક્લાસરૂમ નિર્માણ પામશે અને અંદાજિત કુલ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાનો લાભ મળશે.